Sat Nov 07 2026

Logo

મેદાન પર ગજબનો ડ્રામાઃ કિવી ફીલ્ડરે હવામાં ઉછળીને કિશનનો કૅચ ઝીલ્યો, પણ...

Hamilton   2026-11-01 16:18:00
Author: Ajay Motiwala
મેદાન પર ગજબનો ડ્રામાઃ કિવી ફીલ્ડરે હવામાં ઉછળીને કિશનનો કૅચ ઝીલ્યો, પણ...

BCCI


હૅમિલ્ટનઃ અહીં સૅડોન પાર્કમાં ન્યૂ ઝીલૅન્ડની ભારત સામેની પાંચમી અને અંતિમ ટી-20 મૅચમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જેમાં તમામ પ્રેક્ષકોનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓ ઍથ્લીટો જેવી ચપળતાથી ફીલ્ડિંગ કરવા માટે દાયકાઓથી જાણીતા છે એ સૌ કોઈ જાણે છે અને એની એક ઝલક ફિન ઍલને અહીં રવિવારે બતાવી હતી. જોકે આ ડ્રામામાં થર્ડ અમ્પાયર ક્રિસ બ્રાઉનની ભૂમિકા પણ મહત્ત્વની હતી.

ફિન ઍલને બાઉન્ડરી લાઇન પર ઊંચો કૂદકો મારીને એક ચમત્કારિક કૅચ ઝીલ્યો હતો જેને જોઈને સૌ ચોંકી ગયા હતા. એ તબક્કે લાગતું હતું કે ઇશાન કિશન (61 રન, 32 બૉલ, પાંચ છગ્ગા, પાંચ ચોગ્ગા)ની ઇનિંગ્સનો અંત આવી ગયો. જોકે થર્ડ અમ્પાયર ક્રિસ બ્રાઉનના ફેંસલાને લીધે ભારતીય ટીમને મોટી રાહત મળી હતી અને કિશનને જીવતદાન મળી ગયું હતું.

જે કંઈ હોય, આ કૅચ (catch)નો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. વાત એવી છે કે સાતમી ઓવર કિવી કૅપ્ટન મિચલ સૅન્ટનરે કરી હતી. તેના ઑફ સ્ટમ્પની બહાર જતા ફ્લાઇટેડ બૉલ પર કિશન (Kishan) લૉન્ગ-ઑન તરફ લાંબો શૉટ મારવા ગયો હતો, પણ તેના બૅટનો બૉલ સાથે જોઈએ એવો સંપર્ક નહોતો થયો એટલે બૉલ સીધો ઊંચે બાઉન્ડરી લાઇનની દિશામાં ગયો હતો.

ત્યાં ઊભેલા ઍલને ગજબની સ્ફૂર્તિ બતાવી અને દોડીને હવામાં છલાંગ મારીને અકલ્પ્નીય કૅચ ઝીલી લીધો હતો. બાઉન્ડરી લાઇનને પોતે ઓળંગી લેશે એવા ડરથી તેણે બૉલને હવામાં ઉછાળ્યો હતો, પોતે બાઉન્ડરી લાઇનની બહાર ગયા પછી બીજી જ પળે અંદર આવી ગયો અને કૅચ પૂરો કર્યો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે કિશન આઉટ થઈ ગયો છે, કારણકે થોડા સમયથી છાશવારે આવા કૅચ ઝીલવામાં આવતા હોય છે.

કિવી ખેલાડીઓ આ કૅચ સેલિબે્રટ કરવા લાગ્યા હતા, પરંતુ મેદાન પરના અમ્પાયરે આ મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલી દીધો હતો જેમણે કૅમેરાના અલગ-અલગ ઍન્ગલથી સ્પ્લિટ-સ્ક્રીન ફૂટેજને બારીકાઈથી જોયા હતા. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે ઍલન બૉલને બાઉન્ડરી લાઇનની અંદર તરફ ફેંકી રહ્યો હતો એ પહેલાં જ તેનો જમણો પગ બાઉન્ડરી લાઇન બહારની જમીનને અડી ગયો હતો. ક્રિકેટના નિયમ મુજબ આ કૅચને રદ કરીને કિશનને નૉટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો.