બેંગ્લૂરુઃ શનિવારે રાત્રે મેઘરાજા કોપાયમાન થતાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની નિર્ણાયક ટી-20 મૅચ ડ્રૉમાં પરિણમી હતી. વરસાદના વિઘ્નો બાદ મોડી સાંજે નવ-નવ ઓવરવાળી મૅચ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભારતે 7.4 ઓવરમાં પાંચ વિકેટે 118 રન બનાવ્યા હતા એ તબક્કે (રાત્રે 10.5 વાગ્યે) વરસાદ (Rain)ને લીધે 10.21 વાગ્યાના કટ-ઑફ ટાઇમની અંદર રમત ફરી શરૂ નહોતી કરી શકાઈ, છેવટે અમ્પાયરોએ મૅચ અનિર્ણીત જાહેર કરાઈ હતી અને બન્ને ટીમે સિરીઝ 2-2ની ડ્રૉથી સંતોષ માની લેવો પડ્યો હતો. ભારત કૅરિબિયનો સામેની વન-ડે (ODI) સિરીઝ 2-1થી જીત્યું હતું.
વેસ્ટ ઇન્ડિઝને 2002ની સાલ પછી પહેલી વખત ભારતમાં સિરીઝ જીતવાની સુવર્ણ તક મળી હતી જે મેઘરાજાના પ્રકોપને કારણે હાથમાંથી સરી પડી. બીજું, બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને બે વર્ષે આંતરરાષ્ટ્રીય મૅચ મળી અને એ પૂરી ન રમાઈ અને પ્રેક્ષકોએ નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું. વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ-ઇલેવનમાં નહોતો એટલે પ્રેક્ષકો શરૂઆતથી જ નિરાશ તો હતા જ.

જો પાંચ-પાંચ ઓવર રમાઈ હોત તો કૅરિબિયનોને પાંચ ઓવરમાં 84 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હોત, પરંતુ એ પણ સંભવ નહોતું. નમન ધીર (24 અણનમ, છ બૉલ, ત્રણ છગ્ગા, એક ચોગ્ગો) છેક સુધી ક્રીઝ પર હતો.
નવ-નવ ઓવરવાળી મૅચમાં પાવરપ્લે 2.4 ઓવર સુધી રાખવામાં આવતાં બૅટ્સમેનો માટે ફટકાબાજીની તક ઘટી ગઈ હતી. અભિષેક એક છગ્ગાની મદદથી છ રન બનાવીને પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો ત્યાર બાદ ઇશાન કિશન (30 રન, 10 બૉલ, બે છગ્ગા, ત્રણ ચોગ્ગા)એ થોડા ધમાકા કર્યા હતા, પણ તેણે ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. કિશન ક્રીઝમાં હતો ત્યારે સૅમસનને ફક્ત બે બૉલ રમવા મળ્યા હતા, પણ કિશનના ગયા પછી સૅમસને સાત બૉલમાં એક છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા અને એ જ સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. કૅપ્ટન શ્રેયસ ઐયર બાવીસ રન અને તિલક વર્મા સાત રન બનાવી શક્યો હતો.

એ પહેલાં, વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન શાઇ હોપે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતને પ્રથમ બૅટિંગ મળી હતી. વૈભવ ઉપરાંત કુલદીપ યાદવ પણ ટીમમાં નહોતો, જ્યારે ખભાની ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા અર્શદીપ સિંહ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે ભુવનેશ્વર કુમાર ચાર વર્ષે ટીમમાં કમબૅક કર્યું એ સાથે ટીમમાં ચાર પેસ બોલરનો સમાવેશ થયો હતો. ભારતીય ટીમમાં શ્રેયસ (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), કિશન, તિલક, શિવમ, અક્ષર, નમન, ભુવનેશ્વર, અર્શદીપ અને પ્રિન્સ યાદવનો સમાવેશ હતો.