153 કરોડની મિલકતો પચાવી પાડી માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ, મૃતકની સુસાઇડ નોટના આધારે પોલીસે હાથ ધરી તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગર-અમદાવાદમાં જમીન લે-વેચના વ્યવસાયી મેરામણ પરમારના આપઘાત કેસમાં ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં 11 વ્યાજખોરો સામે કરોડો રૂપિયાની મિલકતો પચાવી પાડવાની અને આપઘાત કરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ છે.
મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ વ્યાજે આપેલા નાણાંની સામે જામીનગીરી પેટે અંદાજે 153 કરોડ રૂપિયાની કિંમતી મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા હોવા છતાં, મિલકતો પરત નહીં કરી વધુ નાણાંની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મેરામણ પરમારે 10 જાન્યુઆરી 2025ના ગાંધીનગરના અડાલજ પાસે કોઈ ઝેરી પદાર્થ પીને આપઘાત કરી લીધો હતો. ફરિયાદની વિગતો અનુસાર, પરિવારને તેમના મૃત્યુના થોડા દિવસો બાદ મૃતકના સ્વ-હસ્તાક્ષરમાં લખેલી બે સુસાઇડ નોટ મળી આવી હતી.
આ ચિઠ્ઠીમાં જામનગરના ભીખુભા વાઢેર, તેમના પુત્રો અને પ્રવીણભાઈ દોમડિયા સહિતના લોકોના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં લખાણ હતું કે, ચક્રવૃદ્ધિ વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા છતાં મિલકતો પરત નહીં કરી તેમને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, આરોપીઓનીઓ મૃતક અને તેમના પરિવારના સભ્યોના નામે રહેલી જામનગરની 28 જેટલી મિલકતોના વેચાણ દસ્તાવેજો પોતાની તરફેણમાં કરાવી લેતા હતા.
દસ્તાવેજમાં દર્શાવેલ અવેજના નાણાં માત્ર કાગળ પર અને બેંક ટ્રાન્ઝેક્શનમાં બતાવી, તરત જ તે રકમ પાછી પોતાના અથવા પોતાની પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. નંદ વિદ્યા નિકેતન સ્કૂલની મિલકત પણ આ જ રીતે પચાવી પાડી વધુ સાડા ત્રણ કરોડની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
અડાલજ પોલીસે આ ગંભીર મામલે આપઘાત માટે દુષ્પ્રેરણ, ૩૧૬(૨), ૩૧૮(૪) અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં જામનગરના ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ વાઢેર, વીરેન્દ્રસિંહ વાઢેર, શૈલેન્દ્રસિંહ વાઢેર, ગજરાબા વાઢેર, અનિતાબા વાઢેર, કાશ્મીરાબા વાઢેર, પ્રવીણાબા વાઢેર, પ્રવીણભાઈ દોમડિયા, કાંતાબેન દોમડિયા અને વિશાલ દોમડિયા એમ કુલ 11 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.