Fri Oct 16 2026

Logo

ચૂંટણી પંચ અને SIR ના મુદ્દે સરકારને ઘેરવા માટે 'ઇન્ડિયા' ગઠબંધન થશે એક! દિલ્હીમાં મળશે INDIA બ્લોકની બેઠક

2026-09-26 17:22:50
Author: Devayat Khatana
ચૂંટણી પંચ અને SIR ના મુદ્દે સરકારને ઘેરવા માટે 'ઇન્ડિયા' ગઠબંધન થશે એક! દિલ્હીમાં મળશે INDIA બ્લોકની બેઠક

નવી દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવખત આખો વિપક્ષ એકસાથે આવી બેસવા જઈ રહ્યો છે.  કારણ કે દેશની રાજધાની નવી દિલ્હીમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનને લઈને એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે આગામી 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ચૂંટણી આયોગ પર ખુલાસાઓ અને SIRના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચૂંટણી પંચને લઈને પરસ્પર તાલમેલ ખૂબ જ વધી ગયો છે.

આ બેઠક અગાઉ ૨૯ સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળશે, જેમાં આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પોતાની આગામી રણનીતિ તૈયાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધીઓ એવા મમતા બેનર્જીની TMC અને CPI-M પણ ચૂંટણી આયોગના મુદ્દે એક જ મંચ પર આવી ગયા છે. ડાબેરી પક્ષોએ સીઈઓ જ્ઞાનેશ કુમારને હટાવવાની અને એસઆઈઆર પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની પ્રબળ માંગ કરી છે.

સંસદમાં વિપક્ષ દ્વારા એક નવો નોટિસ રજૂ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. સીપીઆઈએમના મહાસચિવ એમ.એ. બેબીએ અન્ય વિપક્ષી નેતાઓને પત્ર લખીને સંયુક્ત બેઠક યોજવાની અપીલ કરી હતી. વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને સંસદના બંને સદનોમાં નોટિસ રજૂ કરી શકે છે. વિપક્ષ તરફથી આ પ્રકારની આ ત્રીજી કોશિશ હશે, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.

બીજી બાજુ, એસઆઈઆર મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે અલગ-અલગ મતો અને ટિપ્પણીઓ એ સંસ્થાકીય વિચાર-વિમર્શનો સામાન્ય ભાગ છે. પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે તેના આદેશો સંપૂર્ણ કાનૂની માન્યતા ધરાવે છે. અગાઉ 23 રાજકીય પક્ષો અને એક નિર્દલીય સાંસદે પણ આ મુદ્દે દેશના મુખ્ય ન્યાયાધીશનો સંપર્ક કર્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું છે.