કોણે માંડી વાત, પ્રીત્યું તારી સાંભરે
શબ્દ સહજતા-છંદ સહજતાના કવિ સૉલિડ મહેતા
- રમેશ પુરોહિત
ગુજરાતીમાં અત્યારે એટલા બધા કવિઓ ગઝલ નામના રમકડાંથી રમી રહ્યા છે કે લોકો શું પણ કવિઓ પણ એકબીજાને ઓળખતા નથી. આમાં હું તમને એમ કહું કે હરીશકુમાર પુરુષોતમભાઇ મહેતા નામના કવિ-ગઝલકારને ઓળખો છો તો નવાણું ટકા જવાબ નકારમાં જ આપશે. પણ હું એમ કહું તો આ શેર `સૉલિડ' મહેતાનો છે તો તમે તરત કહેશો કે આ કવિને તમે વાંચ્યા છે. આ કવિની પ્રયોગશીલતા નોખી અનોખી છે પણ કોઇએ નોંધ સુધ્ધાં લીધી નથી.
આપણે સૉલિડ મહેતા: જીવન, સર્જન અને એમની કૃતિઓનું વિવેચન કરીએ તો ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી બની રહે. ગુજરાતી ગઝલના આધુનિક વિકાસમાં અનેક ગઝલકારોએ પરંપરાગત ગઝલના સ્વરૂપને જાળવી રાખીને તેમાં આધુનિક સંવેદના, અસ્તિત્વબોધ, એકાંત, આંતરિક સંઘર્ષ અને ભાષાકીય પ્રયોગશીલતા ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. સૉલિડ મહેતા આ પ્રવાહમાં નોંધપાત્ર ગઝલકાર તરીકે અભ્યાસ પાત્ર રહ્યા છે.
આપણે જોયું તેમ સૉલિડનું મૂળ નામ તો હરીશકુમાર હતું. ઉપલબ્ધ સાહિત્યિક સંદર્ભોમાં તેમનો જન્મ 12 જુલાઇ 1953માં અને અવસાન 6 નવેમ્બર, 2019માં દર્શાવવામાં આવે છે.
એમની ઓળખ મુખ્યત્વે ગઝલકાર તરીકે છે તેમની કૃતિઓમાં `શબ્દાયન', `ચતુષ્કલ' અને `સંભૂતિ' છે.
આ ઉપરાંત આ કવિએ `અંતરિયાળ' કાવ્ય સંગ્રહ 1982માં `સમાધાન'- સંપાદન 1991માં અને `અચકો મચકો કારેલી' બાળ કાવ્યસંગ્રહ 2000માં આપ્યા છે.
સૉલિડ મહેતાનું સાહિત્યિક વ્યક્તિત્વ તેમની કૃતિઓ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. ઉપલબ્ધ જીવનચરિત્રાત્મક સામગ્રી મર્યાદિત હોવાથી તેમના શિક્ષણ, વ્યવસાય, પારિવારિક જીવન વગેરે વિશે વિસ્તૃત ચર્ચા થઇ એમ નથી. વ્યવસાયે એ શિક્ષક હતા. 1979માં નિર્મળા સાથે લગ્ન કર્યાં હતા. `સૉલિડ મહેતા' આમ તો તેમનું સાહિત્યિક ઉપનામ હતું, પણ વહેવારમાં નામ થઇ ગયું હતું.
તેમની સર્જનયાત્રાનું વિશેષ કેન્દ્ર ગઝલ રહ્યો છે. તેમની રચનાઓ પરથી જણાય છે કે તેઓ માત્ર ભાવપ્રકાશન પૂરતા ગઝલકાર નથી : છંદ, કાફિયા-રદીફ, કલ્પના અને ભાષાના સંયોજન અંગે પણ પ્રયોગશીલ વલણ ધરાવે છે.
સૉલિડ મહેતાની મુખ્ય કૃતિઓમાં પ્રથમ છે. `શબ્દાયન'. `શબ્દાયન' ગઝલસંગ્રહ છે. શબ્દાયન નામ પોતે જ કવિની કાવ્યદૃષ્ટિનો સંકેત આપે છે. શબ્દક અયન-શબ્દોની યાત્રા. અર્થાત્ કવિ માટે શબ્દ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ અનુભૂતિ સુધી પહોંચવાનું માધ્યમ છે. બીજો સંગ્રહ છે. `ચતુખ્કસ' નામ છંદ અને લય તરફના કવિના વિશેષ અભિગમ તરફ પણ સંકેત કરે છે. `સંભૂતિ' પણ સૉલિડ મહેતાના કાવ્યસર્જન સાથે સંકળાયેલું પુસ્તક છે અને ગુજરાતી ગઝલના ગ્રંથસૂચિમાં તેની નોંધ મળે છે.
