Sat Oct 10 2026

Logo

દશેરા-દિવાળી પૂર્વે IRCTCની નવી વેબસાઈટમાં ધાંધિયાઃ ટ્રાફિક વધતા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી, જાણો નવી સમસ્યા

2026-09-24 17:33:50
Author: Mumbai Samachar Team
દશેરા-દિવાળી પૂર્વે IRCTCની નવી વેબસાઈટમાં ધાંધિયાઃ ટ્રાફિક વધતા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી, જાણો નવી સમસ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દશેરા અને દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા  પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. મુંબઈથી ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ ફરવા જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓ માટે આઈઆરસીટીસીની નવી વેબસાઈટ મુશ્કેલીનું કારણ બની રહી છે. ટિકિટ બુકિંગ શરૂ થતાં જ વેબસાઈટ પર વધુ લોડ આવી રહ્યો છે અને ‘વેબસાઈટ પર અત્યારે વધુ લોડ છે, થોડા સમય બાદ પ્રયાસ કરો’ એવો મેસેજ પણ જોવા મળી રહ્યા છે. 

હાલ 60 દિવસના એડવાન્સ રિઝર્વેશન નિયમ મુજબ દશેરા અને દિવાળીની રજાઓ માટે ટ્રેનની ટિકિટ બુક થઈ રહી છે. જોકે, રજાઓ દરમિયાન ફરવા જવા માગતા પ્રવાસીઓમાં ટિકિટ માટે ભારે પડાપડીનો માહોલ છે. સવારે 8 વાગ્યે બુકિંગ શરૂ થતાની સાથે જ અનેક ટ્રેનોની સીટો ઝડપથી ભરાઈ જતી હોય છે. કન્ફર્મ ટિકિટ ન મળતા ઘણા પ્રવાસીઓને 100થી 200 કે તેથી વધુની વેઈટિંગ સાથે ટિકિટ મળી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોમાં થોડા જ સમયમાં ‘રિગ્રેટ’ જોવા મળી રહ્યું છે.

પ્રવાસીઓની સૌથી મોટી ફરિયાદ આઈઆરસીટીસીની નવી વેબસાઈટ અને એપને લઈને છે. સવારે 8 વાગ્યે ટિકિટ બુકિંગ શરૂ થતાં હજારો લોકો એકસાથે વેબસાઇટ પર લોગિન કરે છે. આ સમયે 4થી 5 મિનિટ સુધી સતત ‘વેબસાઈટ પર વધુ લોડ છે’ એવું પોપ-અપ દેખાતું હોવાનો પ્રવાસીઓનો અનુભવ છે. આટલા સમયમાં ઘણી ટ્રેનોની સીટો ભરાઈ જાય છે અને વહેલી સવારે ટિકિટ બુક કરવા બેઠેલા પ્રવાસીઓને પણ વેઈટિંગ ટિકિટથી સંતોષ માનવો પડે છે.

આ પ્રકરણે માહિતી આપતા ક્રિસના એમડી જી.વી.એલ. સત્ય કુમારે જણાવ્યું હતું કે દશેરા અને દિવાળી જેવા તહેવારો દરમિયાન એડવાન્સ રિઝર્વેશનના સમયે સિસ્ટમ પર ટ્રાફિક ઘણો વધી જાય છે. એકસાથે મોટી સંખ્યામાં લોકો રિઝર્વેશનની ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરતા હોવાથી સિસ્ટમ પર લોડ વધે છે અને બુકિંગ દરમિયાન સમસ્યા ઊભી થાય છે.

આ સમસ્યા માત્ર ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનો પૂરતી મર્યાદિત નથી. વડોદરા-ટાટાનગર, દાદર-જોધપુર, સીએસએમટી-સિંધુદુર્ગ અને ચેન્નઈ-તંજાવુર જેવા અન્ય રૂટ પર પણ સવારે ટિકિટ બુકિંગ દરમિયાન આવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

આ વર્ષે દિવાળી 8 નવેમ્બરે છે અને તેના એક દિવસ અગાઉ 7 નવેમ્બરે નાની દિવાળી અને નરક ચતુર્દશી મનાવવામાં આવશે. આ લાંબી રજાઓ દરમિયાન પ્રવાસીઓએ ફરવા જવા માટે 6થી 15 નવેમ્બર વચ્ચેની મુસાફરી માટે મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે કેટલીક ટ્રેનોમાં સીટો ગણતરીની મિનિટોમાં ભરાઈ ગઈ છે અને વેઈટિંગ પણ 200ને પાર પહોંચી રહી છે.

પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ગણપતિ બાદ દિવાળી માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. તેમાં આરક્ષિત અને અનારક્ષિત બંને પ્રકારની ટ્રેનોનો સમાવેશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ મધ્ય રેલવેએ 2,500થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું કે પ્રવાસીઓને સુખદ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ટૂંક સમયમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 
પશ્ચિમ રેલવેના તમામ ડિવિઝનમાં ટ્રેનો ઉપરાંત અન્ય જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

જોકે, હાલ નવી આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુકિંગ દરમિયાન આવતી સમસ્યાને કારણે દશેરા-દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહેલા પ્રવાસીઓની ચિંતા વધી છે. રેલવે મોટી જાહેરાતો કરે છે, પરંતુ તહેવારોમાં તો પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહે છે એ હકીકત છે.