વલો કચ્છ - ગિરિરાજ
કચ્છનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવ અજોડ રહ્યો છે. અહીંની ભૌગોલિક સ્થિતિ અને રાજકીય ઇતિહાસના તંતુઓ સદીઓ જૂની લોકકથાઓ તથા સત્તાવાર દસ્તાવેજો સાથે વણાયેલા છે. કચ્છના જાડેજા વંશના રાજકીય ઇતિહાસના ઘડતરમાં ભુજ સ્થિત ‘મોટી પોશાળ’ અને તેની સાથે જોડાયેલી ‘મા ની સાંગ’ નો ફાળો અત્યંત મહત્ત્વપૂર્ણ અને શ્રદ્ધાસભર રહ્યો છે.
પ્રવીણ મેરજી ગુરુ ભદ્રમેરજી ગોરજીએ ઉલ્લેખેલી માહિતી અનુસાર, આ ઐતિહાસિક ઘટનાક્રમની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કચ્છના જામ હમીરજીનું ખૂન થયું. એ સમયે રાજકુંવર ખેંગારજીના પ્રાણ બચાવવા માટે તેમના વફાદાર સેવક છછર બુટ્ટો તેમને સુરક્ષિત રીતે મોરબી નજીકના ચરાવાડા ગામે લઈ ગયા. ત્યાં એક દિવ્ય જૈન સાધુ અને સામુદ્રિક જ્યોતિષી વિદ્યાના મર્મજ્ઞ દ્વારા કુમાર ખેંગારજીની તેજસ્વી કારકિર્દી અને યશકીર્તિ વિશે ભવિષ્યકથન કરવામાં આવ્યું. સાધુ ભગવંતે તેમને મા જગદંબાનું પ્રતીક એવી ‘સાંગ’ (એક પ્રકારનું શસ્ત્ર/ભાલો) ભેટ આપી આશીર્વાદ પાઠવ્યા.
કાળક્રમે, મહંમદ બેગડો જ્યારે સિંહના શિકારે નીકળ્યા ત્યારે અચાનક પરિસ્થિતિ વિપરીત બની અને બેગડા પર સંકટ આવ્યું. એ સમયે કુમાર ખેંગારજીએ પોતાનું પરાક્રમ દાખવી બેગડાનો જીવ બચાવ્યો. આ વીરતાથી પ્રસન્ન થઈને સલ્તનત દ્વારા કુમારને લશ્કરી સહાયતા આપવામાં આવી, જેના બળે ખેંગારજીએ કચ્છનો ઝૂંટવાઈ ગયેલો પ્રદેશ પુન: પ્રાપ્ત કર્યો. મોરબી, રાપર અને અંજાર થઈને કુમાર ભુજ આવ્યા. આશરે 450 વર્ષ પૂર્વે (સંવત 1605 માં) રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજ શહેરનું તોરણ બાંધી રાજગાદી સંભાળી.
આ સામાન્ય નગરસ્થાપના ન રહેતા તેની એક વિશેષતા એ છે કે, જેમ વ્યક્તિની જન્મકુંડળી બને છે, તેમ ભુજ શહેરની પણ જન્મકુંડળી બનાવવામાં આવી હતી! આ અનોખી નગર-કુંડળી આજે પણ મોટી પોશાળમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવી છે.
માણેક મેરજી અને ’પોશાળ’ની સ્થાપના ગાદીપતિ બન્યા બાદ રાવ ખેંગારજીએ સંકટના સમયે મદદ કરનાર તમામ ગુણીજનોને યાદ કર્યા અને તેમને ભુજમાં વસવાટ માટે જમીન ભેટ આપી. આ ગુણીજનોમાં માણેક મેરજી પ્રથમ સ્થાને હતા. રાજ તરફથી જે જમીન મળી ત્યાં માણેક મેરજી દ્વારા ‘પોષધશાળા’ની સ્થાપના કરવામાં આવી. જૈન ધર્મમાં પોષધશાળા (જે ટૂંકા નામે ‘પોશાળ’ તરીકે ઓળખાઈ) એ આત્માના કલ્યાણ અને સાધનાનું પવિત્ર સ્થળ છે. અનાદિકાળથી માનવ આત્માને વળગેેલા રાગ, દ્વેષ, ઈર્ષા અને વિકારોમાંથી મુક્તિ મેળવવા શ્રાવકો અને જૈન મુનિઓ અહીં જપ-તપ, ભક્તિ અને સત્સંગ કરતા. જૈન મુનિઓ પોતાના પદવિહાર દરમ્યાન અહીં રોકાણ કરી જ્ઞાન-આરાધના અને ધર્મઉપદેશ આપતા. પોશાળના સુચારુ નિભાવ અને વ્યવસ્થા માટે રાજવી દ્વારા અંજાર તાલુકાનું વીરા ગામ ગરાસ તરીકે ભેટ આપવામાં આવ્યું હતું.