આ કૃતિઓને એક સાથે જોતા સૉલિડ મહેતાના સર્જનનું એક મહત્ત્વનું લક્ષણ સામે આવે છે-શબ્દ, લય અને અસ્તિત્વની અનુભૂતિનું `આંતરસંબંધન.'
સૉલિડ મહેતાની એક ગણ કે બે ગણવાળી ગઝલો એમની વિશેષતા છે. પણ ગઝલનું મૂલ્યાંકન મુખ્યત્વે નીચેનાં પરિણામોથી કરી શકાય : આધુનિક સંવેદના, અસ્તિત્વબોધ, એકાંત અને આંતરિક સંઘર્ષ, પ્રતીકાત્મકતા, ભાષા અને શબ્દપ્રયોગ, છંદપ્રયોગ, ગઝલના પરંપરાગત સ્વરૂપ સાથેનો સંવાદ અને કલ્પનાની દૃશ્યાત્મકતા.
સૉલિડની ગઝલમાં બહારની દુનિયા કરતાં અંતરજગત વધારે મહત્ત્વનું બને છે, જેમકે :
હોવાપણાનો કરશું ખુલાસો
એકાંત ભીનું પડઘાય ત્યારે
આ શેરમાં `હોવાપણું' અસ્તિત્વની સમસ્યાનુ પ્રતિનિધિત્વ કરે છે, જયારે `એકાંત' માત્ર એકલા રહેવાની સ્થિતિ નથી, તે આધુનિક માનવીની આંતરિક સ્થિતિ છે. અહીં `ભીનું પડઘાવું' અત્યંત અર્થસભર પ્રયોગ છે. સામાન્ય રીતે પડઘો ધ્વનિ સાથે જોડાય છે, પરંતુ કવિ તેને `ભીનો' બનાવે છે. પરિણામે એકાંતને સંવેદનાત્મક અને સ્પર્શનીય અનુભવ મળે છે. આ પ્રકારની અભિવ્યક્તિ સૉલિડ મહેતાની ગઝલને માત્ર નિવેદનાત્મક બનતી અટકાવે છે.
પ્રતીકો અને કલ્પના વૈવિધ્યની વાત કરીએ તો `સૉલિડ' પ્રકૃતિ અને રોજ-બ-રોજના જીવનમાંથી પ્રતીકો લે છે. આ જુઓ શે'ર :
ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે
અહીં `ઘર' માત્ર ભૌતિક ઘર નથી. તેને માનવીના આંતરિક અસ્તિત્વનું પ્રતીક માનીએ તો શેરનો અર્થ વધારે ઊંડો બને છે. `સાત સમુદ્ર' સામે `ઘર'નું સંયોજન એક પ્રકારનુ વિરોધાભાસી કલ્પના વિશ્વ ઊભું કરે છે. આ ઘર-અંતરજગત, સમુદ્ર-વિશાળ ભાવવિશ્વ અને ઉદાસી-આંતરિક ખાલીપો પડે. આ રીતે નાનું ઘર અને વિશાળ `સાત સમુદ્ર' વચ્ચેનું પ્રમાણભેદ કાવ્યાત્મક તાણ સર્જે છે.
એકાંત એ સૉલિડ મહેતાની વિશેષ સંવેદના છે. એમની ગઝલોમાં એકાંત વારંવાર અનુભવાય છે. પરંતુ આ એકાંત રોમેન્ટિક એકાંત નથી. તે અસ્તિત્વવાદી એકાંત તરફ જાય છે. આધુનિક મનુષ્ય સમાજમાં રહે છે છતાં પોતાની અંદર એકલો છે. સૉલિડ મહેતાની આ ગઝલ આવા આંતરિક વિખંડનને શબ્દદેહ આપે છે. બીજા અર્થમાં તેમની ગઝલને આધુનિક માનવની `INNER LONLINESS' ની કવિતા તરીકે પણ જોઇ શકાય.
વિવિધ છંદ પ્રયોગ આ કવિની વિશિષ્ટતા છે. એમના સર્જનમાં છંદ પ્રત્યેનું જાગૃત વલણ ખાસ નોંધપાત્ર છે. `ચતુષ્કલ' નામ પોતે છંદીય સંવેદનાનું સૂચક છે. ડૉ. રમણીકલાલ મારુએ નોંધ્યું છે કે આ કવિએ `શબ્દાયન'માં માલિની, વસંતતિલકા, ઇન્દ્રવજા જેવા શુદ્ધ રૂપમેળ છંદોમાં જ નહીં, પણ ગઝલ માટે અલ્પપરિચિત કે અપરિચિત દિંડી, સોરઠ, પૃથ્વી, હંસી, ભુજંગી, હાઇકુ, તાન્કા, જેવા છંદોમાં ગઝલો સર્જીને સુફળ મેળવી આપ્યા છે. ગુજરાતી ભાષામાં પહેલીવાર સાંઇઠથી ય વધુ છંદ-ગઝલોના આ પ્રથમ સંગ્રહને આવકારતા `ભલે ઊગા ભાણ' .. કહેતા કૃતાંજલિ થઇ જવાય છે.
