Tue Nov 10 2026

Logo

સેનાના આદેશ માનવાના બદલે પોતાની જનતાની ભલાઇનું વિચારે ઇસ્લામાબાદ', UNમાં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર

2026-10-25 10:30:48
Author: Mumbai Samachar Team
સેનાના આદેશ માનવાના બદલે પોતાની જનતાની ભલાઇનું વિચારે ઇસ્લામાબાદ', UNમાં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર

નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફરી એકવાર ફટકાર લગાવી છે. પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા ભારતે કહ્યું કે ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મંચનો પોતાના પ્રચાર માટે દુરુપયોગ કરી રહ્યું છે, જ્યારે તે પોતાની જ જનતાની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે.

વધુમાં ભારતે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કરેલા તમામ વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં લઘુમતી મુદ્દાઓ પર વિશેષ પ્રતિવેદક (સ્પેશિયલ રિપોર્ટર) સાથેની ચર્ચા દરમિયાન, ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ પાકિસ્તાનના વર્તનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિઓએ સૈન્યના આદેશો પર ચાલવાને બદલે પોતાની જનતાના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પુરીએ કહ્યું કે પાકિસ્તાને ધારણા મુજબ જ મંચનો પ્રચાર માટે દુરુપયોગ કર્યો. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. પાકિસ્તાને પોતાના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારો ખાલી કરવા જોઈએ. તેમણે આગળ ઉમેર્યું કે પાકિસ્તાની પ્રતિનિધિઓએ પહેલા પોતાના નાગરિકોની ચિંતાઓનું સમાધાન કરવું જોઈએ.

લઘુમતી અધિકારો પર ભારતનું વલણ

પુરીએ રેખાંકિત કર્યું કે લઘુમતી અધિકારોનું રક્ષણ કરવું એ મુખ્યત્વે વ્યક્તિગત રાજ્યોની સાર્વભૌમ જવાબદારી છે, જે સાર્વભૌમ સમાનતાના સિદ્ધાંત પર આધારિત છે. તેમણે કહ્યું કે ભારતની વિવિધતાની સભ્યતાગત પરંપરા તેના બંધારણીય સુરક્ષા ઉપાયોમાં પ્રતિબિંબિત થાય છે, જે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે ઉપલબ્ધ છે. તેમણે ભારતના રાષ્ટ્રીય વિકાસમાં લઘુમતીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સરકાર અને પ્રમુખ સંસ્થાઓના સર્વોચ્ચ લેવલો પણ શામેલ છે.

આ ટકરાવ 23 ઑક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ધાર્મિક લઘુમતીઓ સાથેના તેના વર્તન બદલ ભારતે લગાવેલી આકરી ફટકાર બાદ થયો હતો. નવી દિલ્હીએ ઇસ્લામાબાદ પર આરોપ મૂક્યો કે તે નબળા સમુદાયોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેમ છતાં ભારતને ધાર્મિક સ્વતંત્રતા, અંતિમ સંસ્કારના અધિકાર અને લઘુમતી સુરક્ષા પર સલાહ આપવાનો પ્રયાસ કરે છે.

ભારત-યુએન વિકાસ ભાગીદારી ભંડોળની અનેક દેશોએ પ્રશંસા કરી

અનેક દેશોના પ્રતિનિધિઓએ ભારત-સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ (India-UN Development Partnership Fund) ની અસરની પ્રશંસા કરી છે. આ દરમિયાન નવી દિલ્હીએ ગ્લોબલ સાઉથ સાથે પોતાના વિકાસના અનુભવોનું આદાન-પ્રદાન કરવા અને સહયોગ આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.