Sat Nov 07 2026

Logo

કડિયાકામ સાથે કળાની સાધના! રાવણહથ્થાના મધુર સૂરો રેલાવતા રાજસ્થાની શ્રમજીવી કલાકારની પ્રેરણાદાયી ગાથા

2026-10-29 10:53:00
Author: Mumbai Samachar Team
કડિયાકામ સાથે કળાની સાધના! રાવણહથ્થાના મધુર સૂરો રેલાવતા રાજસ્થાની શ્રમજીવી કલાકારની પ્રેરણાદાયી ગાથા

ભુજ: સમયના વહેણ સાથે લુપ્તપ્રાય થઈ રહેલા પરંપરાગત વાદ્ય ‘રાવણહથ્થો'ના મધુર સૂર આજે પણ કચ્છની ધરા પર ગુંજી રહ્યા છે. દિવસભર બાંધકામની સાઇટ પર પરસેવો વહાવી કડિયાકામ કરતા રાજસ્થાનના એક શ્રમજીવી કલાકાર સાંજ પડતાં જ પોતાના હાથે કંડારેલા વાદ્ય સાથે સંગીતની સાધનામાં લીન થઈ જાય છે. ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલા શોપિંગ સેન્ટર્સની આસપાસથી પસાર થતા રાહદારીઓ જ્યારે આ અનોખા સૂર સાંભળે છે, ત્યારે સંઘર્ષ અને કલાના આ અદ્ભુત સમન્વયને જોઈ ક્ષણભર માટે થંભી જાય છે.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પાલડી ગામના મૂળ વતની કૈલાશ ભારથરી છેલ્લા બે દાયકાથી ભુજને કર્મભૂમિ બનાવીને વસ્યા છે. આર્થિક મર્યાદાઓ અને ઔપચારિક શિક્ષણના અભાવ છતાં તેમનામાં સંગીત પ્રત્યેનો લગાવ અને હસ્તકળાની વિશિષ્ટ સૂઝબૂઝ કુદરતી રીતે વણાયેલી છે. બજારમાંથી મોંઘા વાદ્યો ખરીદવાની ક્ષમતા ન હોવાથી તેમણે વાંસના લાકડા, નાળિયેરની કાચલી અને લોખંડના તારનો કુશળ ઉપયોગ કરીને જાતે જ રાવણહથ્થો તૈયાર કર્યું છે. એટલું જ નહીં, વાયોલિનના તારનો ઉપયોગ કરીને તેમણે ગજ પણ જાતે બનાવ્યું છે.

સાંજ ઢળતાં જ કૈલાશભાઈ ભુજ–માંડવી માર્ગ પર પિઝા હટ અને વિવિધ વ્યાપારી સંકુલોની બહાર બેસીને રાવણહથ્થો પર જાણીતા ફિલ્મી ગીતો અને લોકધૂનો છેડે છે. આ સંગીતમય વાતાવરણને વધુ હૃદયસ્પર્શી બનાવે છે તેમનો પાંચ વર્ષનો પુત્ર મનીષ. પિતા વાદ્ય પર ગજ ફેરવીને સૂર રેલાવે અને પુત્ર પોતાના બાળસહજ, નિર્દોષ કંઠે એ જ ગીતના બોલ લલકારે, ત્યારે રસ્તા પરથી પસાર થતા સંગીતપ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. કૈલાશભાઈના જણાવ્યા મુજબ, કલાપ્રેમી ભુજવાસીઓ આ કલાની કદર કરીને સ્વેચ્છાએ પાંચ-દસ રૂપિયા જેવી આર્થિક ભેટ આપે છે, જે તેમના માટે માત્ર રોજીરોટીનો ટેકો નથી પણ તેમની કલાની જાહેર સ્વીકૃતિનું સન્માન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાવણહથ્થો એ પશ્ચિમી ભારતના લોકસંગીત અને વાર્તાકથનની પ્રાચીન પરંપરાનું અવિભાજ્ય અંગ છે. પૌરાણિક માન્યતા અનુસાર લંકાપતિ રાવણ ભગવાન શિવની આરાધના માટે આ વાદ્ય વગાડતા હતા અને લંકા વિજય બાદ હનુમાનજી તેને ઉત્તર ભારતમાં લાવ્યા હોવાની લોકવાયકા છે. પરંપરાગત રીતે રાજસ્થાનમાં ભોપા સમુદાયના કલાકારો ‘ફડ’ ચિત્રકળા સામે પાબુજી રાઠોડ જેવા લોકનાયકોની શૌર્યગાથાઓનું ગાન કરતી વખતે ગજ વડે ઘર્ષણ કરીને રાવણહથ્થો વગાડતા આવ્યા છે. તેમજ રાજા ભરથરીના વૈરાગ્ય અને ભક્તિગીતો સાથે જોડાયેલા ભારથરી સમુદાયમાં પણ લોકસંગીતની ઊંડી ધરોહર રહેલી છે.

કોઈ મોટા મંચ, લાઇટ કે માઇક્રોફોન વિના માત્ર ફૂટપાથ પર બેસીને પોતાની વિરાસતને જીવંત રાખતા કૈલાશ ભારથરી અને તેમના પુત્રની આ જોડી સાબિત કરે છે કે ખરી કલા સાધનોની મોહતાજ નથી હોતી. પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હોય, હૃદયમાં કળા પ્રત્યે સાચો સમર્પણભાવ હોય તો શ્રમના પરસેવા વચ્ચે પણ સંગીતના સૂર ખીલી ઊઠે છે.

(ઉત્સવ વૈદ્ય)