આપણાં અગ્રગણ્ય વિવેચક રાધેશ્યામ શર્માએ કહ્યું છે કે રમેશ આચાર્ય જેવા કવિ `સૉલિડની કાવ્યરૂપમાં મૂર્તિ છંદોની મહારતને પોંખે છે.' હસમુખ ગોવાણી કહે છે `ગુજરાતી ગઝલની પરંપરા, પ્રયોગ અને પ્રવાહિતામાં ગઝલ આરાધના આ ઓલિયા કવિનો પારદર્શી પ્રાણાયમ પરમની પ્રતીતિનો પરિચાયક છે. તમારી રચનાઓમાં પ્રગટતો નવો-ન્મેશ તમારી સર્જક ચેતનાની દ્યોતક છે. શબ્દાયનની ગઝલોમાં છંદોને સાદગી અને સફાઇપૂર્વક પ્રયોજવાની તમારી કાળજી પ્રગટી છે.-`પાય મહાબાહુ.'
એમના પ્રથમ કાવ્ય સંગ્રહ `અંતરિયાળ' વિશે રમણલાલ જોશીએ નોંધેલું : `છંદમાં ગઝલ નિપજાવવાના પ્રયોગો લેખે' એક વસંતતિલકા ગઝલ `એક ઇન્દ્રવજા ગઝલ', `એક પૃથ્વી ગઝલ' જેવી રચનાઓ તેમણે આપી છે. કેટલાંક ગીતોમાં પણ લયની મંજુલતા સ્વાભાવિક છે. તેમનું ભાષાકર્મ દાદ માગી લે છે.
પ્રસ્તાવનામાં માય ડિયર જયુએ કહ્યું છે : એક ભાવક તરીકે મને સૌથી વધુ આશા સૉલિડના દુહાના રચના વિધાનમાં છે. કવિચિત્રની એકલતાને, રિક્તતાને, વિકલતાને કરુણતાને દુહાબદ્ધ રચનાઓ સરસ રીતે વ્યક્ત કરી શકે છે.
`ચતુષ્કલ' ગઝલ સંગ્રહ વિશે સૉલિડના મિત્ર કવિ એસ. એસ. રાહીએ કરેલી વાત ઘણી જ અર્થગંભીર છે. રાહી કહે છે : તેમના નવા ગઝલ સંગ્રહ `ચતુષ્કલ'ની ચાલીસ રચનાઓમાં સૉલિડ કસોટીની એરણ પર ચઢયા છે. તેમાંથી તેઓ કેટલેક અંશે પાર ઉતર્યા છે. લાઘવ અને સંકેત તો ગઝલનાં આભૂષણો છે. આ બે તત્ત્વો પાસેથી તેમણે ધૈર્યપૂર્વક કામ લીધું છે. માત્ર આઠ માત્રાના એક મિસ્રામાં ભાવોર્મિને ઠાંસી ઠાંસીને ભરવાનો પરિશ્રમ અહીં રંગે-બહાર લાવ્યો છે. રદીફના ચમકારા અને કાફિયાના પડકારા વચ્ચે ક્યાંક ક્યાંક શેરિયત ઝબકી ઊઠતી જણાય છે.
કવિની પ્રયોગ પ્રીતિનો સાફસૂથરો ચહેરો આ ગઝલોમાં દૃષ્ટિગોચર થાય છે. સંગ્રહની બધી જ ગઝલોના મકતાના શે'રમાં શાયરે તખલ્લુસ વણી લઇને રચનાઓની સુંદરતામાં વધારો કર્યો છે. કેટલાંક શે'રમાં ગઝલનો મૂળભૂત મિજાજ સ્વાભાવિક લ્હેજા-લ્હેકામાં વ્યક્ત થયો છે. હિન્દી-ઉર્દૂ શબ્દોની સંગાથે લોકબોલીના શબ્દોની સૃષ્ટિ નવો તાજો માહોલ ખડો કરી દે છે.
