Sat Nov 07 2026

Logo

ભારતની ક્રિકેટર્સ-ઇલેવનને તૈયાર કરે છે 16 નિષ્ણાતની આ પલટનઃ જાણો, કોની શું ભૂમિકા હોય છે

2026-10-29 19:40:54
Author: Ajay Motiwala
ભારતની ક્રિકેટર્સ-ઇલેવનને તૈયાર કરે છે 16 નિષ્ણાતની આ પલટનઃ જાણો, કોની શું ભૂમિકા હોય છે

મુંબઈઃ ભારત હાલમાં મેન્સ ક્રિકેટમાં ટેસ્ટ-ફૉર્મેટમાં ચોથા નંબરે છે, વન-ડેમાં નંબર-વન અને ટી-20માં નંબર-ટૂ છે, છેલ્લાં બન્ને ટી-20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં ભારત ચૅમ્પિયન બન્યું છે તેમ જ એશિયન ગેમ્સમાં બૅક-ટુ-બૅક ગોલ્ડ મેડલ જીત્યું છે એટલે થોડા વર્ષોથી ક્રિકેટ જગતમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. એ ઉપરાંત, થોડા મહિનાઓથી ભારતના ક્રિકેટરો મેદાન પર ધમાલ મચાવી રહ્યા છે એ જોતાં સ્વાભાવિક રીતે કોઈને પણ મનમાં સવાલ થાય કે બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગમાં અસરદાર પર્ફોર્મ કરનાર ભારતીય ખેલાડીઓને મેદાન સુધીની સફરમાં તૈયાર કરવામાં કોણ-કોણ કેવી ભૂમિકા ભજવી રહ્યું હશે.

ખરું કહીએ તો દરેક ફૉર્મેટ માટે (ખાસ કરીને વન-ડે અને ટી-20 માટે) એક કરતાં વધુ મજબૂત ટીમ મેદાન પર ઊતારી શકાય એટલી બીસીસીઆઇમાં ક્ષમતા છે. બીજી રીતે કહીએ તો પ્રત્યેક પ્લેઇંગ-ઇલેવનને તૈયાર કરવામાં માત્ર હેડ-કોચ ગૌતમ ગંભીર નહીં, પણ તેના સહિત 16 જણની લાંબી ફોજ કામ કરી રહી છે અને દરેકના કામ જાણીને તમે દંગ રહી જશો!

કૅપ્ટનપદે શુભમન ગિલ હોય કે શ્રેયસ ઐયર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેમની સાથે મળીને તો રણનીતિ બનાવે જ છે, એમાં તેમને સાથ આપનાર કોચિંગ-સ્ટાફની ટીમમાં કુલ મળીને 17 મેમ્બર સામેલ છે. એમાં બૅટિંગ-કોચ, બોલિંગ-કોચ, ડૉક્ટર, ફિઝિયોથેરપિસ્ટ વગેરેનો સમાવેશ છે.

1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ અને આજની વિશ્વ વિજેતા ટીમ વચ્ચે ફક્ત સુવિધાઓનો તફાવત નથી. ક્રિકેટની તૈયારીની પૂરી સિસ્ટમ વચ્ચે પણ મોટો ફરક છે. અગાઉના જમાનામાં ખેલાડીઓએ મર્યાદિત કોચિંગને લીધે અરસપરસના તાલમેલ સાથે, અનુભવને આધારે તેમ જ પોતપોતાની સમજબૂઝને આધારે મેદાન પર ઊતરવું પડતું હતું. જોકે આજે દરેક નાની-નાની બાબતો અને જરૂરિયાતો માટેના નિષ્ણાત ટીમ પાસે ઉપલબ્ધ હોય છે જે તેમને ઈજામુક્ત થવામાં, પૂરી ફિટનેસ હાંસલ કરવામાં, ટેક્નિકની જાણકારી આપવામાં તેમ જ અસ્સલ પર્ફોર્મન્સ બતાવવામાં કામ આવે છે.

ટીમ ઇન્ડિયા માટે કોની શું જવાબદારી?

(1) કોચિંગની ટીમમાં ગૌતમ ગંભીર સર્વોપરીઃ ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર ભારતની મેન્સ ટીમનો હેડ-કોચ છે.

(2) સિતાંશુ કોટકઃ સૌરાષ્ટ્રનો બૅટિંગ-લેજન્ડ સિતાંશુ કોટક ભારત વતી નથી રમ્યો, પણ બૅટિંગના બહોળા અનુભવને કારણે તેને ટીમ ઇન્ડિયાના બૅટિંગ-કોચ તરીકેની જવાબદારી સોંપાઈ છે.

(3) મૉર્ની મૉર્કલઃ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલ ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલિંગ-કોચ છે જે પેસ બોલર્સને લાઇન ઍન્ડ લેન્થ જાળવવામાં તેમ જ ટેક્નિક અજમાવવામાં અને બોલિંગને લગતો વ્યૂહ તૈયાર કરવામાં સહાય કરે છે.

(4) શુભદીપ ઘોષઃ આસામ અને રેલવે વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા શુભદીપ ઘોષ ભારતીય ટીમના ફીલ્ડિંગ-કોચ છે.

