નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો છે તેમ દિલ્હીના રાજકારણમાં ચૂંટણી પંચની કામગીરીને લઈ ગરમાવો આવ્યો છે. એસઆઈઆર વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય નિવેદનોને લઈ વેગ પકડાઈ રહ્યો છે. કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, ભારત બાંગ્લાદેશ કે ફ્રાન્સ નથી. વિપક્ષ હિંસાનું સમર્થન કરતું નથી, પરંતુ તેની માંગ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની છે. ફ્રાન્સમાં બસો અને પોલીસ સ્ટેશનને આગચંપી જેવી હિંસક ઘટનાઓનું વિપક્ષ કયારેય સમર્તન નથી કરતું. વિપક્ષ શાંતિપૂર્ણ વિરોધમાં વિશ્વાસ રાખે છે અને તેઓ ખુદ આ પ્રકારના પ્રદર્શનમાં સામેલ રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જુએ રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, કેટલાક નેતાઓ અને ભારત વિરોધી ગ્રુપોએ મળીને દેશમાં યુવાનોને ભડકાવવા અને સડક પર હિંસા ફેલાવાની કોશિશ કરી હતી. તેમણે બાંગ્લાદેશમાં થયેલી હિંસા, આગચંપી, લૂંટફાટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભારત ન તો બાંગ્લાદેશ કે ન તો ફ્રાન્સ. ભારતમાં સત્તા પરિવર્તન થઈ શકે છે પરંતુ આ ચૂંટણી દ્વારા જ શક્ય છે.
રિજિજુએ જોર્જ સોરોસનો પણ ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ નેહા બોરા અને પ્રશાંત ભૂષણ સત્તા પરિવર્તનની વાત કરતાં જોવા મળતા હતા. તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં શશિ થરૂરે કહ્યું કે, સત્તા પરિવર્તન જેવા શબ્દો તોડી મરોડીને રજૂ કરવાનો કોઈ અર્થ નથી. વિપક્ષની માંગ સત્તા પરિવર્તનની નહીં પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની છે.
દરેકને લોકશાહીનું રક્ષણ કરવાનો અધિકાર
થરૂરે કહ્યું, ગેરકાયદે પ્રક્રિયા અંતર્ગત મોટી સંખ્યામાં લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે ચિંતાની વાત છે. આ કારણે અમે આ નિર્ણય પરત લેવાની માંગ કરી રહ્યા છીએ.આ એક બંધારણીય મુદ્દો છે. આને કોઈ સરકારને પાડવા કે સત્તા પલટાવવાના પ્રયાસ સાથે કોઈ સંબંધ નથી. લોકશાહી એ કોઈની આપેલી ભેટ નથી. દેશના સામાન્ય નાગરિકો તેના સંરક્ષક છે અને દરેક ભારતીયને લોકશાહીનું રક્ષણ કરવાનો અધિકાર છે.
દેશના તમામ નાગરિકોએ ચિંતા કરવી જોઈએ
થરૂરે કહ્યું, વિપક્ષ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓને ભારતીય બંધારણ અને લોકશાહીની વ્યવસ્થા અંતર્ગત પોતાની જવાબદારી નિભાવવાની માંગ કરી રહ્યું છે. વિપક્ષ આ સંસ્થાઓને પડકારતું નથી પરંતુ તેમની કામ કરવાની રીત અને આચરણ પર સવાલ ઉઠાવી રહ્યું છે. આ એક એવો મુદ્દો છે જેના પર દેશના તમામ નાગરિકોએ ચિંતા કરવી જોઈએ તેમ પણ થરૂરે કહ્યું હતું.