ભાટી એન.
ભારતના પ્રવાસનનું સૌંદર્ય માત્ર કુદરતી દૃશ્યો કે ઐતિહાસિક ઈમારતોમાં નથી, પરંતુ દેશના દરેક રાજ્યમાં જીવંત રહેલી લોકકળા, ચિત્રકલા, ભીતકલા અને નકશીકામમાં પણ છુપાયેલું છે. રાજસ્થાનનું ગોલ્ડન સિટી જેસલમેર આપણે અનેક વખત ગયા હોઈએ. પીળા સોનેરી પથ્થરનો ભવ્ય કિલ્લો, રણની રેતી અને રાજસ્થાની સ્થાપત્ય આપણને મંત્રમુગ્ધ કરી દે છે, પરંતુ આ જ કિલ્લાની દીવાલો અને ઘરોની વચ્ચે એક એવી નાનકડી, જીવંત કલાદુનિયા વસે છે, જેને પ્રવાસીઓએ થોડું અટકી, નિરખીને માણવી જોઈએ.
કિલ્લામાં કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે ભીત પર સુંદર ગણેશજીનું ચિત્ર દોરી, લગ્નની તારીખ, વર-વધૂનાં નામ અને ‘શુભ લગ્ન’ જેવા શબ્દો લખવાની પરંપરા નજરે પડે છે. આ ચિત્ર માત્ર શણગાર નથી; તે ઘરના આનંદ પ્રસંગની યાદને દીવાલ પર કાયમી કરી દેતી એક લોકકળા છે.
જેસલમેરની આ જ ગલીઓમાં ચિત્રકલાના અનેક અલગ રંગો જોવા મળે છે. ક્યાંક પોતાની આગવી ભાતમાં દોરાયેલા હનુમાનજી, તો ક્યાંક પરંપરાગત આકૃતિઓ અને લોકજીવનને રજૂ કરતી ચિત્રકલા. દરેક કૃતિ પાછળ કોઈ અજાણી કલાકારની આંગળીઓની મહેનત અને પેઢીઓથી ચાલતી આવતી કલાસ્મૃતિ દેખાય છે.
દુકાનોની બહાર વેચાતી એન્ટિક વસ્તુઓમાં પણ કલા એટલી બારીકાઈથી ઉતારવામાં આવી હોય છે કે સામાન્ય વસ્તુ પણ કલાકૃતિ બની જાય. એક દુકાન બહાર નજરે પડેલો આરસનો હાથી તો જાણે પથ્થરમાં પ્રાણ પૂરી દેવામાં આવ્યા હોય એવો અદ્ભુત અનુભવ કરાવે. સૂક્ષ્મ નકશીકામ, આકારોની ગોઠવણી અને કારીગરની કલ્પનાશક્તિ જોઈને સ્વાભાવિક રીતે જ મોઢામાંથી નીકળી જાય વાહ... વાહ... આને જ તો કલા કહેવાય!
જેસલમેરનું એક આગવું આકર્ષણ કઠપૂતળીઓની હારબંધ દુનિયા પણ છે. રંગબેરંગી કઠપૂતળીઓ, લોકજીવનની ઝાંખી કરાવતી હસ્તકલા અને સૌથી ઉપર જેસલમેરના સોનેરી પથ્થર પર થતું અદ્ભુત બારીક નકશીકામ. આ બધું મળીને પ્રવાસને માત્ર પ્રવાસ રહેવા દેતું નથી, તેને એક કલાયાત્રા બનાવી દે છે.
આપણે ઘણીવાર કિલ્લાની ઊંચાઈ, રણની વિશાળતા અને સ્થાપત્યની ભવ્યતા જોઈને આગળ વધી જઈએ છીએ, પરંતુ સાચી વાત એ છે કે જેસલમેરની આત્મા તેની આવી નાની-નાની, બહુમૂલ્ય અને જીવંત કલાકૃતિઓમાં પણ વસે છે. તેથી જ્યારે પણ ગોલ્ડન સિટી જેસલમેર જવાનું થાય, ત્યારે માત્ર કિલ્લો જોઈને પાછા ન ફરશો; તેની ગલીઓમાં થોડું ભટકજો, દીવાલો પરની ચિત્રકલા વાંચજો, કારીગરની કોતરણી નિરખજો અને આ લોકકળાને આંખ-હૃદયમાં ઉતારી લેજો. કદાચ પ્રવાસમાંથી પાછા ફર્યા પછી સૌથી લાંબો સમય કિલ્લો નહીં, પણ કોઈ અજાણી કલાકારની આંગળીઓથી સર્જાયેલી એ નાનકડી કૃતિ તમારી યાદમાં જીવતી રહેશે.