કવિ સંસ્કૃત વૃત્તોને ગઝલમાં એવી રીતે વણે છે કે જેથી કશું જ આગંતુક લાગતું નથી. એમની એક ઇન્દ્રવજા ગઝલમાં થયેલો પ્રયોગ જોઇએ :
આકાશ આખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે
ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે
એમના માટે ગઝલ માત્ર ભાવની મુક્ત અભિવ્યક્તિ નથી, લય અને છંદ પણ સર્જનાત્મક શિસ્ત છે. સૉલિડ મહેતાની ગઝલની શક્તિ અને મર્યાદાની વાત પણ જરૂરી છે. વિષયની પસંદગી આધુનિક અને આંતરમુખી છે. ભાવ અસ્તિત્તવવાદી અને એકાંતસભર છે. ભાષા અર્થઘન અને પ્રયોગશીલ છે. કલ્પના પ્રતીકાત્મક અને દૃશ્યાત્મક છે. છંદમાં વૈવિધ્ય, સંસ્કૃત છંદોની જાણકારી અને સફળતાથી પ્રયોજવાની આવડત. ગઝલમાં પરંપરા સાથે સંવાદ અને સાથે સાથે નવીનતાની જાગૃતિ. કયારેક કલ્પના કૃત્રિમ લાગે. સમગ્ર રીતે આધુનિક ગુજરાતી ગઝલમાં અભ્યાસપાત્ર પ્રયોગશીલ કવિ તરીકે એમનું સ્થાન છે.
આમ સૉલિડ મહેતાની ગઝલનું મૂળ સૌંદર્ય તેમની શબ્દ સંવેદના અને છંદ નિષ્ઠામાં છે, જયારે તેમનું સાહિત્યિક મહત્ત્વ પરંપરાગત ગઝલના માળખામાં આધુનિક અસ્તિત્વબોધને વ્યક્ત કરવાની તેમની સર્જનાત્મક આવડતમાં રહેલું છે.
સૉલિડ મહેતાની ચાર દાયકાની ગઝલ સાધનામાંથી માણવા જેવા શે'ર જોઇએ.
સંબંધના લેબાસમાં અકબંધ છે નકશા બધા
ને બંધ મુઠ્ઠીમાં સદા ઝૂર્યા કરે છે જિંદગી
* * *
એ જાણીને વાળી લીધા અપરિચિત પથ પર ચરણને મે
સંબંધોમાં વીંટાયેલો સકલ પગરવ છળ થઇ શકે છે
* * *
સ્પર્શો સુના એકાંતોની અરસપરસ અચર જ ઢળવાથી
મારામાં કૈ મારું હોવું અસરવશ વિહવળ થઇ શકે છે.
* * *
છે ભાર સુક્કી પાંપણે હોવાપણો
કૈં કેટલા આવી મળે ચ્હેરા એને
* * *
સહવાસના પંખી બધાં ઊઠી ગયાં
કેવળ રહ્યા ટહુકા તણા પડઘા અને
* * *
નગર તરફનો રસ્તો ન મોડી શકાશે
ચરણ લઇ હવા સાથે ન દોડી શકાશે
* * *
સકલ સ્મરણ વચ્ચે સાવ લીલી ઉદાસી
ચહકમહક આંખોથી હજી નીતરે છે
* * *
એકાંતના પોલાણમાં આહો ભરે છે જિંદગી
થીજી ગયેલી વેદનામાં વિસ્તરે છે જિંદગી
* * *
આંખવગા આકાશમાં, સૂરજ સળગે સાત
કોણે માંડી વાત, પ્રીત્યુ તારી સાંભરે
* * *
જાતને તો કદી ઓળખી ના શકયા
અન્યના દોષને યાદ શું રાખવા ?
* * *
પિંડમાં પરહરી જે ફરી સળવળે
એ જ તો માતબર તે જ છે, તત્ત્વ છે
* * *
દોષ શું આપવો આપણે અન્યને
શોક કે હર્ષ છે કયાં વળી કાયમી ?
* * *
સામ - સામે રહે એકબીજા છતાં
જાતને કેટલા જાણતા હોય છે.
બિન્દાસ આ નગર છે
ચોપાસ કાચ ઘર છે
* * *
શ્વાસો વિશે છલકતું
એકાંત પાનખર છે
* * *
કો' દૃશ્યની મમતમાં
આકાશથી નજર છે
* * *
આયુષ્યની ક્ષણે ક્ષણે
અસ્તિત્વની અસર છે
* * *
સંબંધ છે ઉભયથી
કૈ એટલી ખબર છે
* * *
સમાજે જવાતુ
મહેંકી જવાતુ
* * *
રડે બેઉ આંખો
કશું કૈં ઘવાતું
* * *
ઢળે સાંજ ભારે
થવું આભ રાતું
* * *
કહો કેમ પંખી
સવારે જ ગાતું
* * *
કારણો શું હશે આંખને જાદવા
જાણતો હોય તો બોલ હૈ જાદવા
* * *
કલરવે ડૂબતું હોય આકાશ તો
કેમ ન થાય મન કોઇને ચાહવા
* * *
ભરી લે આંખોમાં સ્ખલિત ક્ષણનાં નીલ સ્મરણો
પ્રવેશી લોહીમાં સમય છળશે એક ક્ષણમાં
* * *
મને તારું હોવું અલગ કરશે જાત તુજથી
વળાવી સૌ પાછા સ્વજન વળશે એક ક્ષણમાં