કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 3)
નામ: એન બોલેઇન
સમય: જાન્યુઆરી, 1559
સ્થળ: વેસ્ટમિનિસ્ટર એબે, લંડન
ઉંમર: 58 વર્ષ (જો જીવિત હોત તો)
મેરી લંડનના દરબારમાં મજા કરતી હતી, હેન્રી પર્સીને મારાથી દૂર કરી દેવામાં આવ્યો... મેં જે ઇચ્છ્યું, જે મેળવવાનો પ્રયત્ન કર્યો એ બધું જ મારા હાથમાંથી સરકી ગયું. હું વધુ ને વધુ કડવી થતી ગઈ. એક-બે વાર મને આત્મહત્યાનો વિચાર પણ આવ્યો, પરંતુ એ મારી પ્રકૃતિ નહોતી. મારો ભાઈ જ્યૉર્જ એની રમતોમાં અને રાજનીતિ શીખવામાં વ્યસ્ત હતો. હું બહુ એકલી પડવા લાગી હતી.
મારી એકલતા અને હતાશા જોઈને મને મારા પિતાએ નેધરલૅન્ડમાં માર્ગારેટ ઑફ ઑસ્ટ્રિયાના દરબારમાં થોડો સમય હવાફેર માટે મોકલી. એ જ વખતે ઇંગ્લૅન્ડની રાજકુમારી મેરી ટ્યૂડરનાં લગ્ન ફ્રાંસના રાજા સાથે થયાં... એણે મારા પિતાને વિનંતી કરી કે હું એની સાથે ફ્રાંસ જાઉં. મારા પિતાએ પરવાનગી આપી અને હું ટ્યૂડર સાથે ફ્રાંસ ગઈ. જોકે ટ્યૂડરનું તરત જ અવસાન થયું, પરંતુ ત્યાં સુધીમાં ફ્રાંસની નવી રાણી ક્લોદ સાથે મારી મિત્રતા ગાઢ થઈ ગઈ હતી. એણે મને ફ્રાંસમાં રોકી દીધી.
હવે હું ફ્રાંસની રાણીની કમ્પેનિયન, મિત્ર કે સલાહકાર બની. હું ફ્રાંસની રાણી સાથે રહેતી હતી, બધી જ સગવડો, વૈભવ અને આનંદ હતાં તેમ છતાં હું એની `ગુલામ' હતી. એની ઇચ્છા, એનો આદેશ મને ગમે કે ન ગમે મારે માનવા પડતા. જોકે ફ્રાંસ અને રાણી ક્લોદે મને ઘણું આપ્યું. નૃત્ય, સંગીત, શિષ્ટાચાર, રાજનીતિ, વાંચન, ફ્રેન્ચ ભાષા અને એની સાથે જોડાયેલી આખી સંસ્કૃતિ એણે મારા વ્યક્તિત્વમાં ઉમેરી આપી. હવે હું એક જુદી જ વ્યક્તિ હતી.
મારી ઉદ્દંડતા અને કડવાશ ઉપર તેજસ્વિતા, પ્રખર બુદ્ધિ અને અનેક આવડતોનાં પડ ચડી ચૂક્યાં હતાં. અહીંના ઉમરાવો મારી સાથે સમય વિતાવવા તલપાપડ હતા. રાણી ક્લોદની મહેફિલોમાં હું આકર્ષણનું કેન્દ્ર બની રહેતી તેમ છતાં મારે અહીં આખી જિંદગી વિતાવવી નહોતી એ મારા મનમાં સ્પષ્ટ હતું. હું અહીંથી નીકળવા માટેનો રસ્તો શોધતી હતી.
...ત્યાં વળી મેરીએ હેન્રી 8મા, ઇંગ્લૅન્ડના રાજાથી ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા. રાજા ખુશ થયા, પણ મારા મામા અને પિતાને આ સમાચારથી ફાળ પડી... હવે મેરી ગર્ભવતી હોય તો રાજા એની પાસે નહીં જાય, જશે તો પણ ખબર પૂછવા કે થોડી મિનિટો વિતાવવા માટે... એનો અર્થ એ થયો કે રાજાનું દિલ બહેલાવવા માટે હવે એક બીજી કન્યા અહીં પ્રવેશશે... એવું કશું બને તે પહેલાં મારા મામા અને પિતાએ મને, ગર્ભવતી બહેન મેરીની સેવા માટે ઇંગ્લૅન્ડ મોકલવાનું નક્કી કર્યું. નવાઈની વાત એ છે કે આ વખતે ના પાડવા કે ગુસ્સે થવાને બદલે મેં આ નિર્ણય સ્વીકારી લીધો! મારે મેરી પર વેર વાળવાનું હતું, આ એને માટે મને મળેલી સુવર્ણ તક હતી... મેં લંડન જવા માટે તૈયારી કરી લીધી.
