નવી દિલ્હીઃ પીઢ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ન્યૂ ઝીલૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો છે, પરંતુ વન-ડે ટીમમાં તેનું નામ નથી એટલે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા થવા લાગી છે કે જાડેજાની ટી-20 પછી હવે વન-ડે કરીઅર પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કે શું? બે સ્પિન-ઑૅલરાઉન્ડર અક્ષર પટેલ અને નમન ધીરને કિવીઓ સામેની વન-ડે ટીમમાં સ્થાન અપાયું હોવાથી 2027ના વર્લ્ડ કપને નજર સમક્ષ રાખતાં હવે જાડેજાની વન-ડે કરીઅર આગળ વધશે કે કેમ એમાં શંકા જણાય છે. તે ઑક્ટોબર, 2027ના વર્લ્ડ કપ માટેના પ્લાનમાં નથી કે શું?
રણજી ટ્રોફીમાં જાડેજાએ બુધવારે સૌરાષ્ટ્રની છત્તીસગઢ સામેની મૅચ ડ્રૉ કરાવવામાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ (102 રન અને 40 રનમાં ત્રણ વિકેટ) સાથે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું જે બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. જાડેજાને હજી લગભગ બે અઠવાડિયા પહેલાં (સપ્ટેમ્બરના અંતમાં) વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં રમાડવામાં આવ્યો હતો, પણ હવે તેને ન્યૂ ઝીલૅન્ડમાં આગામી ચોથી નવેમ્બરે શરૂ થનારી પાંચ મૅચની વન-ડે શ્રેણીની ટીમમાં તેને સ્થાન નથી મળ્યું એટલે ક્રિકેટલવર્સ તેની વન-ડે કારકિર્દી વિશે વધુ ચિંતિત છે.
સતત અવગણવામાં આવી રહેલા પેસ બોલર મોહમ્મદ શમી અને માત્ર ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવેલા યશસ્વી જયસ્વાલ કરતાં અત્યારે તો જાડેજા (Jadeja) પર વધુ ચર્ચા થઈ રહી છે. પહેલી ત્રણ વન-ડેમાં શુભમન ગિલ સુકાન સંભાળશે અને તે ટેસ્ટ-શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત થઈ જવાનો હોવાથી શ્રેણીની છેલ્લી બે વન-ડે (ODI)માં શ્રેયસ ઐયર કૅપ્ટન્સીની જવાબદારી સંભાળશે. જોકે જાડેજાને આમાંથી એકેય ભાગની મૅચોની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો.
કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીની શુક્રવારે જે મીટિંગ યોજાઈ એમાં વન-ડે અને ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં વન-ડે ટીમમાં જાડેજાને કેમ ન સમાવાયો એનું કારણ જાણવા નથી મળ્યું. બની શકે કે ઓઝા અને બીજા સિલેક્ટરો 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે અત્યારથી યુવાન ખેલાડીઓને જ પસંદ કરવાનો અભિગમ રાખતા હશે. જોકે 2025ની સાલથી માંડીને અત્યાર સુધીમાં જાડેજાએ 15 વન-ડેમાં માત્ર 149 રન બનાવ્યા છે અને ફક્ત 14 વિકેટ લીધી છે. 2026માં તેને પહેલી ચાર વન-ડેમાં વિકેટ નહોતી મળી અને છેક પાંચમી મૅચમાં બે વિકેટ મળી હતી.