(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે, તેની અસર અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે પણ મુંબઈના છેવાડના વિસ્તારમાં આવેલા કાંદિવલી, બોરીવલી જેવા વિસ્તારોમાં વર્ષોથી ઓછા પાણીની સમસ્યાથી પરેશાન નાગરિકોના ડરે બુધવારે સવારે કાંદિવલીની આર-સાઉથ વોર્ડની પ્રભાગ સમિતિની બેઠકમાં શાસક પક્ષના નગરસેવકોને જ પાણીના મુદ્દા પર વોકઆઉટ કરવાની નોબત આવી હતી.
કાંદિવલીની આર સાઉથ વોર્ડ કમિટીમાં બુધવારે કાંદિવલી વિસ્તારમાં પાણી પુરવઠો ખૂબ જ ઓછા દબાણે થઈ રહ્યો હોવા સામે ભાજપના નગરસેવક શિવકુમાર ઝાએ આ બાબતે પ્રભાગ સમિતિમાં વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દાને ટેકો આપતા પાલિકામાં શાસક પક્ષ ભાજપ અને શિવસેના (શિંદે) પક્ષના આઠ નગરસેવકોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું. જ્યારે વિરોધ પક્ષના ત્રણ નગરસેવકો સભામાં બેસી રહ્યા હતા.
અલ નિનોની અસરને કારણે આ વર્ષે મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘણો ઓછો થયો હતો. તેથી મુંબઈમાં ૧૫ મેથી લાગુ કરવામાં આવેલા ૧૦ ટકા પાણી કાપને આગામી વર્ષ સુધી ચાલુ રાખવાનો પ્રશાસને નિર્ણય લીધો છે. ચોમાસામાં ચાર મહિનાથી માંડ બે મહિના જ સરેરાશ વરસાદ પડયો હતો, જેમાં પણ જુલાઈમાં પડેલા વરસાદને કારણે જળાશોયમાં પાણીનો સંગ્રહ વધ્યો હતો અને ઑગસ્ટમાં થોડા વરસાદને પગલે પાણીનો જથ્થો ૯૭ ટકા થયો હતો.
જોકે, રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પાલિકા પ્રશાસને પણ પાણીકાપ ચાલુ જ રાખવાનો નિર્ણય લીધો છે. તેથી મુંબઈમાં અનેક જગ્યાએ ખાસ કરીને ઉત્તર મુંબઈના દહિસર, બોરીવલી, કાંદિવલી, ગોરેગામ જેવ વિસ્તારોમાં કે જયાં પહેલાથી જ ઓછું પાણી મળવાની ફરિયાદ રહી છે ત્યાં હવે ૧૦ ટકા પાણીકાપ બાદ પાણીની વધુ સમસ્યા સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ખૂબ જ ઓછા દબાણથી આવી રહ્યું છે.
કાંદિવલી વિસ્તારમાં પાણી ખૂબ જ ઓછા દબાણથી આવી રહ્યું હોવાથી બુધવારે પ્રભાગ સમિતિની બેઠકમાં નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કાંદિવલી પૂર્વ વિસ્તારમાં દરરોજ સવારે ૧૧ વાગ્યે પાણી આવે છે. જોકે, હાલમાં પાણીકાપને કારણે રહેવાસીઓને પૂરતું પાણી મળી રહ્યું નથી. તેથી આ વિસ્તારના નાગરિકો સતત ફરિયાદ કરી રહ્યા છે.
ભાજપના નગરસેવક શિવકુમાર ઝાએ આ મુદ્દો ઉઠાવતા શાસકપક્ષ ભાજપ અને શિવસેના (શિંદે) પક્ષના નગરસેવકોએ સમર્થન આપ્યું હતું. પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા તેની વિરોધમાં શાસક પક્ષના આઠ નગરસેવકોએ સભામાંથી વોકઆઉટ કરતા બેઠકમાં વિરોધ પક્ષના માત્ર ત્રણ નગરસેવકો બેસી રહ્યા હતા. પાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં ભાજપના નગરસેવકોને સભાત્યાગ કરવો પડે છે એ બાબતને કૉંગ્રેસે શરમજનક ગણાવી હતી.