Sat Sep 05 2026

Logo

ખીણમાં લશ્કર-એ-તૈયબાની ધમકી બાદ કાશ્મીરી પંડિતોમાં ડરનો માહોલ, સુરક્ષા વધારાઇ, વર્ક ફ્રોમ હોમની અનુમતિ

2026-08-12 10:45:00
Author: Mumbai Samachar Team
ખીણમાં લશ્કર-એ-તૈયબાની ધમકી બાદ કાશ્મીરી પંડિતોમાં ડરનો માહોલ, સુરક્ષા વધારાઇ, વર્ક ફ્રોમ હોમની અનુમતિ

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર પોલીસે કાશ્મીરી પંડિતો જ્યાં રહે છે તે વિસ્તારોની સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ તેમને કેટલાક સમય માટે વર્ક ફ્રોમ હોમ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ પગલું એ દાવા બાદ ઉઠાવાયું છે જેમાં લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા યૂનાઇટેડ લિબરેશન કાઉન્સિલ તરફથી કથિત ધમકી ભર્યો પત્ર જારી કરવાની વાત કરવામાં આવી છે. કથિત પત્રમાં કાશ્મીરી પંડિત સમુદાયના અનેક લોકોના નામ અને તેમના ફોન નંબર શેર કરવામાં આવ્યા છે. પત્ર સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પંડિત સમુદાયની ચિંતા વધી ગઇ છે. સુરક્ષ એજન્સીઓ એ શોધવામાં લાગી ગઇ છે કે પત્ર વાસ્તવમાં કોણે જાહેર કર્યો અને તેમાં આપવામાં આવેલી જાણકારીનો સ્ત્રોત શું છે. 

ઊંડાણપૂર્વક તપાસની માંગ

‘પનુન કાશ્મીર’ના કન્વીનર અગ્નિશેખરે મામલાની ગંભીરતાને જોતા તેની બારીકાઇથી તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ એ શોધવું જોઇએ કે આની જાણકારીનો સોર્સ શું છે અને તેની પાછળ કોઇ ડિજિટલ ટ્રેલ મોજુદ છે કે નહીં. સાથે જ એની પણ તપાસ કરવી જોઇએ કે જે લોકોના નામ પત્રમાં છે તેની તપાસ, પ્રોફાઇલિંગ  કે રેકી કરવામાં આવી હતી. અગ્નિશેખરે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ એ પણ શોધવું જોઇએ કે ધમકી આપનારા લોકોની પાસે વાસ્તવમાં લોકો અને તેમના પરિવાર સાથે જોડાયેલી જાણકારી હતી કે પછી તેનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક યુદ્ધના હિસ્સા તરીકે કરવામાં આવી રહ્યો હતો. 

કાશ્મીરના આઇજીપીએ શું કહ્યું

કાશ્મીરના IGP વીકે બિરદીએ જણાવ્યું કે પોલીસ કથિત ધમકી ભરેલા પત્રની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ પત્ર 7 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. એજન્સીઓ પત્રની પ્રામાણિકતા, તેના સોર્સ અને તેની પાછળ કોનો દોરી સંચાર છે તેની તપાસ કરી છે. 

બીજી તરફ ડિવિઝનલ કમિશન અંશુલ ગર્ગે જણાવ્યું કે કેટલાક કાશ્મીરી પંડિત કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અનુમતિ આપવામાં આવી છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે આ અંગે કોઇ સામાન્ય આદેષ જાહેર નથી કરાયો. શિક્ષણ વિભાગના અધિકારીઓએ  કહ્યું કે ઘરેથી કામ કરવાને લઇને કોઇ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો.