સિડનીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની બદનામીની કોઈ હદ નથી અને આ પ્રકરણમાં લગભગ દરરોજ નવા વળાંક આવે છે અને ભૂતકાળમાં તેમની સાથે કોચ તરીકે રહી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી (GILLESPIE)ની મંગળવારની એક ટિપ્પણી ક્રિકેટ જગતમાં વધુ સનસનાટી મચાવે એવી છે. તેણે કહ્યું છે કે `પીસીબીએ મને હજી હજારો ડૉલર આપવાના બાકી છે.'
પીસીબીએ ગયા વર્ષે ગિલેસ્પીને લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે પાકિસ્તાન ટીમનો હેડ-કોચ બનાવ્યો હતો, પરંતુ પીસીબીના અવ્યવહારું વલણને લીધે ગિલેસ્પીએ પાકિસ્તાનને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં 2-1થી મળેલા વિજય બાદ પાકિસ્તાન ટીમની કોચિંગની જવાબદારી છોડી દીધી હતી. ગિલેસ્પીએ હોદ્દો છોડ્યો એ પહેલાં પીસીબીએ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને એટલી બધી સત્તા આપી હતી કે એનાથી ગિલેસ્પીનું ટકવું મુશ્કેલ થઈ ગયું હતું.
GILLESPIE SPEAKS OUT! 🗣️
— Pazi. (@CallMePazi1_) September 8, 2026
Jason Gillespie has strongly criticised the situation in Pakistan Cricket, pointing the finger at Aqib Javed. pic.twitter.com/AUmZDrKYhM
તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનનો ટેસ્ટ-સિરીઝની પહેલી બન્ને મૅચમાં પરાજય થતાં ઇંગ્લૅન્ડે 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે અને બુધવારે (બપોરે 3.30 વાગ્યાથી) ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે. જોકે આ ટેસ્ટ પહેલાં જ પીસીબીએ મોહમ્મદ રિઝવાન, સલમાન અલી આગા, ઇમામ ઉલ હક સહિત સાત ખેલાડીઓની ટીમમાંથી હકાલપટ્ટી કરી છે તેમ જ હેડ-કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ-કોચ ઉમર ગુલને પણ પાકિસ્તાન પાછા બોલાવી લીધા છે. ટીમમાં પાંચ નવા ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે અને બે પ્લેયરને ટીમમાં કમબૅક અપાવ્યા છે.
પાકિસ્તાનની ટીમમાં આ રીતે હોલસેલમાં ફેરફારો થયા એને પગલે ગિલેસ્પીએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે `મારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી હજી હજારો ડૉલર લેવાના બાકી છે. હું કોચિંગના જૉબ માટે ફરી પાકિસ્તાન કદી નહીં જાઉં, કારણકે મારે મારું સ્વમાન નથી ગુમાવવું. મારે હાજી...હા કરવા માટે મારે ત્યાં નથી જવું. મેં ક્યારેય કરીઅરમાં મારા સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરી. આકિબ જાવેદની નિયુક્તિ થઈ ત્યારથી પીસીબી સાથેના મારા સંબંધો બગડ્યા હતા.'