મુંબઈ: પશ્ચિમ રેલવે સ્થિત જોગેશ્વરી રેલવે સ્ટેશનના સાઉથ ફૂટઓવર બ્રિજ (FOB) પર ટિકિટ ચેકિંગ દરમિયાન એક મુસાફરે ટિકિટ ચેકર (TC) આશિષ રંજન ગુપ્તા પર અચાનક હુમલો કરી દીધો હતો. ટિકિટ અંગેની પૂછપરછ દરમિયાન થયેલી બોલાચાલીમાં પ્રવાસીએ ચહેરા પર વાર કરતા ટીટીના ચશ્મા વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી.
મામલાની જાણકારી મળ્યા બાદ જીઆરપીએ ઘટનાસ્થળે પહોંચી બંનેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યાર બાદ બન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર જોગેશ્વરી સ્ટેશનના સ્ટેશનમાસ્તરની જાહેરાત દ્વારા ટીસી અને પ્રવાસી વચ્ચે થયેલા ઝઘડાની સૂચના આપી હતી. સૂચના મળતા જ સ્ટેશન પર ડ્યૂટી કરી રહેલા અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. ત્યાર બાદ આ ઘટનાની જાણ જીઆરપીને પણ કરવામાં આવી હતી.
ડ્યુટી પર હાજર ટીસી આશિષ રંજન ગુપ્તાએ જીઆરપીને જણાવ્યું કે તે પ્રવાસી પાસે ટિકિટ વિશે પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારે પ્રવાસી સાથે ઝઘડો શરૂ થયો હતો. ટિકિટચેકરના જણાવ્યા અનુસાર બોલાચાલી વચ્ચે પ્રવાસીએ અચાનક તેના ચહેરા પર હુમલો કરી દીધો હતો. ચહેરા પર ચશ્મા હોવાના કારણે ચહેરા પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
બીજી તરફ પોલીસની પૂછપરછમાં પ્રવાસીએ પોતાનું નામ અજય જણાવ્યું હતું. તે જોગેશ્વરી વિસ્તારમાં રંક નગર, સાઈબાબાનો રહેવાસી છે. ઘટના બાદ ટીસી અને સબંધિત પ્રવાસીને આગળ કાર્યવાહી માટે જીઆરપી સ્ટાફને સોંપવામાં આવ્યા છે.
પ્રવાસીઓ અને ટિકિટ ચેકર વચ્ચે મારપીટ અને બોલાચાલીની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો જ્યાં એક પ્રવાસીની ટિકિટ ચેક કરવા આવેલા ટીસીને ધક્કો મારી ભાગવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કર્મચારીની ડાબી આંખ પર ગંભીર ઇજા પહોંચી હતી. ટીસી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હોવા છતાં તેને પ્રવાસીને પકડી લીધો હતો.