ઑકલૅન્ડઃ ભારત (India)નો ન્યૂ ઝીલૅન્ડ સામે અહીં ઇડન પાર્ક (Eden Park)ની ચોથી ટી-20માં 87 રનથી પરાજય થયો હતો. ભારતીય ટીમ 260 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં નવ વિકેટે 172 રન બનાવી શકી હતી.
શ્રેયસ ઐયરે ટૉસ જીતીને ન્યૂ ઝીલૅન્ડને બૅટિંગ આપી જેનો કિવીઓએ ફાયદો લીધો અને 20 ઓવરમાં સાત વિકેટે 259 રન બનાવ્યા હતા જેમાં ગ્લેન ફિલિપ્સ (107 રન, 49 બૉલ, દસ છગ્ગા, છ ચોગ્ગા) અને માઇકલ બ્રેસવેલ (65 રન, પચીસ બૉલ, છ છગ્ગા, ચાર ચોગ્ગા)ના સૌથી મોટા યોગદાન હતા. ફાસ્ટ બોલર મયંક યાદવે ત્રણ તેમ જ અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, નીતીશ રેડ્ડી અને પ્રિન્સ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમાર અને વૈભવ સૂર્યવંશીને આ મૅચની બહાર રાખીને અનુક્રમે મયંક અને ઇશાન કિશનને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા. વૈભવ સૂર્યવંશી ફૉર્મમાં હોવા છતાં તેને આ મૅચમાં નહોતો રમાડવામાં આવ્યો. વૈભવના સ્થાને રમેલો કિશન શૂન્યમાં અને સંજુ સૅમસન ચાર રનમાં આઉટ થઈ ગયો હતો.
ભારતીય ટીમ 260 રનના મહાકાય લક્ષ્યાંકના બોજ હેઠળ દબાઈ ગઈ હતી. ભારતને 3-0થી વિજયી-સરસાઈ અપાવનાર સ્ટાર બૅટ્સમેનો આ મૅચમાં પાણીમાં બેસી ગયા હતા. વેલિંગ્ટનની ત્રીજી મૅચમાં પાવરપ્લેની છ ઓવરમાં 118 રનનો વર્લ્ડ રેકૉર્ડ કરનાર ભારતીય ટીમ શુક્રવારની મૅચમાં પ્રથમ છ ઓવરમાં 61 રનમાં ચાર વિકેટ ગુમાવી બેઠી હતી.
એકેય ભારતીય બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો તિલક વર્મા (35 રન, 35 બૉલ, ત્રણ છગ્ગા, એક ચોગ્ગો)નું યોગદાન ટીમમાં હાઇએસ્ટ હતું. પાછલી મૅચનો સુપરહીરો અભિષેક શર્મા ફક્ત 27 રન બનાવીને આઉટ થયો હતો.
કિવી પેસ બોલર જૅકબ ડફીએ સૌથી વધુ ચાર વિકેટ લઈને ભારતને જીતથી વંચિત રાખ્યું હતું. ભારત હવે પાંચ મૅચની શ્રેણીમાં 3-1થી આગળ છે.