(5) સાઇરાજ બહુતુલેઃ ટીમ ઇન્ડિયાના સ્પિન બોલિંગ-કોચ તરીકે નિયુક્ત બહુતુલેની ભૂમિકા ટીમ સિલેક્શનમાં સમતુલા કેવી રીતે જળવાય એમાં પણ રહેતી હોય છે.

(6) ઍડ્રિયન લ રુક્સઃ ટીમના આ નિષ્ણાતની જવાબદારી ખેલાડીઓની તાકાત, ફિટનેસ, સહનશક્તિ તથા શારીરિક ક્ષમતા વધુ સારી બનાવવાની હોય છે કે જેથી તેઓ ન્યૂ ઝીલૅન્ડના કુલ 12 મૅચવાળા 40 દિવસના લાંબા પ્રવાસ દરમ્યાન સ્ટ્રેસ તથા વર્કલૉડનો સામનો કરી શકે.

(7) ડૉ. ચાર્લ્સ મિન્જઃ ટીમ ઇન્ડિયાના ડૉક્ટર મિન્જ બીસીસીઆઇના ચીફ મેડિકલ ઑફિસર પણ છે અને અગાઉ આઇપીએલની આરસીબી ટીમ સાથે કામ કરી ચૂક્યા છે.

(8) કમલેશ જૈનઃ ટીમ ઇન્ડિયાના હેડ ફિઝિયોથેરપિસ્ટ ચાર વર્ષથી ભારતીય ખેલાડીઓ માટે અલગ થેરપી તૈયાર કરે છે અને અમલી બનાવે છે. તેઓ આ પહેલાં 10 વર્ષ સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલા હતા.

(9) યોગેશ પરમારઃ ટીમ ઇન્ડિયાના ફિઝિયોથેરપિસ્ટ યોગેશ પરમાર ઘણા સમયથી ભારતીય ક્રિકેટના સેટ-અપમાં છે. અગાઉ તેઓ ઇંગ્લૅન્ડની એસેક્સ કાઉન્ટી ક્લબ તેમ જ મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલા હતા.

(10) નંદન માઝી અને ચેતન કુમારઃ આ બન્ને મસાજર ખેલાડીઓના સ્નાયુઓને આરામ અપાવવામાં તેમ જ થાક દૂર કરવામાં મદદ કરે છે. ખેલાડીઓને ઈજા થાય ત્યારે તેઓ ટીમની મેડિકલ ટીમ સાથે મળીને કામ કરે છે.

(11) દયાનંદ ગરાનાઇઃ તેઓ ટીમ ઇન્ડિયાના ટ્રેઇનિંગ અસિસ્ટન્ટ છે. તેઓ ખાસ કરીને બૅટ્સમેનોને તાલીમ દરમ્યાન ફાસ્ટ બોલિંગનો સામનો કરવામાં થ્રો-ડાઉન એક્સપર્ટ તરીકે કામ કરે છે. મૂળ બંગાળના ગરાનાઈના પિતા ખેડૂત છે. તેઓ ક્રિકેટ ક્લબના પેસ બોલર છે તેમ જ સિવિક પોલીસ વૉલન્ટિયર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

(12) ઉદેનાકા નુવાનઃ શ્રીલંકાના નુવાન પણ ભારતીય ટીમના ટ્રેઇનિંગ અસિસ્ટન્ટ છે. નેટ પ્રૅક્ટિસમાં તેઓ બૅટ્સમેનોને થ્રો-ડાઉનના સેશનમાં મદદ કરે છે.

(13) રાઘવેન્દ્ર દુગીઃ રઘુ' તરીકે જાણીતા રાઘવેન્દ્ર દુગી પણ ટ્રેઇનિંગ અસિસ્ટન્ટ છે. તેઓ ટીમના અનુભવી થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ છે. તેઓ કલાકે 150 જેટલા કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને બૅટ્સમેનોને પ્રૅક્ટિસ કરાવે છે. વિરાટ કોહલીની બૅટિંગમાં થયેલો સુધારો અમુક અંશે રઘુ'ને કારણે છે.

(14) સુમીત એમ.: તેઓ ટીમ ઑપરેશન્સ મૅનેજર છે જેઓ ખેલાડીઓના પ્રવાસ, રહેવાની વ્યવસ્થા તેમ જ અન્ય જરૂરી વ્યવસ્થાના તાલમેલ માટે કામ કરે છે કે જેથી ખેલાડીઓનું ફૉકસ રમવા પર તેમ જ પ્રૅક્ટિસ પર રહી શકે.

(15) ખાજા મુબાસ્સિરુદ્દીનઃ તેઓ લૉજિસ્ટિક મૅનેજર છે તેમનું કામ પણ મોટા ભાગે સુમીત એમ. જેવું છે.

(16) હરિપ્રસાદ મોહનઃ તેઓ ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સ ઍનલિસ્ટ છે. આધુનિક ક્રિકેટના વીડિયો ફૂટેજ, આંકડા તેમ જ વિશ્લેષણ પૂરા પાડે છે જેનો ઉપયોગ રણનીતિ તૈયાર કરવામાં થાય છે. તેઓ ટીમ ઇન્ડિયાને વિરોધી ટીમની તાકાત અને નબળાઈ વિશેની જાણકારી ડૅટા અને અન્ય માધ્યમ દ્વારા પૂરી પાડે છે.