Mon Oct 12 2026

Logo

ભારતીય મૂળની વ્યક્તિએ સિંગર ટેલર સ્વિફ્ટના પતિ સાથે કરી છેતરપિંડીઃ 11 વર્ષની જેલ

Washington dc   2026-09-17 19:06:00
Author: Mumbai Samachar Team
ભારતીય મૂળની વ્યક્તિએ સિંગર ટેલર સ્વિફ્ટના પતિ સાથે કરી છેતરપિંડીઃ 11 વર્ષની જેલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક મોટા અને ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભારતીયના મૂળના સિદ્ધાર્થ જવાહર નામના એક વ્યક્તિએ ડઝનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી અને આ ગુનામાં દોષિત સાબિત થતા તેને અગિયાર વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. અમેરિકન ફૂટબોલ સ્ટાર અને પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટનો પતિ ટ્રેવિસ કેલ્સી પણ છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાં સામેલ છે.

38 વર્ષીય સિદ્ધાર્થ જવાહર ભારતીય મૂળનો છે. અમેરિકાની એક કોર્ટે તેને 11 વર્ષની જેલની સજા ફટકારી છે અને ટ્રેવિસ કેલ્સી અને અન્ય રોકાણકારોને કુલ 260 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

સજા સંભળાવનારા અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ ઝૈચેરી એમ. બ્લૂસ્ટોને કહ્યું કે સિદ્ધાર્થની છેતરપિંડીને કારણે થયેલ નુકસાન નોંધપાત્ર હતું અને ગુનો લાંબા સમય સુધી ચાલ્યો હતો. પીડિતોમાંથી એકના નિવેદનને સમર્થન આપતા જસ્ટિસે કહ્યું કે તેણે રોકાણકારોના વિશ્વાસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોર્ટના દસ્તાવેજો અનુસાર, જવાહર ભારતનો છે અને 2005થી કાનૂની દરજ્જા વિના અમેરિકામાં રહેતો હતો. એક ટીવી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  ફરિયાદીએ વધુ વિગતો આપ્યા વિના કોર્ટમાં કેલ્સનું નામ જણાવ્યું હતું. કેલ્સે આ યોજનામાં ક્યારે રોકાણ કર્યું હતું અથવા તેણે તેમાં કેટલા પૈસા રોક્યા હતા તે હજુ સ્પષ્ટ નથી. 

યુએસ એટોર્ની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર  જવાહર ટેક્સાસ સ્થિત સ્વિફ્ટાર્ક કેપિટલ એલએલસી નામની રોકાણ કંપની ચલાવતો હતો, જેણે 2015માં રોકાણકારો પાસેથી નાણાં સ્વીકારવાનું શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે સિદ્ધાર્થ જવાહર ટેક્સાસ સ્થિત રોકાણ કંપની સ્વિફ્ટાર્ક કેપિટલના સહ-સ્થાપક અને મેનેજિંગ ભાગીદાર હતા. તેણે પોન્ઝી સ્કીમ દ્વારા મિસૌરી અને અન્ય રાજ્યોના 64 રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. 

2015માં તેણે ફિલિપ્સ મોરિસ પાકિસ્તાન નામની એક જ કંપનીમાં ગ્રાહકોના નાણાંનું રોકાણ કરવાનું શરૂ કર્યું અને ભંડોળનો 99 ટકા હિસ્સો તેમાં રોકી દીધો હતો. જ્યારે તે રોકાણોનું મૂલ્ય ઘટવા લાગ્યું ત્યારે તેણે રોકાણકારોને સત્ય કહેવાને બદલે ખોટો નોંધપાત્ર નફાનો દાવો કર્યો હતો.

જવાહરે રોકાણકારોને કહ્યું કે તેમના નાણાં ટોચની કંપનીઓમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેણે ક્યારેય તે વચનો પૂરા કર્યા નહીં. જૂલાઈ 2016 અને ડિસેમ્બર 2023 વચ્ચે તેણે રોકાણકારો પાસેથી 35 મિલિયન ડોલરથી વધુ ભંડોળ એકઠું કર્યું  પરંતુ ફક્ત 10 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.