દેવલ શાસ્ત્રી
સેવા એ માનવજીવનનું એક અમર અને પવિત્ર તત્ત્વ છે, જેમાં વ્યક્તિ અન્યના હિત માટે કોઈ પણ અપેક્ષા વિના કાર્ય કરે છે. આ ભાવના માનવમાં કુદરતી રીતે વસેલી છે અને તે વિવિધ કારણોસર માનવના મનમાં જન્મે છે. સેવાનો વિચાર સમગ્ર વિશ્વને ભારતે આપ્યો છે. સેવાનો ઇતિહાસ પ્રાચીન ભારતમાંથી શરૂ થાય છે.
વેદો અને ઉપનિષદોમાં તેના સંકેતો મળે છે, પરંતુ તેનું વ્યાપક સ્વરૂપ ભગવદ્ ગીતામાં મળે છે, જ્યાં કૃષ્ણ અર્જુનને કર્મ યોગ દ્વારા નિ:સ્વાર્થ કાર્ય કરવાની શિક્ષા આપે છે. મધ્ય યુગમાં ભારતીય ઉપખંડમાં ભક્તિ આંદોલન પ્રબળ બન્યું એમાં સેવાનું મહત્ત્વ વધવા લાગ્યું. તુલસીદાસ અને કબીર જેવા સંતોએ સેવાભાવને પોતાના કલ્યાણ સાથે જોડ્યો. શીખ ધર્મમાં ગુરૂ નાનકની પ્રેરણાએ લંગર અને કારસેવાને વિશ્વવિખ્યાત કર્યા. મહાત્મા ગાંધીએ સેવાને રાષ્ટ્રીય આંદોલનમાં જોડીને માનવ સેવા એ જ ઈશ્વરની સેવા તરીકે વર્ણવી.
માનવજાતિમાં સેવાની ભાવના માનવીય વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ ભાવના માનવના અસ્તિત્વ માટે જરૂરી છે. પ્રાચીન સમયમાં જ્યારે માનવ જૂથમાં રહેતો હતો ત્યારે અન્યને મદદ કરવાથી જૂથનું અસ્તિત્વ મજબૂત થતું હતું. એ સમયે પણ માનવ સમજતો હતો કે આજે તમે કોઈને મદદ કરો છો તો કાલે તે તમને મદદ કરશે.
જો કે વિજ્ઞાનનો એક અભ્યાસ માને છે કે સેવાની ભાવના સમાનુભૂતિના અનુભવ પર આધારિત છે. સામી વ્યક્તિની પીડાને જયારે માણસ પોતીકી સમજવા લાગે ત્યારે તેને સેવા કરવાનો વિચાર આવે છે અને તેનું મગજ આપોઆપ પ્રેરણા આપવા લાગે છે. આમ છતાં સમાજમાં એક નાનકડો વર્ગ છે જે સેવાકીય કાર્ય ફક્ત પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. જેમને સોશ્યલ મીડિયા પર કે જાહેરજીવનમાં નામના કરવાની પડેલી હોય છે એ વર્ગ સકારણ સેવા કરતો હોય છે. મોટાભાગે સેવા કરવા માટે નામના માટે થવી જોઈએ નહીં એવું માનવાવાળો મોટો વર્ગ છે.
સેવાની ભાવના માનવના મગજમાં રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્યને મદદ કરે છે ત્યારે મગજમાં કેટલાક અંત:સ્ત્રાવ ઉત્તેજિત થાય છે અને તે ખુશીઓનો અનુભવ કરે છે. આ કારણે સેવા કરવી એક પ્રકારનું પોતાના માટે પુરસ્કાર બની જાય છે. જ્યારે તમે કોઈ ગરીબને ભોજન આપો છો, ત્યારે તમને જે આનંદ મળે છે તે તમારા મગજમાં ડોપામિન અને ઓક્સિટોસિન જેવા હોર્મોન્સના વધારા પર આધારિત છે. જે તમારી ખુશીઓમાં વધારો કરે છે. ક્યારેક મોડી રાત્રે કે કસમયે મહેમાન આવી ચડે છે અને તેને ભોજન પીરસાતી વેળાએ મહિલાઓ કંઈક આપ્યાની ખુશી અનુભવતી હોય છે, જે પીરસતી વેળાએ તેમના ચહેરા પર જોવા મળે છે.
કોવિડ સમયે આપણે અનેક લોકોને સેવા કરતા જોયા છે. જે ગામમાં મેડિકલ સર્વિસ ન હતી એ ગામોમાં ઓક્સિજન સહિત વિવિધ સેવાઓ ઊભી કરી હતી. અસંખ્ય લોકોને ઘર સુધી ભોજન અને દવાઓ પહોંચાડી હતી. અમદાવાદ નજીક હોવા છતાં ધોળકાના સેવાભાવી કાર્યકર માર્ગેશ મોદીએ લગભગ દસ હજાર લોકો માટે યજ્ઞ કર્યો હતો.
