Mon Nov 16 2026

Logo

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન સર્જાવાની શક્યતા, છ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

2026-10-23 21:49:04
Author: Chandrakant Kanoja
બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન સર્જાવાની શક્યતા, છ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તોફાન સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારમાં લો-પ્રેશર સર્જાયું છે. આ ચક્રવાતી તોફાનના લીધે  પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ એમ છ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ડીપ ડિપ્રેશન 26 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  24 ઓક્ટોબર સુધીમાં તે  ડિપ્રેશન'માં અને 25  ઓક્ટોબર સુધીમાં  ડીપ ડિપ્રેશન માં અને 26 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. 

28 ઓક્ટોબરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશમાં ટકરાવાની શકયતા 

આ સંભવિત ચક્રવાત 28 ઓક્ટોબરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના કિનારા સુધી પહોંચી શકે છે. જોકે, આ ચક્રવાત ચોક્કસ ક્યાં અને ક્યારે તટ પર ટકરાશે તે હજુ સ્પષ્ટ નથી. આ તબક્કે તેની મહત્તમ તીવ્રતા અંગે પણ કોઈ અંદાજ આપવામાં આવ્યો નથી.

પવનની ગતિ કલાકના 55 થી 65  કિમી રહેવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ભાગમાં હાલમાં પવનની ગતિ કલાકના 35  થી 45  કિમી છે. જેમાં પવનની ગતિ કલાકના 55  કિમી સુધી પહોંચી શકે છે. 25 ઓક્ટોબર સુધીમાં, પવનની ગતિ કલાકના 55 થી 65  કિમી રહેવાની સંભાવના છે. 

દરિયામાં ખૂબ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ઓક્ટોબરની સવાર સુધીમાં પવનની ગતિ પ્રતિ કલાક 70 થી 80 કિમી સુધી પહોંચી શકે છે.જેમ જેમ આ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે તેમ તે વધુ તીવ્ર બને તેવી અપેક્ષા છે. હાલમાં દરિયાની સ્થિતિ તોફાની છે અને શનિવાર સુધીમાં તે અત્યંત તોફાની બની શકે છે. 26 થી 28 ઓક્ટોબર દરમિયાન દરિયામાં  ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે.  તેમજ દરિયામાં જતી વખતે અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.