પુણે: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ તેનું ક્રિકેટ પ્રદર્શન નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિજયાદશમી ઉત્સવમાં તેની ભાગીદારી છે. 20 ઑક્ટોબરે પુણેના ડેક્કન જિમખાના કોલોની વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કેદાર જાધવ સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યાર બાદ તેણે સંઘના ગણવેશમાં પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
કેદાર જાધવે શેર કરેલા ફોટામાં તે સફેદ શર્ટ, ખાખી પેન્ટ અને કાળી ટોપી પહેરેલો જોવા મળે છે. તેના હાથમાં સંઘના પથસંચલન દરમિયાન ઉપયોગમાં લેવાતો દંડ પણ જોવા મળે છે. ક્રિકેટના મેદાન પર પોતાની અલગ ઓળખ બનાવનારા જાધવને આ રીતે આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેતા જોઈને તેના ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. તેના આ ફોટાઓ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભાગીદારીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
Former Indian cricketer Kedar Jadhav spotted at an RSS rally 🚩 https://t.co/eXXEKJMSFE
— TEJASH 🚩 (@Tejashyy) October 20, 2026
કેદાર જાધવની આ ભાગીદારી અંગે તેની તરફથી કોઈ અલગ રાજકીય નિવેદન સામે આવ્યું હોવાની માહિતી નથી. જોકે, ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમની સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓને કારણે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. આરએસએસના વિજયાદશમી ઉત્સવમાં ગણવેશ પહેરીને પથસંચલનમાં જોડાવવાની તેની આ તસવીરે ફરી તેને સમાચારોમાં સ્થાન અપાવ્યું છે.
કેદાર જાધવે 3 જૂન, 2024ના ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે 16 નવેમ્બર, 2014ના શ્રીલંકા સામેની વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જમણા હાથનો બેટ્સમેન હોવા ઉપરાંત તે પાર્ટટાઇમ બોલર તરીકે પણ ટીમમાં યોગદાન આપતો હતો. આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન તેણે ભારતીય ટીમ માટે અનેક મહત્વપૂર્ણ મેચોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી.
ભારત માટે કેદાર જાધવે કુલ 73 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચોમાં તેણે 42.09ની સરેરાશથી કુલ 1,389 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. વનડે ક્રિકેટમાં તેણે 27 વિકેટ પણ ઝડપી હતી. બીજી તરફ, ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે નવ મેચ રમીને કુલ 58 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 123.23 રહ્યો હતો.
આઈપીએલમાં પણ કેદાર જાધવ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) જેવી ટીમનો હિસ્સો રહી ચુક્યો છે. તેણે આઈપીએલમાં કુલ 95 મેચ રમીને 1,196 રન બનાવ્યા હતા, જેમાં ચાર અડધી સદી સામેલ છે. ભારતીય ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે યોગદાન આપનાર જાધવની ક્રિકેટ કારકિર્દી બાદ હવે તેની અન્ય પ્રવૃત્તિઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. પુણેમાં આરએસએસના વિજયાદશમી ઉત્સવ દરમિયાન કેદાર જાધવની હાજરી અને ગણવેશમાં શેર કરેલી તસવીરોને કારણે તે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો.