Sat Nov 07 2026

Logo

હરાજી પહેલાં ચેન્નઈ અને હૈદરાબાદે આ ચાર ખેલાડીની અદલાબદલી કરીઃ એક પ્લેયરની ફી અડધી થઈ ગઈ!

2026-11-05 16:10:00
Author: Ajay Motiwala
હરાજી પહેલાં ચેન્નઈ અને હૈદરાબાદે આ ચાર ખેલાડીની અદલાબદલી કરીઃ એક પ્લેયરની ફી અડધી થઈ ગઈ!

નવી દિલ્હીઃ 2027ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે આવતા મહિને (16મી ડિસેમ્બરે) ગોવામાં મિની પ્લેયર્સ-ઑક્શન યોજાવાનું છે, પરંતુ એ પહેલાં દરેક ફ્રૅન્ચાઇઝીને પોતે જે ખેલાડીઓનું અન્ય કોઈ ફ્રૅન્ચાઇઝી સાથે ટ્રેડ-ડીલ કરવા માગતી હોય તો એની જાહેરાત કરી દેવા માટે મહેતલ અપાઈ છે અને એના ભાગરૂપે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તથા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ કુલ મળીને ચાર ખેલાડીના ટ્રેડ-ડીલ પાર પાડ્યા છે.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટન અને ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન અને સીમ બોલર જૅક એડવર્ડ્સ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈની ટીમમાં જોડાઈ ગયા છે. એમાં પણ લિવિંગસ્ટનની ફી અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. હૈદરાબાદે તેને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી તેને 2027ની સીઝન રમવાના 13 કરોડ નહીં, પણ માત્ર છ કરોડ રૂપિયા આપશે.

જોકે જૅક એડવર્ડ્સને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝી પાસેથી મળતી હતી એટલી જ ફી (ત્રણ કરોડ રૂપિયા) ચેન્નઈ વતી રમવા બદલ મળશે. જૅક ઑસ્ટ્રેલિયા વતી નહોતો રમ્યો એ પહેલાં હૈદરાબાદે તેને ખરીદ્યો હતો. જોકે પગની ઈજાને કારણે તે 2026ની આઇપીએલની સીઝનમાં નહોતો રમી શક્યો.

હવે હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીની વાત કરીએ તો એણે ચેન્નઈ પાસેથી ખલીલ અહમદ તથા નૅથન એલિસ મેળવ્યા છે. ભારત વતી રમી ચૂકેલો પેસ બોલર ખલીલ 2018થી 2021 સુધી હૈદરાબાદ વતી જ રમ્યો હતો. તે 15 વિકેટ સાથે 2025ની સીઝન શાનદાર રીતે પૂરી કર્યા બાદ હૈદરાબાદની ટીમમાં પાછો આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નૅથન એલિસને ચેન્નઈએ હૈદરાબાદને સોંપી દીધો છે અને તેને બે કરોડ રૂપિયાની અત્યાર જેટલી જ ફી હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝી પાસેથી મળશે. તેને ટી-20 મૅચોનો બહુ સારો અનુભવ છે.

હજી વધુ ટ્રેડ-ડીલ થઈ શકે

ફ્રૅન્ચાઇઝીઓએ કયા ખેલાડીઓને જાળવી રાખવા છે અને કોને ઑક્શન માટે છૂટા કરી દેવા છે એ વિશેની મહેતલ લંબાવીને 17મી નવેમ્બર સુધીની કરવામાં આવતાં હજી કેટલાક ટ્રેડ-ડીલ બહાર આવી શકે.

હાર્દિક-અર્શદીપ વિશે જોરમાં ચર્ચા

હાર્દિક પંડ્યા વિશે કહેવાય છે કે તે મુંબઈ ઇન્ડિયન્સને બદલે હવે કદાચ પંજાબ કિંગ્સ વતી રમતો જોવા મળી શકે. પંજાબ પોતાના લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહને હાર્દિકના બદલામાં મુંબઈને આપી દેવાના મૂડમાં હોવાનું મનાય છે.