Mon Nov 16 2026

Logo

Delhi Bomb Hoax: રૂમમેટ સાથે પ્રેન્ક કરવા દિલ્હી પોલીસને આપી બોમ્બ ધડાકાની ધમકી, કાનપુરથી ઝડપાયો યુવાન; ભવિષ્ય દાવ પર લાગ્યું...

2026-10-30 20:42:55
Author: Darshana Visaria
Delhi Bomb Hoax: રૂમમેટ સાથે પ્રેન્ક કરવા દિલ્હી પોલીસને આપી બોમ્બ ધડાકાની ધમકી, કાનપુરથી ઝડપાયો યુવાન; ભવિષ્ય દાવ પર લાગ્યું...

Chat GPT Generated Image


નવી દિલ્હી/કાનપુર: દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રને દોડતું કરી દેનારા એક યુવકની પોલીસે કાનપુરથી ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પકડાયેલો આરોપી સિવિલ સર્વિસ (UPSC) ની તૈયારી કરતો વિદ્યાર્થી છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે દિલ્હીમાં રહેતા પોતાના જૂના રૂમમેટ સાથે માત્ર ‘પ્રેન્ક’ (મજાક) કરવા અને તેને મુશ્કેલીમાં મૂકવા માટે આ ખતરનાક કૉલ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દેનારો આ નકલી કોલ આખરે આરોપી વિદ્યાર્થી માટે જેલના સળિયા પાછળ જવાનું કારણ બન્યો છે.

કંટ્રોલ રૂમમાં કોલ કરી દિલ્હી ઉડાવી દેવાની ધમકી આપી

આરોપીએ દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમ (PCR) પર ફોન કરીને દાવો કર્યો હતો કે રાજધાનીના મહત્વપૂર્ણ સ્થળો પર સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડાઈ ચૂક્યું છે. દેશમાં તહેવારોની મોસમ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતા વચ્ચે આવા કોલથી તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને સ્પેશિયલ સેલને કાર્યરત કરી દેવામાં આવ્યા હતા. કલાકો સુધી વિવિધ સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ હાથ ધર્યા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં આ કોલ 'હોક્સ' (બનાવતી/અફવા) હોવાની ખાતરી થઈ હતી.

નંબર ટ્રેસ થતાં કાનપુર કનેક્શન ખૂલ્યું

દિલ્હી પોલીસે કૉલ ડિટેઈલ્સ અને ટાવર લોકેશનની તપાસ શરૂ કરી ત્યારે મોબાઈલ નંબર ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિક પોલીસના સહયોગથી દિલ્હી પોલીસની ટીમે દરોડો પાડી કાનપુરમાંથી UPSC ની તૈયારી કરી રહેલા યુવકને ઝડપી લીધો હતો અને ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન તથા સિમ કાર્ડ જપ્ત કર્યા હતા.

જૂના રૂમમેટ સાથેનો બદલો અને મજાક બની ગયો મોટો ગુનો

આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી કે દિલ્હીમાં અભ્યાસ દરમિયાન તેનો તેના રૂમમેટ સાથે કોઈ બાબતે અંગત વિવાદ થયો હતો. પોતાના એ જૂના રૂમમેટને ફસાવવા અને પોલીસ તપાસના ચક્કરમાં નાખવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો. તેણે વિચાર્યું હતું કે મજાકમાં કરેલા આ કૉલથી કોઈ મોટી કાનૂની આફત નહીં આવે. જોકે, નેશનલ સિક્યોરિટી સાથે ચેડાં કરવા અને ઈમરજન્સી સેવાઓનો દુરુપયોગ કરવા બદલ પોલીસે તેની સામે ગંભીર ફોજદારી કલમો હેઠળ ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.