Sun Mar 08 2026

Logo

જ્ઞાતિ બહાર લગ્નનો વિરોધ કેમ?

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

કૌશિક મહેતા


ડિયર હની, 
જ્ઞાતિ બહાર લગ્ન.... 
દરેક ઘરમાં ચર્ચાતો આ પ્રશ્ન પેચીદો બનતો જાય છે. એમાં આશ્ચર્ય એ રહે છે કે, ઘરનાં મહિલા સભ્યો આવી વાતને લઈને  વિરોધ વધુ કરતાં હોય છે. ખબર નહિ, પણ જ્ઞાતિ બહાર લગ્ન હજુ ય ચર્ચાનો વિષય રહે છે. ‘જાતપાતનાં બંધન તૂટવા જોઈએ..’ એવું આપણે કહીએ છીએ જરૂર પણ દીકરા કે દીકરીના લગ્ન કરવાની વાત આવે ત્યારે જ્ઞાતિમાં જ લગ્ન થાય એવો આગ્રહ પણ રાખીએ છીએ. આંતરજ્ઞાતીય લગ્નો હજુ ય તુરંત સ્વીકારાતાં નથી. રાજકારણ હોય કે અંગત જીવન, બધે જ્ઞાતિવાદનાં મૂળિયાં બહુ મજબૂત છે.


તારી સાથે આ વિશે અનેકવાર ચર્ચા થઇ છે, પણ મને કોઈ દલીલ ગળે ઊતરી નથી કે, મહિલાઓ આ મુદે વધુ વિરોધ કેમ કરે છે? કદાચ આવાં કોઈ કારણો હોય શકે. ઘરની મહિલાઓ મોટાભાગે સામાજિક પ્રસંગો, ગેટ-ટુ ગેધર અને પડોશીઓ સાથે વધુ જોડાયેલી હોય છે. તેમને ડર હોય છે કે જો સંતાન બીજી જ્ઞાતિમાં પરણશે, તો સમાજમાં તેમની ટીકા થશે અથવા તેમને જ્ઞાતિ બહાર કરી દેવામાં આવશે. 


આ સામાજિક દબાણ તેમને વિરોધ કરવા મજબૂર કરે છે. આ ઉપરાંત, પરિવારમાં ધાર્મિક વિધિઓ, રસોઈની પદ્ધતિ અને તહેવારો ઉજવવાની જવાબદારી સામાન્ય રીતે મહિલાઓ સંભાળતી હોય છે. તેમને લાગે છે કે જો બીજી જ્ઞાતિની વહુ કે જમાઈ આવશે, તો તેમના વર્ષો જૂના રિવાજો બદલાઈ જશે અથવા સંસ્કારો જળવાશે નહીં. 


ખાસ કરીને માતાઓને એવો ડર લાગે છે કે જો દીકરો બીજી જ્ઞાતિની છોકરી લાવશે તો તે તેના સંસ્કારો અને રહેણીકરણી અલગ હોવાને કારણે પરિવારથી અલગ થઈ જશે. આવો દીકરો ‘ખોઈ દેવાનો ડર’ વિરોધના સ્વરૂપમાં બહાર આવે છે. ઘણી મહિલા પોતે પણ ખૂબ જ ચુસ્ત સામાજિક મર્યાદાઓમાં મોટી થઈ હોય છે. તેમણે આજીવન જ્ઞાતિના નિયમો પાળ્યા હોય છે એટલે જ્યારે તેમના સંતાનો આ નિયમ તોડે છે ત્યારે તેમને તે સ્વીકારવું મુશ્કેલ લાગે છે.


જો કે, ભણેલા-ગણેલા પરિવારોમાં હવે જ્ઞાતિ કરતાં પાત્રના ગુણોને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે. સંતાનોએ પણ સમજવું પડે કે, આ મુદ્દે ધીરજપૂર્વક માતા-પિતાને સમજાવવા પડે અને સામેની વ્યક્તિની યોગ્યતા સાબિત કરે તો ધીમે-ધીમે વિરોધ ઓછો થાય છે. એ વાત તો સાચી જ છે કે  જ્ઞાતિની વાડાબંધી ન તૂટવા પાછળનાં કારણો માત્ર સામાજિક નથી, પણ તે ઊંડા મનોવૈજ્ઞાનિક, આર્થિક અને રાજકીય મૂળિયાં ધરાવે છે. 


