વડોદરાઃ સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતે સતત ચોથી મૅચ જીતી લીધી છે. ઝિમ્બાબ્વે સામેની ત્રણેય ટી-20 મૅચ જીતી લીધા પછી શુક્રવારે ભારતીય ટીમે વન-ડે શ્રેણીની અહીં વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મૅચ પણ જીતી લીધી હતી. ટૉપ-ઑર્ડરમાં કમબૅક કરનાર ઓપનર પ્રતીકા રાવલ (100 અણનમ, 96 બૉલ, 15 ચોગ્ગા)ની ત્રીજી વન-ડે સેન્ચુરીની મદદથી ભારતે 137 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને ઝિમ્બાબ્વેને પરાજિત કરીને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
આઇસીસીમાં 14મી રૅન્ક ધરાવતી ઝિમ્બાબ્વેની ટીમ પહેલી જ વખત ત્રીજા નંબરના ભારત સામે વન-ડે શ્રેણી રમી રહી છે. પ્રવાસી ટીમ ભારતીય બોલર્સનો સમજદારીથી સામનો કરીને છેક 50મી ઓવર સુધી લડત ચાલુ રાખી હતી. 49.5 ઓવરમાં ઝિમ્બાબ્વેનો દાવ 197 રનના સ્કોર પર પૂરો થયો હતો. ભારતે જવાબમાં 27.1 ઓવરમાં એક જ વિકેટના ભોગે 200 રન બનાવીને વિજય નોંધાવ્યો હતો.
Exquisite written all over it 🤌 🎥 Touch of class from Captain Smriti Mandhana and Pratika Rawal 🙌 Updates ▶️ https://t.co/rohw1JYI7e #TeamIndia | #INDvZIM | @mflone_ | @mandhana_smriti | @RawalPratika https://t.co/2KGmQruIxP
— BCCI Women (@BCCIWomen) October 23, 2026
રાઈટ-હૅન્ડ બૅટર પ્રતીકાએ બે મોટી ભાગીદારીથી ભારતની જીતમાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તેણે કૅપ્ટન સ્મૃતિ મંધાના (32 રન, 34 બૉલ, ચાર ચોગ્ગા) સાથે 94 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. સ્મૃતિ આઉટ થયા બાદ પ્રતીકાએ શેફાલી વર્મા (64 અણનમ, 33 બૉલ, ચાર છગ્ગા, પાંચ ચોગ્ગા) સાથે 106 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
ઝિમ્બાબ્વેની સાતમાંથી માત્ર એક બોલરને એક વિકેટ મળી હતી. ઑલિન્ડર શેર નામની લેગ-સ્પિનરના બૉલમાં સ્મૃતિ કૅચઆઉટ થઈ હતી.
એ પહેલાં, ઝિમ્બાબ્વેએ ભારતને જીતવા માટે 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. નૉમ્વેલો સિબાન્દાના સુકાનમાં પ્રવાસી ટીમે 70 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પણ ત્યાર બાદ નાની-મોટી ભાગીદારીએ ટીમનું ટોટલ 200ના આંકડાની નજીક (197 રન પર) પહોંચાડી દીધું હતું.
બિલવ્ડ બિઝા (62 રન, 92 બૉલ, 137 મિનિટ, પાંચ ચોગ્ગા) નામની 17 વર્ષની રાઇટ-હૅન્ડ બૅટરે ભારતની બોલર્સને હંફાવી હતી. કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ કુલ છ બોલરને મોરચા પર મૂકી હતી જેમાંથી સ્પિનર શ્રી ચરનીને ચાર વિકેટ, પેસર ક્રાંતિ ગૌડને ત્રણ વિકેટ, સ્પિનર દીપ્તિ શર્માને બે વિકેટ અને શેફાલી વર્માને એક વિકેટ મળી હતી. આખી વન-ડે શ્રેણી વડોદરામાં રમાવાની છે. બીજી વન-ડે રવિવારે અને છેલ્લી મૅચ બુધવારે રમાશે.