Mon Sep 14 2026

Logo

ભારતને મેઘરાજા અને નીચલા ક્રમના બૅટ્સમેનોએ કર્યા પરેશાન

Colombo   2026-08-25 19:54:00
Author: Ajay Motiwala
ભારતને મેઘરાજા અને નીચલા ક્રમના બૅટ્સમેનોએ કર્યા પરેશાન

PTI


શ્રીલંકાએ ફૉલો-ઑનથી બચવા હજી 39 રનની જરૂર

કોલંબોઃ બે ટેસ્ટની સિરીઝમાં 1-0થી અપરાજિત સરસાઈ ધરાવનાર ભારત સામે શ્રીલંકાએ બીજી અને અંતિમ ટેસ્ટમાં મંગળવારે પ્રથમ દાવમાં વહેલી પૂરી થયેલી રમતના અંત સુધીમાં આઠ વિકેટે 265 રન બનાવ્યા હતા. ફૉલો-ઑનથી બચવા શ્રીલંકા (Sri lanka)એ બુધવારના ચોથા દિવસે બીજા 39 રન બનાવવા પડશે એ સ્થિતિમાં ભારતનો હાથ ઉપર છે, પરંતુ મંગળવારે ભારતીય ખેલાડીઓએ બે રીતે પરેશાન તો થવું જ પડ્યું હતું. ભારત (India)થી શ્રીલંકા હજી બીજા કુલ 238 રન પાછળ હતું. બુધવારે સવારે 9.45 વાગ્યે રમત શરૂ કરાશે એવી સંભાવના છે.

શ્રીલંકાના ખાસ કરીને સાતમા, નવમા અને દસમા ક્રમના બૅટ્સમેનોએ ભારતીય બોલર્સને હંફાવ્યા હતા. અધૂરામાં પૂરું, મેઘરાજાએ પણ બન્ને ટીમને પરેશાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. વરસાદ તથા બૅડ લાઇટને કારણે કુલ મળીને એક કલાક કરતાં પણ વધુ સમય બગડ્યો હતો. આ રમત મંગળવારે સાંજે 6.13 વાગ્યા સુધી ચાલુ રાખવાની હતી, પણ ખરાબ હવામાનને લીધે અમ્પાયરોએ રમત સંકેલી લેવી પડી હતી.

કયા બૅટ્સમેન કેટલા બૉલ રમ્યા?

ભારતના પ્રથમ દાવના 9/530 ડિક્લેર્ડના જવાબમાં શ્રીલંકાએ માત્ર 137 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી, પરંતુ પછીથી નીચલા ક્રમના બૅટ્સમેનોની લડતને લીધે રમતને અંતે સ્કોર 8/265 સુધી પહોંચ્યો હતો. નીચલા ક્રમના ત્રણ બૅટ્સમેન 50 કે 50થી વધુ બૉલ રમ્યા હતા. એમાં સાતમા નંબરના સોનાલ દિનુશા (85 નૉટઆઉટ, 137 બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા), નવમા નંબરના કેશારા નુવાન્થા (18 રન, 74 બૉલ, એક છગ્ગો, બે ચોગ્ગા) અને દસમા નંબરના લાહિરુ કુમારા (આઠ નૉટઆઉટ, 50 બૉલ, એક ચોગ્ગો)નો સમાવેશ હતો. એ પહેલાં, ચોથા નંબરના પસિન્દુ સૂર્યાબંડારા (80 રન, 133 બૉલ, નવ ચોગ્ગા)એ ભારતીય બોલર્સને હંફાવ્યા હતા અને ફીલ્ડર્સને દોડાવ્યા હતા. જોકે બે્રકથ્રુ અપાવીને લાંબી ભાગીદારી તોડાવવામાં ચપળ રવીન્દ્ર જાડેજાએ સૂર્યાબંડારાને ક્લીન બોલ્ડ કરીને કરીઅરની પ્રથમ સેન્ચુરીથી વંચિત રાખી દીધો હતો.

માનવ-ક્રિષ્નાની ત્રણ-ત્રણ વિકેટ

સ્પિનર માનવ સુથારે 83 રનમાં ત્રણ તથા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ બૅટ્સમેનો સામે વારંવાર શૉર્ટ બૉલ ફેંકતા રહીને 47 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જાડેજાની 19.4 ઓવરમાં ચાર મેઇડન હતી અને તેણે 45 રનમાં એક મૂલ્યવાન વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 33 રનમાં એક વિકેટ મેળવી હતી. નવા ઑફ-સ્પિનર સારાંશ જૈનને 51 રનમાં વિકેટ નથી મળી, પણ તેણે શ્રીલંકન બૅટ્સમેનોને થોડા કાબૂમાં રાખવામાં ઉપયોગી ભૂમિકા ભજવી હતી. કેશારા નુવાન્થા અને સોનાલ દિનુશા વચ્ચે આઠમી વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ હતી જે સ્પિનર માનવ સુથારે તોડી હતી. એ પહેલાં, કામિન્ડુ મેન્ડિસ (32 રન, 58 બૉલ, એક છગ્ગો, ત્રણ ચોગ્ગા) અને સૂર્યાબંડારા વચ્ચે ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી થઈ હતી જે ક્રિષ્નાએ મેન્ડિસને જાડેજાના હાથમાં કૅચઆઉટ કરીને તોડાવી હતી.