Sat Oct 10 2026

Logo

જયપુરના કરધનીમાં પત્ની અને ત્રણ પુત્રીઓની ઇંટોના ઘા મારી ક્રૂર હત્યા, આરોપી પતિ ફરાર

2026-09-11 14:08:11
Author: Mumbai Samachar Team
જયપુરના કરધનીમાં પત્ની અને ત્રણ પુત્રીઓની ઇંટોના ઘા મારી ક્રૂર હત્યા, આરોપી પતિ ફરાર

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક અત્યંત રુંવાડાં ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોની નિર્મમ હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને દહેશતનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાહુલ ઝાએ પોતાના જ ઘરમાં અત્યંત ક્રૂરતાની બધી જ હદો પાર કરીને પોતાની પત્ની અને ત્રણ દીકરીઓની હત્યા કરી નાખી. હુમલાખોરે ઘરમાં રહેલી ઈંટો અને બાંધકામમાં વપરાતા પથ્થરોના ટુકડાઓથી ચારેયના માથા પર ઉપરાઉપરી અનેક વાર કર્યા હતા. આ ખૌફનાક હુમલામાં ચારેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા.

મૃતકોમાં આરોપી અને તેની ત્રણ દીકરીઓ

મૃતકોમાં આરોપીની પત્ની ઉપરાંત તેની ત્રણ દીકરીઓ સામેલ છે, જેમની ઉંમર ૧૭ થી ૨૩ વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. ઘરની અંદર લોહીથી લથપથ ચારેય લાશો મળ્યા ત્યારથી આસપાસના પડોશીઓ અને સ્થાનિક લોકો ડઘાઈ ગયા હતા.

ઘટના પછી આરોપી ફરાર

આ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી રાહુલ ઝા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ કરધની પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને આખા ઘરને પોતાના કબજામાં લઈ લીધું.

મામલાની ગંભીરતાને જોતાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી. FSLની ટીમે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા.

પારિવારિક કંકાશ બન્યું કારણ?

મહત્વનું છે કે પોલીસ પ્રાથમિક તપાસમાં આ ક્રૂર  અને જધન્ય હત્યાકાંડ પાછળ પારીવારિક કંકાશને મુખ્ય કારણ હોવાનું માની રહી છે. પશ્ચિમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) પ્રશાંત કિરણે મીડિયાને આખી ઘટનાની ઓફશિયલ જાણકારી આપતા જણાવ્યું કે આરોપીની વહેલામાં વહેલી તકે ધરપકડ માટે પોલીસે અનેક વિશેષ ટીમોની રચના કરી જે સંભવિત સ્થળો પર સતત રેડ કરી રહી છે.