Thu Nov 19 2026

Logo

કોમ્પિટિશનથી નથી ડરતા, અમે પણ ક્લીયરન્સના વેઇટિંગમાં...', એલોન મસ્કને રિલાયન્સની સ્પષ્ટ વાત

2026-10-16 10:55:00
Author: Mumbai Samachar Team
કોમ્પિટિશનથી નથી ડરતા, અમે પણ  ક્લીયરન્સના વેઇટિંગમાં...', એલોન મસ્કને રિલાયન્સની સ્પષ્ટ વાત

અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક (Starlink)ને ભારતમાં મંજૂરી મળવા બાબતે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં સ્પર્ધાનું સ્વાગત કરે છે, જેમાં સ્ટારલિંક પણ સામેલ છે. જોકે, રિલાયન્સે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ક્ષેત્રમાં કામ કરતી દરેક કંપનીએ ભારતના કાયદાઓ અને પ્રવર્તમાન નિયમોનું પાલન કરવું પડશે.

રિલાયન્સનું આ નિવેદન સ્પેસએક્સ (SpaceX)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઇલોન મસ્કની એ ટિપ્પણીઓ બાદ આવ્યું છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં કેટલાક વ્યાપારી હિતો સ્ટારલિંકની સેવાઓ શરૂ કરવામાં અડચણ ઊભી કરી રહ્યા છે. મસ્કે અંબાણી અને ભારતીય ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સ્પર્ધાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. રિલાયન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, 'અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી. ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ સેવા કોણ આપે છે, તે પારખવા માટે અમે સ્પર્ધાને સૌથી મોટી કસોટી માનીએ છીએ.'

જિયોને પણ મંજૂરીની રાહ છે

રિલાયન્સે જણાવ્યું કે તે સ્ટારલિંક સહિત સેટેલાઇટ-આધારિત કમ્યુનિકેશન ક્ષેત્રમાં આવનારી તમામ કંપનીઓનું સ્વાગત કરે છે. પરંતુ જિયો સહિત દરેક કંપનીએ ભારતના લોકોના હિતમાં કામ કરવું પડશે અને દેશના કાયદાઓ તથા નીતિઓનું પાલન કરવું પડશે. કંપનીએ પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતમાં રોકાણ અને નવા પ્રયોગો (ઇનોવેશન)નું સ્વાગત છે, પછી ભલે તે દેશી કંપનીઓ તરફથી હોય કે વિદેશી કંપનીઓ તરફથી. પરંતુ આ સમગ્ર વ્યવસ્થા કાયદાના દાયરામાં રહીને જ ચાલે છે.