શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં 'ઓપરેશન સોહાન' હેઠળ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકી પાકિસ્તાનના હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમની ઓળખ જૈશ-એ-મોહમ્મદના સહયોગી સદ્દામ અને મુસ્તફા તરીકે કરવામાં આવી હતી.
રાઇફલ, ગ્રેનેડ અને પિસ્તોલ મળી આવી
આ બે પાકિસ્તાની આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને ગ્રેનેડ મળી આવ્યા હતા. તેમની પાસેથી એક AK એસોલ્ટ રાઇફલ ,એક M4 કાર્બાઇન એક ગ્લોક પિસ્તોલ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ કર્યું હતું કે , તમે ભાગી શકો છો, પણ છુપાઈ નહિ શકો.
ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી
ઉલ્લેખનીય છે કે, માઝલ્ટા વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયા બાદ બુધવારે મોડી સાંજે આ અથડામણ શરૂ થઈ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. તેમજ તેની બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને સ્પેશિયલ ફોર્સીસની સંયુક્ત ટીમ શોધખોળ અભિયાન ચલાવી રહી છે.