Thu Nov 19 2026

Logo

જોગેશ્વરીમાં વિચિત્ર અકસ્માતમાં એકનું મોત: બેસ્ટની બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

2026-10-22 20:14:20
Author: Yogesh C. Patel
જોગેશ્વરીમાં વિચિત્ર અકસ્માતમાં એકનું મોત: બેસ્ટની બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
જોગેશ્વરીમાં મજાસ ડેપો નજીક થયેલા વિચિત્ર અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે બેસ્ટની બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બેસ્ટ દ્વારા મળતી માહિતી અનુસાર મજાસ ડેપો નજીકની પીએમજી કોલોની ખાતે બુધવારની સવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા શખસની ઓળખ ફરીદ અહમદ શેખ (53) તરીકે થઈ હતી.

એમઆઈડીસી પોલીસ અનુસાર રૂટ નંબર-441 પરની બેસ્ટની બસ મજાસ ડેપોથી અંધેરી જઈ રહી હતી. પીએમજી કોલોની પાસે રસ્તાને કિનારે મરઘાં ભરેલો ટેમ્પો ઊભો હતો. ટેમ્પોમાંથી મરઘાં પાસેની દુકાનમાં લઈ જવામાં આવતાં હતાં.

કહેવાય છે કે સવારે 10.15 વાગ્યાની આસપાસ બસ ટેમ્પોની બાજુમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શેખ ટેમ્પોની પાછળનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો બસને અથડાઈને ઝાટકા સાથે બંધ થયો ત્યારે શેખના માથામાં પટકાયો હતો. લોખંડનો દરવાજો વાગતાં શેખ જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર ઇજાને કારણે તેને ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બપોરે સાડાત્રણ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.

ઘટના બની ત્યારે બસ ડ્રાઈવરને તાત્કાલિક જાણ થઈ નહોતી. પ્રવાસીઓએ બૂમાબૂમ કર્યા પછી ડ્રાઈવરે બસ રોકી હતી. એ દરમિયાન ચિકન શૉપના અન્ય કર્મચારી બસની પાછળ આવી પહોંચ્યા હતા અને ડ્રાઈવરને ઘેરી લીધો હતો. ડ્રાઈવરે તરત જ પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી.