Wed Oct 07 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

2026-09-17 15:39:44
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા સહિતની આતંકી  ઘટનાઓમાં સંડોવાયેલા પાકિસ્તાનમાં રહેલા લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. સૈફુલ્લાહ ભારતમાં અનેક આતંકી હુમલામાં સંડોવાયેલો છે. 

એજન્સીએ અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળ આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો

આ સમગ્ર કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ કર્યા પછી કરવામાં આવી છે.  આ કેસમાં અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરાના નેતૃત્વ હેઠળના આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો હતો. અબ્દુલ્લાને આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાની નાગરિક ઉસ્માન ઉર્ફે ખુબૈબ અને ત્રણ સ્થાનિક સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અબ્દુલ્લા લગભગ 16 વર્ષથી ફરાર હતો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 સપ્ટેમ્બરના રોજ વિશેષ અદાલત દ્વારા વિશેષ  આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસ માર્ચમાં શ્રીનગરના પાંડાચ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના સભ્યની ધરપકડ સાથે શરૂ થયો હતો. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો. અબ્દુલ્લા લગભગ 16 વર્ષથી ફરાર હતો અને તેણે જમ્મુ અને કાશ્મીરની બહાર છુપાવવા માટે કેમ્પો બનાવ્યા હતા. 

સૈફુલ્લાહ બે દાયકાથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય

સૈફુલ્લાહ પાકિસ્તાનના કસુર જિલ્લાના ચાંગા મંગા ગામનો રહેવાસી હોવાનું  જાણવા મળ્યું છે. તેમજ તે આતંકવાદી સંગઠનમાં સાજિદ જટ્ટ, અલી ભાઈ, હબીબુલ્લાહ મલિક, લંગડા, નુમી, નુમાન, ઉસ્માન હબીબ અને શાની જેવા નામોથી પણ ઓળખાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તે છેલ્લા  બે દાયકાથી વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય છે.