આપણે ત્યાં પર્યાવરણની ગંભીર સમસ્યાઓ છે એમાં અસંખ્ય લોકોએ લાખો વૃક્ષ ઉછેરીને આપણને ચોખ્ખી હવા પૂરી પાડી છે. આ વૃક્ષોનું જતન કરનારા મોટાભાગના લોકો સાથે આપણે કોઈ પરિચય હોતો નથી. રાજકોટની એક સંસ્થા સમગ્ર ગુજરાતમાં કરોડો વૃક્ષ ઉછેરવાનો ટાર્ગેટ લઈને કામ કરી રહી છે. એક અભ્યાસ એવું કહે છે કે જો તમે સેવા કરવા માટે નિશ્ચિત સમય ફાળવતા હોય તો તમને હાઈ બીપી જેવી સમસ્યાઓમાં રાહત થાય છે. સમૂહમાં સેવા કરવા જવાથી અન્ય લોકો સાથે મિત્રતા વધારાનો ફાયદો થાય છે.
સેવાકીય કાર્યમાં જોડાવાથી એક ફાયદો એ થાય છે કે લોકોના દુ:ખદર્દ ખબર પડે ત્યારે તમને સમજાય છે કે ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. આ કારણે બાળકોને સેવાકીય કાર્યમાં જોડવાથી સંતોષ નામનો ગુણ શીખે છે. ભારતમાં પોલિયો નાબૂદી હોય કે ટીબી સમયે અનેક સામાજિક સંસ્થાઓએ કામ કર્યા છે. પૂરરાહત કે અસરગ્રસ્ત વિસ્તાર માટે અનેક લોકોએ પોતાના દ્વાર ખોલ્યા છે.
એક પોલીસ અધિકારીએ કોલકાતાના બ્રિજ નીચે `ફ્રી ક્લોથ્સ બેંક' બનાવી અને શિયાળાની ઠંડીમાં બેઘર અને ગરીબ લોકો માટે દરરોજ કપડાં વહેંચે છે. 2024માં 25 વર્ષીય સ્કુબા ડાઈવિંગ ઇન્સ્ટ્રક્ટર ક્યૂડા કોલરે પોતાની કિડની અજાણ્યા બાળકને દાન કરી હતી. કિડની ડોનેશન કરતી વેળાએ તેનું માનવું હતું કે હું આમ નહીં કરું તો મારા મનને શાંતિ નહીં મળે. આ એક જ કાર્યથી તેણે તો એક જીવન બચાવ્યું પણ અનેક લોકોને પ્રેરણા મળી હતી.
`ગાઈડ' ફિલ્મ શા માટે યાદગાર બની?
રાજુ ગાઈડને તેની હીરોઈન રોઝી છોડી જાય છે. રાજુને જેલ થાય છે અને બધું જ ગુમાવે છે. તેનામાં વૈરાગ્ય જાગે છે અને એક જૂના અવાવ મંદિરમાં એકલો રહેવા જાય છે. એ ક્ષણથી તેની અનૈચ્છિક સાધના શરૂ થાય છે. ગામના લોકો તેને સ્વામીજી માની લે છે, કારણ કે તેની આંખોમાં એક અજીબ શાંતિ આવી ગઈ છે. રાજુ વારંવાર કહે છે, `મૈં કોઈ સંત નહીં હૂં મૈં તો ગાઈડ હૂં.' લોકો તેની વાત સાચી માનતા નથી.
`ગાઈડ'ની સૌથી મોટી જીવન ફિલોસોફી એ છે કે સાચો સંત કે સાધુ બનવા માટે ભગવા કપડાં પહેરવાની કે મંદિર જવાની જરૂર નથી. જ્યારે બધું ગુમાવીને પણ બીજાના માટે જીવવા લાગે છે, ત્યારે તે આપોઆપ સંત બની જાય છે. ફિલ્મના અંતે હીરો રાજુ મરે છે અને વરસાદ પડે છે. લોકો તેને ભગવાન માને છે, હકીકતમાં રાજુ તો એક સામાન્ય માણસ હતો, જેની જિંદગીએ તેને ધીમે ધીમે મુક્તિના રસ્તે લઈ જઈને શરીર છોડાવી દીધું.
`ગાઈડ' ફિલ્મ એટલો જ મેસેજ આપે છે કે જિંદગીનો સાચો અર્થ એ નથી કે કેટલી કમાણી કરી છે કે કેટલો પ્રેમ મેળવ્યો છે. જ્યારે પોતાની પાસે કંઈ ન રહે ત્યારે પણ તું બીજાને કંઈક આપી શકવા સમર્થ છે કે નહીં એ દાન છે.
ધ એન્ડ:
પ્રેમ વગર કશું પણ આપવું શક્ય છે, કશું આપ્યા વગર પ્રેમ કરવો શક્ય નથી. (અજ્ઞાત)