સમય જતાં ભુજમાં બે પોશાળ અસ્તિત્વમાં આવી: મોટી પોશાળ અને નાની પોશાળ (જે શરાફ બજારમાં ઘીવારી શેરી સામે આવેલી હતી). નાની પોશાળમાં સાધુ-સંતો માટે રહેવા-જમવાની અને ભોજનશાળાની ઉત્તમ વ્યવસ્થા હતી. મુનિઓ ત્યાં રહીને પ્રાચીન ગ્રંથોનું લેખન અને સંશોધન કાર્ય પણ કરતા. મોટી પોશાળ માત્ર ધાર્મિક કેન્દ્રી ન રહેતાં રાજકીય અને શૈક્ષણિક પરંપરાનું ધામ પણ બની.
કચ્છના રાજ પરિવારમાં જ્યારે પણ નવા રાજકુમારનું શિક્ષણ શરૂ થતું ત્યારે ’એકડો ઘૂંટવાની’ પવિત્ર શરૂઆત મોટી પોશાળ ખાતે, મા સરસ્વતીના ચરણોમાં અને ગોરજીની અધ્યક્ષતામાં થતી. કોઈપણ દેશ કે રાજ્યના ઇતિહાસમાં શિલાલેખો અને દસ્તાવેજોનું મૂલ્ય અનન્ય હોય છે. મોટી પોશાળમાં રખાયેલા ચોપડા અને વંશાવળી કચ્છના ઐતિહાસિક સત્યનો સૌથી મોટો દસ્તાવેજ છે. જેમાં, રાજવીનો સ્વર્ગવાસ થાય ત્યારે તેની ચોક્કસ તિથિ-સમયની નોંધ, નવી ગાદીપતિની નોંધણી, દરેક રાજવીઓનો સમયકાળનો સમાવેશ થાય છે.
રાજકીય ક્ષેત્રે મા સાંગનો ફાળો એટલો બધો નિર્ણાયક હતો કે, વિજયાદશમી (દશેરા) ના પવિત્ર દિવસે કચ્છના રાજા દ્વારા વિધિવત રીતે આ સાંગનું પૂજન કરવામાં આવતું. આજે રાજાશાહી વિલીન થઈ ગઈ હોવા છતાં, આ સદીઓ જૂની પરંપરા જીવંત છે. રાજપરિવારના મોભી દ્વારા આજે પણ દશેરાના દિવસે ભારે હર્ષ, ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક મોટી પોશાળમાં આવીને આ સાંગનું પૂજન કરવામાં આવે છે. વર્ષ 2001 ના વિનાશક ભૂકંપે ભુજના માળખાને મોટો ફટકો માર્યો હતો. મોટી પોશાળના જૂના મકાન અને જાગીરને પણ ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ નવા ટાઉન પ્લાનિંગ અંતર્ગત રસ્તા પહોળા થતાં મૂળ 704 ચોરસ મીટર જગ્યામાંથી 90 ચોરસ મીટર જગ્યા કપાતમાં ગઈ. પરંતુ બચેલી 614 ચોરસ મીટર જગ્યામાં આ ઐતિહાસિક જાગીર, મકાન અને મંદિરનું ભવ્ય પુન:નિર્માણ કરવામાં આવ્યું.
આજે 450 થી વધુ વર્ષો વીતી ગયા પછી પણ મોટી પોશાળ ભુજ અને કચ્છના સમૃદ્ધ વારસા, શ્રદ્ધા, શિક્ષણ અને રાજકીય ઇતિહાસના અમર પ્રતીક તરીકે અડીખમ ઊભી છે.