નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત આતંકીઓની મુક્ત થવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ ગુનાને ગંભીર ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે બંને દોષિત આતંકીઓની અપીલ ફગાવી દેતા આદેશ આપ્યો હતો. જ્યારે અપીલકર્તાઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજસ્થાન હાઈકોર્ટે આ જ ગુનાહિત કાવતરા સાથે જોડાયેલા આઠ અન્ય કેસોમાં આઝમીને પહેલાથી જ નિર્દોષ જાહેર કરી દીધા છે. તેમજ નવમા કેસમાં તેમની સતત અટકાયત ગેરવાજબી છે. તેમજ આરોપી પહેલાથી જ 15 વર્ષથી વધુ જેલમાં વિતાવી ચૂક્યો છે.
નવમા બોમ્બ અંગેનો કેસ અન્ય આઠ કરતા અલગ
જેના જવાબમાં એટર્ની જનરલ આર. વેંકટરામણી અને એડિશનલ એડવોકેટ જનરલ શિવમંગલ શર્માએ જણાવ્યું હતું કે પુરાવા અને જીવંત બોમ્બની જપ્તીને કારણે નવમા બોમ્બ અંગેનો કેસ અન્ય આઠ કરતા અલગ છે. એક દુકાનદારે આઝમીને તે વ્યક્તિ તરીકે ઓળખાવ્યો છે જેને તેણે બોમ્બ પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાતી સાયકલ વેચી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના 13 મે 2008ના રોજ ચાંદપોલ બજારમાં મળેલા જીવંત બોમ્બ સાથે સંબંધિત છે. આ દિવસે જયપુરમાં નવ અલગ અલગ સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી આઠ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 70 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 186 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
નવમાં બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો
જ્યારે નવમો બોમ્બ ચાંદપોલમાં સીતારામજી મંદિરની સામે મૂકવામાં આવ્યો હતો. જેને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમે નિષ્ક્રિય કર્યો હતો.તેમજ વર્ષ 2025 માં, એક ખાસ કોર્ટે નવમા બોમ્બ પ્લાન્ટ કરવાના કાવતરા બદલ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. તેની વિરુદ્ધ આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.