(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષો અને ટીસી વચ્ચેના વિવાદોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં શુક્રવારે કાંદિવલી રેલવે સ્ટેશન પર મહિલા ટીસી અને મહિલા પ્રવાસી વિરુદ્ધ ટિકિટ ચેકિંગનો મુદ્દો વિવાદમાં પરિણમ્યો હતો, જેમાં પ્રવાસીઓએ પણ ટીસીની ભૂલ મુદ્દે હંગામો કર્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ રેલવે પ્રશાસનની કામગીરી વિરુદ્ધ સવાલો ઊઠાવ્યા હતા.
ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાને દંડ ભરવાનું કહેતાં કાંદિવલી રેલવે સ્ટેશન પર મોટો વિવાદ થયો હતો. શુક્રવારે સાંજે ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલાએ દંડ ભરવાથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન મહિલા ભાગવા લાગી હતી અને મહિલા ટિકિટ ઈન્સ્પેક્ટર તેની પાછળ ભાગ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં મહિલાનાં કપડાં આંશિક રીતે ફાટી ગયાં હતાં અને ટિકિટ ઈન્સ્પેક્ટર પણ સંતુલન ગુમાવીને પ્લેટફોર્મ પર પડી ગયાં હતાં, પરંતુ આ બનાવ પછી સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓએ હંગામો કર્યો હતો.
CCTV footage captures a scuffle between a female ticket examiner and a woman passenger at Mumbai’s Kandivali station. The examiner fell onto the platform while trying to stop the woman suspected of travelling ticketless. #Mumbai #Kandivali #CCTV #MumbaiLocal #Breaking https://t.co/4ysX0gBV09
— Chetna Raja (@ChetnaRaja) October 17, 2026
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ બનાવ શુક્રવારે બન્યો હતો. સાંજના લગભગ 7.30 વાગ્યે કાંદિવલી સ્ટેશનના પશ્ચિમ તરફના પરિસરમાં પશ્ચિમ રેલવેની ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર પ્રિયા અંબાવાડે નિયમિત ટિકિટ ચેકિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન આશરે 25 વર્ષની એક મહિલા માન્ય ટિકિટ વગર મુસાફરી કરતી હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ દંડ ભર્યા વિના જવા દેવાની વિનંતી કરી હતી, પરંતુ ઈન્સ્પેક્ટરે નિયમ મુજબ કાર્યવાહી આગળ વધારી હતી.
દંડની કાર્યવાહીથી બચવા મહિલાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા જતાં ઈન્સ્પેક્ટરનું સંતુલન બગડ્યું હતું અને તેઓ પ્લેટફોર્મ પર પડી ગયાં હતાં. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં મહિલાનાં કપડાં આંશિક રીતે ફાટી ગયાં હતાં ત્યાર બાદ મહિલાને આગળની કાર્યવાહી માટે ટિકિટ ચેકિંગ ઓફિસમાં લઈ જવામાં આવી હતી.
Chaos at Kandivali station! A ticketless woman’s clothes were torn during a scuffle, and a female ticket inspector fell onto the platform.woman tried to flee to avoid paying a fine; GRP and RPF personnel were called to control the crowd. #Mumbai #Kandivali #MumbaiLocal #Western https://t.co/XRG7UopIfb
— Chetna Raja (@ChetnaRaja) October 17, 2026
ઘટના બાદ મહિલાની સાથે આવેલી ત્રણથી ચાર મહિલાઓએ દરમિયાનગીરી કરી હતી અને તેને રેલવે પરિસરમાંથી બહાર લઈ ગઈ હતી. આ દરમિયાન ટિકિટ ચેકિંગ ઓફિસની બહાર લોકોનું ટોળું એકઠું થયું હતું. કેટલાક લોકોએ ઈન્સ્પેક્ટર પર અયોગ્ય ભાષા વાપરવા અને ઉદ્ધત વર્તન કરવાનો આક્ષેપ કરીને જાહેરમાં માફી માગવાની માગ કરી હતી. જોકે, ઈન્સ્પેક્ટરે માફી માગવાનો ઈનકાર કર્યો હતો.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તેના માટે સરકારી રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ ટોળાને વિખેરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી, પરંતુ અમુક પ્રવાસીઓએ કરેલા વિરોધને કારણે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે ટિકિટ ચેકિંગ કર્મચારીઓને તેમની ફરજ બજાવવામાં અવરોધ કે દબાણનો સામનો કરવો ન પડે તે જરૂરી છે. સાથે જ, કર્મચારીઓના વર્તન અંગેની કોઈ પણ ફરિયાદની ઉપલબ્ધ પુરાવાના આધારે યોગ્ય પ્રક્રિયા મુજબ તપાસ કરવામાં આવશે.