Tue Nov 17 2026

Logo

લદ્દાખના આ 28 વિસ્તારો પર ચીનની છે નજર, એવું આમાં શું છે ખાસ?

2026-10-16 12:14:00
Author: Mumbai Samachar Team
લદ્દાખના આ 28 વિસ્તારો પર ચીનની છે નજર, એવું આમાં શું છે ખાસ?

ભારત સરકારે લદ્દાખમાં 28 વ્યુહાત્મક અને ભૌગોલિક સ્થળોને સત્તાવાર નકશામાં સામેલ કર્યા છે. આ અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે. 2 ઓક્ટોબરના રોજ ગૃહ મંત્રાલયે સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં આ સ્થળોના નામોનું માનકીકરણ (Standardization) કર્યું હતું. ચીને આ પગલાને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવ્યું છે તેમજ તે વિસ્તારો પર પોતાના દાવાને ફરી દોહરાવ્યો છે.

આ સ્થળોમાં પર્વતીય શિખરો, ઘાટો (પાસ), ગ્લેશિયર (હિમનદીઓ), ખીણો, જળ સ્ત્રોતો અને પેટ્રોલિંગ સંબંધિત રસ્તાઓ સામેલ છે.

ચીનની નામકરણ નીતિનો જવાબ

ભારતના આ પગલાને ચીનની ‘કાર્ટોગ્રાફિક ડિપ્લોમસી’ (નકશા દ્વારા ચલાવાતી કૂટનીતિ)ના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના અનેક સ્થળોના નામ બદલીને તેની યાદી જાહેર કરી હતી અને આ વિસ્તારને ‘ઝાંગનાન’ અથવા ‘દક્ષિણ તિબેટ’ નામ આપ્યું હતું.

અહેવાલ મુજબ ચીને 2017 અને 2023માં પણ આવું જ કર્યું હતું. લદ્દાખમાં 28 સ્થળોના નામોનું માનકીકરણ કરીને ભારતે પણ આવું જ એક વહીવટી પગલું ભર્યું છે, જેથી પોતાના સત્તાવાર રેકોર્ડમાં ઉપયોગમાં લેવાતા નામોને મજબૂત રીતે સ્થાપિત કરી શકાય.

LAC નજીકના સંવેદનશીલ વિસ્તારો

આમાંથી કેટલાંક સ્થળો LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા)ની નજીક છે, જેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સનો સમાવેશ થાય છે. આ સ્થાનો ભારતીય સેનાના પેટ્રોલિંગ અને વ્યુહાત્મક સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે.

પર્વતો, શિખરો, ઘાટો અને ગ્લેશિયર

આ 28 સ્થળોમાં લદ્દાખના વિવિધ પ્રકારના ભૂભાગો સામેલ છે. જે પર્વતો અને શિખરોના નામ નક્કી કરવામાં આવ્યા છે તેમાં અતિશા ગિરી, કનિષ્ક પીક, કરુણ પીર પર્વત, માર્તંડ ગિરી, જોલ્મોરી, જોરાવર પીક, શિવ રી અને માહેશ્વરીનો સમાવેશ થાય છે.

આ યાદીમાં ચાપચિંગલ ઘાટ, શચમીરિક ઘાટ તેમજ પારપિક ગ્લેશિયર અને સ્કમરી ગ્લેશિયર પણ સામેલ છે.

રસ્તા, ખીણ અને જળ સ્ત્રોત 

અન્ય સ્થળોમાં બ્રાંગસા, કુકસેલ, ડેહરા કંપાસ, કુમારયન પોઇન્ટ અને શમલ લુંગપાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, 1950ના દાયકાથી જ શમલ લુંગપા પેટ્રોલિંગ અને લશ્કરી છાવણીઓ (મિલિટરી કેમ્પ) માટે એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે.

વહીવટી અને કાનૂની મહત્વ

અહેવાલ મુજબ, ભારત સરકાર અને લદ્દાખ વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને આ નામોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. મોટાભાગના નકશાઓ અને સરકારી દસ્તાવેજોમાં આ નામોનો સમાવેશ કરવાથી આ સ્થળો પર ભારતના વહીવટી રેકોર્ડને વધુ મજબૂતી મળે છે.