હું જ્યારે લંડન પહોંચી ત્યારે મેરીને સમજાઈ ગયું કે હું કયા ઉદ્દેશથી ત્યાં પહોંચી હતી. એ ગર્ભવતી હતી. એને હરવા-ફરવાની મનાઈ હતી. રાજાનાં આટઆટલાં બાળકો ગુજરી ગયાં હતાં એટલે એમને મેરી પાસેથી પુત્ર, રાજ્યના વારસની અપેક્ષા હતી. એની પૂરી કાળજી લેવાતી, પરંતુ રાજા હેન્રી અઠવાડિયે એક જ વાર દસ મિનિટ માટે એની ખબર પૂછવા આવતા. બાકીનો સમય મેરીએ એની પરિચારિકા સાથે વિતાવવાનો રહેતો. મેં લંડન પહોંચીને મેરીની કાળજી લેવાનું શરૂ કર્યું ત્યારે પહેલીવાર હેન્રી સાથે મારી મુલાકાત થઈ.
મારી તેજસ્વિતા, વાંચન પછી મળેલું અગાઢ જ્ઞાન, વાક્પટુતા અને સૌંદર્યમાં આવેલો નિખાર હેન્રીને આકર્ષી ગયો. હું એની આંખમાં પ્રશંસા જોઈ શકી, પરંતુ અંતે તો પુરુષ, ને એ પણ રાજા! એમ સહજતાથી પોતે તિરસ્કારેલી સ્ત્રીને કઈ રીતે સ્વીકારે? હેન્રીની મહેફિલમાં મને એમની પાસે બેસવા નહોતું મળતું, પરંતુ એના ઉમરાવ મારી વાતો સાંભળવા ઉત્સુક રહેતા. યુરોપના રાજકારણ વિશેની મારી જાણકારી અને સમજ એમને અભિભૂત કરી નાખતાં. ધીમે ધીમે આ વાતો રાજા સુધી પહોંચી.
એમણે એક દિવસ મને પોતાની બાજુમાં બેસવા નિમંત્રિત કરી અને કહ્યું, તમે એવી તે શી વાતો કરો છો જે સાંભળવા સૌ આટલા બધા ઉત્સુક હોય છે. હવે હું પહેલાંની જેમ નાદાન અને અણસમજુ નહોતી. રાજાને કંઈ પણ કડવો જવાબ આપવાને બદલે મેં કહ્યું, આપની સમજ અને ચતુરાઈ સામે મારી શી વિસાત? રાજાને સ્વાભાવિક રીતે જ મારો જવાબ ગમ્યો. એમણે એ પછી મને જે પ્રશ્નો પૂછ્યા એના મેં ટૂંકમાં, પરંતુ ચતુરાઈભર્યા જવાબો આપ્યા... એમણે મને મહેલમાં રહેવા આમંત્રિત કરી!
હું મહેલમાં રહેવા લાગી, પણ હેન્રીથી અંતર જાળવવાનું કામ બરાબર કરતી રહી. એમની સાથે વાઇન પીવા, ચોપાટ રમવા બેસતી. એમને પુસ્તકો વાંચી સંભળાવતી, પરંતુ એ જેવા નીકટ આવવાનો પ્રયાસ કરે કે તરત હું ઊંઘનું, તબિયતનું બહાનું કાઢીને મારા આવાસમાં પાછી આવી જતી. હું જોઈ શકતી હતી કે હેન્રી મને પામવા બેચેન હતો. એ જેમ વધુ બેચેન થતો એમ એની નજીક જવાના મારા રસ્તા અને રીત ખૂલતા જતાં હતાં.
હેન્રી અવારનવાર મને ભેટ મોકલવા લાગ્યો. જે હું સન્માનપૂર્વક પાછી વાળતી. હેન્રી ઉશ્કેરાતો. વધુ મોંઘી, વધુ સુંદર ભેટ મોકલતો. હું વધુ સન્માનથી પાછી વાળતી... હેન્રી કોઈ પણ રીતે મને મેળવવા ઇચ્છતો હતો, એક દિવસ જ્યારે એણે મને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં એને કહ્યું, હું લગ્ન વગર મારું શરીર કોઈ પુરુષને નહીં સોંપું. આ હેન્રીની સત્તા ઉપર સીધો આઘાત હતો... એ કોઈ પણ રીતે મને પોતાની બનાવવા માગતો હતો, જેમાં કેથરિન ઑફ આરાગોન, એની પત્ની બહુ જ મોટો કાંટો હતી.
