Sat Nov 07 2026

Logo

આજે ક્રાઈસ્ટચર્ચમાં બૅટ્સમેનો કરશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે ફાસ્ટ બોલર્સ મચાવશે કહેર?

Christchurch   2026-10-22 10:47:00
Author: Darshana Visaria
આજે ક્રાઈસ્ટચર્ચમાં બૅટ્સમેનો કરશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે ફાસ્ટ બોલર્સ મચાવશે કહેર?

ક્રાઇસ્ટચર્ચ: શ્રેયસ ઐયરને કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા અને મિચલ સેન્ટનરના નેતૃત્વમાં ન્યૂ ઝીલેન્ડ વચ્ચે પાંચ મૅચની T20 ઈન્ટરનેશનલ સીરિઝની પહેલી હાઇ-વોલ્ટેજ મૅચ આજે એટલે કે ગુરુવાર, 22મી ઓક્ટોબરના રોજ (બપોરે 12:30 વાગ્યાથી)  ક્રાઈસ્ટચર્ચના ઐતિહાસિક હેગલી ઓવલ (Hagley Oval) ગ્રાઉન્ડ પર રમાશે. જોકે, હવે જોવાની વાત એ છે કે આજે રમાનારી આ મૅચમાં ટીમ ઈન્ડિયાના યંગ વિસ્ફોટક ઓપનર્સ અભિષેક શર્મા અને સંજુ સૅમસન કે ઇશાન કિશન ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરશે કે પછી ન્યૂ ઝીલેન્ડના ઝડપી બોલર્સ સપાટો બોલાવતા જોવા મળશે. વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામે તો રમવા ન મળ્યું, પણ અહીં કિવીઓ સામે રમવા મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે.

વાત કરીએ કે આ મૅચ ક્યારે, ક્યાં અને પિચ કેવી રહેશે એની તો આ મેચ ન્યૂ ઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, પરંતુ ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. આવો જાણીએ હેગલી ઓવલની પિચનો મિજાજ અને બંને ટીમના રસપ્રદ આંકડાઓ પર પણ એક નજક કરી લઈએ. 

ક્રાઈસ્ટચર્ચની પિચ સામાન્ય રીતે બૅટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીંની નાની બાઉન્ડ્રીઝના લીધે T20માં મોટો સ્કોર બનવાની શક્યતા રહે છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલર્સને પિચમાંથી સારો ઉછાળ અને ઝડપ મળે છે. હવામાન અને ઠંડા પવનના કારણે નવો બૉલ બંને તરફ સ્વિંગ થઈ શકે છે. જોકે, બૉલ જૂનો થયા બાદ બૅટ્સમેન માટે બૅટિંગ કરવી ખૂબ જ સહેલી બની જાય છે.

સ્ટ્રેટજીની વાત કરીએ તો બંનેમાંથી જે પણ ટીમ ટૉસ જીતશે એ શરૂઆતી ભેજ અને સ્વિંગનો ફાયદો ઉઠાવવા માટે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે. આ મેદાન પર સ્પિન બોલરોને બહુ ઓછા ટર્ન અને મદદ મળે છે, જેથી ઝડપી બોલર્સ અને ઑલરાઉન્ડર્સની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.

T20 ઈન્ટરનેશનલમાં હેડ-ટૂ-હેડ આંકડાની વાત કરીએ તો ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે T20 ફોર્મેટમાં હંમેશાં કાંટાની ટક્કર જોવા મળી છે. બંને ટીમો અત્યાર સુધીમાં 31 વખત આમને-સામને ટકરાઈ છે. જેમાંથી ભારતીય ટીમ 19 મૅચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડને 11 મૅચમાં વિજય હાંસલ થયો છે. આ ઉપરાંત એક મૅચ સુપર ઓવરમાં ટાઈ પણ થઈ હતી. 

કિવીની ધરતી પર કેવો રહ્યો છે ભારતનો રેકોર્ડ?
ન્યૂ ઝીલેન્ડની ભૂમિ પર બંને ટીમ વચ્ચે રમાયેલી મૅચોના આંકડા અત્યંત રોમાંચક છે. ન્યૂ ઝીલેન્ડમાં બંને વચ્ચે કુલ 12 T20 મૅચ રમાઈ છે. જેમાંથી ભારતે પાંચ મૅચમાં વિજય મેળવ્યો છે, જ્યારે ન્યૂ ઝીલેન્ડે 4 મૅચમાં વિજય હાંસલ કર્યો છે. બાકીની 3 મૅચો ટાઈ રહી હતી, જેમાં 2 વખત સુપર ઓવરમાં ભારતે રોમાંચક જીત નોંધાવી હતી અને 1 મેચ સુપર ઓવરમાં પણ ટાઈ રહી હતી.