Mon Nov 16 2026

Logo

જિઓ પ્લેટફોર્મના શૅરનું 23 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ

2026-10-28 19:54:37
Author: Ramesh Gohil
જિઓ પ્લેટફોર્મના શૅરનું 23 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના નેજા હેઠળની ડિજિટલ સર્વિસીસ કંપની જિઓ પ્લેટફોર્મનાં શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 1119ના ભાવ સામે 23 ટકા પ્રીમિયમથી થવાની સાથે કંપની માર્કેટ વૅલ્યુએશનની દૃષ્ટિએ બીજા ક્રમાંકની સ્થાનિક કંપની પણ બની હતી. 

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 1119ના ઈશ્યૂ ભાવ સામે 21.36 ટકા ઉછળીને શૅરદીઠ રૂ. 1358ના મથાળે થયું હતું. જોકે, ત્યાર બાદ બીએસઈ ખાતે શૅરના ભાવ 22.87 ટકા વધીને રૂ. 1375 મથાળે અને એનએસઈ ખાતે ભાવ 22.83 ટકા વધીને રૂ. 1374.50ના મથાળે પહોંચ્યા હતા. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે ભાવ 26.66 ટકા વધીને રૂ. 1417.35ના મથાળે અને એનએસઈ ખાતે ભાવ 26.81 ટકા વધીને રૂ. 1417.50ના મથાળે બંધ રહ્યા હતા. તેમ જ સત્રના અંતે કંપનીનું માર્કેટ વૅલ્યુએશન રૂ. 13.05 લાખ કરોડની સપાટીએ રહ્યું હતું. 

જિઓ પ્લેટફોર્મના લિસ્ટિંગ સાથે કંપનીનું માર્કેટ વૅલ્યુએશન ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક અને આઈસીઆઈસીઆઈથી વધી ગયું હતું. જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. 15.94 લાખ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે મોખરે રહી હતી. 

અત્રે નોંધનીય બાબત એ છે કે જિઓ પ્લેટફોર્મનો રૂ. 30,213 કરોડનો આઈપીઓ 22.19 ગણો ભરાઈ ગયો હતો અને એન્કર ઈન્વેસ્ટર પ્લેસમેન્ટ રૂ. 7.4 લાખ કરોડ વધી ગયું હતું અને વૈશ્વિક સ્તરે અરજીઓની સંખ્યા 1.39 કરોડની રહી હતી. આઈપીઓ અંતર્ગત નવા 27 કરોડ શૅર જારી કરવામાં આવ્યા હતા. જાહેર ભરણાં પૂર્વે જિઓ પ્લેટફોર્મ લિ.એ ગત 19મી ઑક્ટોબરે 212 એન્કર ઈન્વેસ્ટરોને શૅરદીઠ રૂ. 1119ના અપર પ્રાઈસબૅન્ડથી રૂ. 8110 કરોડ એકત્રિત કર્યા હતા.