તિરુવનંતપુરમઃ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન, 'ગગનયાન' માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ઈસરોએ ગગનયાનના 'ક્રૂ મોડ્યુલ'ને 'સર્વિસ મોડ્યુલ'થી અલગ કરવા સંબંધિત અનેક મહત્વપૂર્ણ ટેસ્ટને સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે. આ મિશનની સુરક્ષા માટે આ પરીક્ષણો અત્યંત મહત્વપૂર્ણ છે. હવે ISRO વર્ષ 2026માં ગગનયાન મિશનની પ્રથમ માનવરહિત ઉડાન લૉંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગગનયાનના ઓર્બિટલ મોડ્યુલમાં બે મુખ્ય ઘટકો હોય છે.
સાથે મળીને કામ કરે છે મોડ્યુલ
પ્રથમ 'ક્રૂ મોડ્યુલ' (CM) છે, જેમાં અવકાશયાત્રીઓ રહે છે, જ્યારે બીજું 'સર્વિસ મોડ્યુલ' (SM) છે, જે સમગ્ર મિશન દરમિયાન જરૂરી સેવાઓ પૂરી પાડે છે. પ્રક્ષેપણ સમયે, આ બંને મોડ્યુલ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને અવકાશમાં પહોંચે ત્યાં સુધી સાથે મળીને કાર્ય કરે છે. આ બંને મોડ્યુલ વચ્ચે પાવર અને અન્ય સર્વિસ માટે જોડાણો હોય છે. જ્યારે ક્રૂ મોડ્યુલને પૃથ્વી પર પાછું લાવવાનું હોય, ત્યારે આ જોડાણોને તોડવા પડે છે. ક્રૂ મોડ્યુલને સર્વિસ મોડ્યુલથી અલગ કરવું પડે છે. આ સમગ્ર પ્રક્રિયા એક ચોક્કસ નિર્ધારિત પદ્ધતિ મુજબ થાય છે, જેમાં વિવિધ ટૅક્નિકલ પ્રોસેસ અને અલગ કરવાની પદ્ધતિઓનું સંકલિત સામેલ હોય છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો ક્રૂ મોડ્યુલની પૃથ્વી પર પરત વાપસી જોખમમાં મુકાઈ શકે છે. આ કારણોસર, ઈસરો (ISRO) દ્વારા સમગ્ર પ્રણાલીનું ઝીણવટપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કેરળમાં થયો ટેસ્ટ
આ ટેસ્ટ કેરળના તિરુવનંતપુરમમાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. વાસ્તવિક મિશન દરમિયાન થતી પ્રક્રિયાઓનું simulation કરવા માટે, ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલને જોડીને એક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ પરીક્ષણમાં એ પણ ચકાસવામાં આવ્યું કે, શું બંને મોડ્યુલોને જોડતા વિવિધ ક્નેક્શન ચોક્કસ અને નિર્ધારિત ક્ષણો પર અલગ થાય છે કે કેમ. આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ વિવિધ વિશિષ્ટ ઉપકરણોની મદદથી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જ્યારે બીજા ભાગને પૃથ્વી પર પરત લાવવાનો છે તે સમયે આ ક્નેક્શન અંગે યોગ્ય માપદંડ આધારિત ટેસ્ટ થવો અનિવાર્ય છે.
અન્ય પ્રણાલીઓનું મૂલ્યાંકન
તે અત્યંત મહત્વપૂર્ણ છે કે મોડ્યુલો અલગ થતી વખતે ઉત્પન્ન થતા શોક અવકાશયાનના મહત્વપૂર્ણ સાધનો પર કોઈ નકારાત્મક અસર ન કરે. આથી, ઈસરો (ISRO) એ એવિઓનિક્સ, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, હીટ શીલ્ડ અને ડિપ્લોયેબલ અમ્બિલિકલ શીલ્ડ સહિતની કેટલીક મુખ્ય પ્રણાલીઓની મજબૂતીનું મૂલ્યાંકન કર્યું. આ ઉપરાંત, ક્રૂ મોડ્યુલને યોગ્ય દિશામાં રાખવા માટે જવાબદાર પ્રણાલીઓ તેમજ તાપમાન અને ભેજને નિયંત્રિત કરતા સાધનોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રણાલીઓનું યોગ્ય રીતે કાર્ય કરવું અનિવાર્ય છે, કારણ કે પૃથ્વી પર પાછા ફરતી વખતે ક્રૂ મોડ્યુલે પોતાની યોગ્ય દિશા જાળવી રાખવી પડે છે અને વાતાવરણમાં પ્રવેશતી વખતે પ્રચંડ ગરમીનો સામનો કરવો પડે છે.