આપણે ગમે તેટલા આધુનિક થઈએ, પણ અમુક પરિબળો આ દીવાલને મજબૂત રાખે છે, અને આમેય માણસ સ્વભાવગત રીતે એવા જૂથમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેને ઓળખ મળે. જ્ઞાતિ એક એવું ‘કમ્ફર્ટ ઝોન’ પૂરું પાડે છે જ્યાં વ્યક્તિને લાગે છે કે મુશ્કેલીના સમયે તેના પોતાના લોકો (જ્ઞાતિ ભાઈઓ) તેની મદદે આવશે. આવી સુરક્ષાની ભાવના વાડાબંધીને જીવંત રાખે છે. 

ઉપરાંત ભારતીય સમાજમાં લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેનો નહીં, પણ બે પરિવારો વચ્ચેનો સંબંધ ગણાય છે એટલે ‘લોહીની શુદ્ધતા’ જાળવવા અને પોતાના જેવા જ રિવાજો ધરાવતા પરિવાર માં દીકરી-દીકરાને પરણાવવાનો આગ્રહ જ્ઞાતિના વાડાને સૌથી વધુ મજબૂત બનાવે છે. ઘરના વડીલો આ વાતે સૌથી વધુ મક્કમ હોય છે.


કેટલાક કિસ્સાઓમાંથી ધડો લેવો જોઈએ, જેમ કે, સુધા મૂર્તિ એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવતાં હતાં. તેમના પિતા ડોક્ટર હતા અને પરિવારમાં શિક્ષણનું ખૂબ મહત્વ હતું. બીજી તરફ, નારાયણ મૂર્તિ પણ બ્રાહ્મણ હતા, પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી અને એ તે સમયે બેરોજગાર જેવી સ્થિતિમાં હતા. જ્યારે સુધા મૂર્તિએ તેમના પિતાને લગ્ન વિશે વાત કરી, ત્યારે તેમના પિતાએ નારાયણ મૂર્તિને જોતા જ નકારી દીધા હતા. કારણ જ્ઞાતિ નહોતું, પણ સામાજિક સ્તરનું હતું.


તેમના પિતાને લાગતું હતું કે એક તેજસ્વી એન્જિનિયર પુત્રી આવા ‘ગરીબ  છોકરા’ સાથે કેવી રીતે સુખી થશે? સુધા મૂર્તિએ મક્કમ રહીને પરિવારને સમજાવ્યો. તેમણે જ્ઞાતિ કે સંપત્તિને બદલે વિચારો અને મહેનત પર ભરોસો મૂક્યો. આજે આ જોડી સમગ્ર વિશ્વ માટે આદર્શ છે.


ઘણીવાર મોટા બિઝનેસ પરિવારોમાં પણ જ્ઞાતિ બહાર લગ્ન થાય ત્યારે વિવાદ થાય છે. તાજેતરમાં અંબાણી કે અદાણી જેવા મોટા પરિવારોમાં પણ જોવામાં આવ્યું છે કે હવે એ પણ જ્ઞાતિ (Caste) કરતાં સમાન સામાજિક સ્તરને વધુ મહત્ત્વ આપે છે.


આજે જ્ઞાતિની વાડાબંધી ગરીબ કે મધ્યમ વર્ગમાં વધુ ચુસ્ત છે. મોટા ઉદ્યોગપતિઓ કે સેલિબ્રિટીઝમાં હવે જ્ઞાતિ ગૌણ બની ગઈ છે. ત્યાં  પૈસો અને પાવર એ નવી જ્ઞાતિ બની ગઈ છે.


તને જે મહિલાઓના વિરોધની વાત કરી હતી, તેવા કિસ્સાઓ આપણે આપણી આસપાસના ‘ઓનર કિલિંગ’ ના કિસ્સાઓમાં જોઈએ છીએ. હરિયાણા કે ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતો દ્વારા લેવાતા નિર્ણયો આ વાડાબંધીનું સૌથી ક્રૂર સ્વરૂપ છે, જ્યાં મા-બાપ જ પોતાના સંતાનોના દુશ્મન બની જાય છે.

ખબર નહિ આ વાડાબંધી ક્યારે તૂટશે?

તારો બન્ની