Thu Nov 19 2026

Logo

ઝારખંડમાં કોલસાની ખાણમાં ઢગલો ધસી પડતાં 6 લોકો દટાયા, ત્રણના મોત

2026-11-05 12:34:00
Author: Mumbai Samachar Team
ઝારખંડમાં કોલસાની ખાણમાં ઢગલો ધસી પડતાં 6 લોકો દટાયા, ત્રણના મોત

ઝારખંડ: બોકારો જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં કોલસાની ખાણમાં કામકાજ દરમિયાન અચાનક એવી દુર્ઘટના સર્જાઈ કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કોલસાનો મોટો ઢગલો અચાનક ધરાશાયી થતાં તેની નીચે છ લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર કોલસાની ખાણોમાં કામ કરતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે .

મળતી માહિતી મુજબ, ઝારખંડના બોકારો જિલ્લામાં ગુરુવારે આ દુર્ઘટના બની હતી. અહીં સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)ની કથારા કોલસાની ખાણમાં અચાનક કોલસાનો ઢગલો ધરાશાયી થયો હતો. આ ઘટના એટલી અચાનક બની કે ત્યાં હાજર લોકોને બચવાની તક પણ મળી નહોતી. કોલસાનો મોટો જથ્થો નીચે પડતાં છ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. 

બોકારોના ડેપ્યુટી કમિશનર અજય નાથ ઝાએ મીડિયા સાથે વાત કરતાં અકસ્માત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કુલ છ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આ દુર્ઘટના કથારા પોલીસ ચોકી વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.