મેરી એની પત્ની નહોતી એટલે મેરીને તો એણે સહજતાથી ભુલાવી દીધી. હવે એ અઠવાડિયાને બદલે 12-15 દિવસે એક વાર મેરીને મળવા જતો. હું જ્યારે મેરીને મળવા જતી ત્યારે એ દુ:ખી થતી, પીડાતી અને મેં એના પ્રેમને છીનવી લીધો છે એવી ફરિયાદ કરતી... મેં એને જવાબ આપ્યો, તેં મારા પ્રેમને છીનવ્યો હતો, મેં તો ફક્ત મારો પ્રેમ પાછો મેળવવાનો પ્રયાસ કર્યો છે!
હેન્રીને હજીયે મેરી પાસેથી પુત્રની આશા હતી. જો મેરી એમને દીકરો આપી શકી હોત તો કદાચ હેન્રીનો મોહ મારા માટે ઓછો થયો હોત, પણ નસીબ મારી સાથે હતું. મેરીએ એક દીકરીને જન્મ આપ્યો. એનું નામ કેથરિન પાડવામાં આવ્યું. દીકરીના જન્મના સમાચાર જાણ્યા પછી રાજા હેન્રી પોતાની પ્રિયતમા મેરીને મળવા પણ ન ગયા... એ સીધા મારા ઓરડામાં આવ્યા અને મારી સાથે સંભોગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારો જવાબ એ જ હતો, હું લગ્ન પછી જ તમને મારું શરીર આપીશ.
હેન્રી સાથે લગ્નનો મારો આગ્રહ વધતો ગયો તેમ તેમ એની વાસના ફૂંફાડા મારવા લાગી. એક દિવસ એણે ઉશ્કેરાઈને મારા પર બળાત્કાર કર્યો. મેં એને રોકવાનો પ્રયત્ન તો કર્યો, પણ હું ઇચ્છતી હતી કે એ હવે મારા શરીરને, યૌવનને અને સૌંદર્યને પૂરેપૂરું નીરખે અને માણે... એ બળાત્કાર પછી મેં હીવર કાસલ પાછા જવાની જીદ પકડી. હેન્રીને સમજાઈ ગયું કે એ મને ખોઈ બેસશે એટલે એણે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડની પાદરીની સામે મારી સાથે 25 જાન્યુઆરી, 1533ના દિવસે છુપાં લગ્ન કરી લીધાં.
આ લગ્ન જાહેર થઈ શકે એમ નહોતાં, પરંતુ ધીરે ધીરે મેં હેન્રીને મારી બુદ્ધિ અને આવડતથી એવો તૈયાર કર્યો કે એણે કેથરિન ઑફ આરાગોનને કઈ રીતે દૂર કરી શકાય એના ધમપછાડા કરવાનું શરૂ કર્યું. પોપ ક્યારેય છૂટાછેડાની પરવાનગી નહીં આપે એવી ખાતરી હોવાને કારણે એણે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ પાસેથી રજા માગી જેનો કાયદેસર વડો ઇંગ્લૅન્ડનો રાજા ગણાય છે. કેથરિન પર વારસ ન આપી શકવાનો, રાજાને ખુશ ન રાખી શકવાનો અને પત્ની તરીકેની ફરજો પૂરી ન કરી શકવાનો આરોપ મૂકીને એને મુક્ત કરવાનું નક્કી થયું.
1533માં પહેલી જૂને અમારાં લગ્ન જાહેર કરવામાં આવ્યાં અને ઇંગ્લૅન્ડની રાણી તરીકે મારો રાજ્યાભિષેક થયો ત્યારે હું ગર્ભવતી હતી! મારી સાથે લગ્ન કરવા માટે હેન્રીએ રોમન કેથલિક ચર્ચ સાથે સંબંધ તોડી નાખવો પડ્યો. પોતે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડના વડા બન્યા જેથી કાયદા બદલી શકાય. જોકે આ નિર્ણય એમને પછીથી ખૂબ મોંઘો પડ્યો... મારું હેન્રી 8માની રાણી બનવાનું સ્વપ્ન પૂરું થયું... (ક્રમશ:)