- ખૂશ્બુ મુલાણી ઠક્કર
બાર્ટર એટલે માત્ર માલના બદલામાં માલ આપવાની પ્રથા નહીં, પરંતુ પૈસા વિનાના વેપારની સદીઓ જૂની પરંપરા! ભારતમાં ગામડાંથી લઈને શહેરો સુધી પ્રચલિત રહેલી આ વિનિમય પદ્ધતિ આજે આધુનિક સ્વરૂપે ફરી ચર્ચામાં છે. બદલાતા સમય સાથે બાર્ટર હવે માત્ર વસ્તુઓ પૂરતું સીમિત નથી, પરંતુ વ્યવસાય, સેવાઓ અને પરસ્પર સહયોગ દ્વારા વિકાસનું નવું માધ્યમ બની રહ્યું છે.
કોવિડ-19ના સમયે જ્યારે આખો દેશ લોકડાઉનમાં હતો અને કેશ ફ્લો અટકી ગયો હતો, ત્યારે ઘણા વેપારીઓ સામે એક મોટો પ્રશ્ન ઊભો થયો. જેમની પાસે માલ હતો તેમને વેચવો હતો, અને જેમને માલની જરૂર હતી તેમની પાસે પૈસા નહોતા. આવા સંકટકાળમાં કેટલાક ઉદ્યોગસાહસિકોએ જૂની પરંપરાને નવા સ્વરૂપે જોવાનો પ્રયાસ કર્યો. તેમાંથી એક નામ છે વિરલ ઠક્કરનું.
વિરલ ઠક્કરે જ્યારે આ વિચાર પર કામ શરૂ કર્યું ત્યારે તેમણે જાણ્યું કે અમેરિકા અને અન્ય દેશોમાં બાર્ટર એક વ્યવસ્થિત અને મોટો વ્યવસાય છે. ત્યાં કંપનીઓ એકબીજા સાથે માલ અને સેવાઓની અદલાબદલી કરે છે અને તેના માટે સ્પષ્ટ સિસ્ટમ અસ્તિત્વમાં છે. ભારતમાં પણ બાર્ટર થતું હતું, પરંતુ તે મોટે ભાગે અનૌપચારિક અને વ્યવસ્થા વગરનું હતું. લોકોને બાર્ટરની સમજ હતી, પણ તેને વ્યાવસાયિક રીતે કેવી રીતે કરવું તેની સ્પષ્ટ પદ્ધતિ નહોતી.
6 જાન્યુઆરી 2020ના રોજ વિરલ ઠક્કરે આ ક્ષેત્રમાં પગલું મૂક્યું અને boxworld.com એટલે કે બર્ટર એક્સ્ચેન્જ ઇન્ડિયાની શરૂઆત કરી કે જે સરળ નહોતી. પહેલો ઓર્ડર મળતાં લગભગ સાત મહિના લાગ્યા. આજે છ વર્ષ પછી તેમની સાથે સેંકડો બ્રાન્ડ્સ જોડાયેલી છે. પરંતુ અહીં મહત્ત્વની વાત એ છે કે વિરલ ઠક્કરનું ધ્યેય માત્ર પોતાની કંપનીને આગળ વધારવાનું નથી. તેમની દૃષ્ટિ વ્યાપક છે. તેઓ માને છે કે જો ભારતમાં વ્યવસ્થિત બાર્ટર સિસ્ટમ વિકસે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને ખૂબ મદદ મળી શકે. કેશની અછત હોય ત્યારે પણ વ્યવસાય ચાલુ રાખી શકાય. એક કંપની પાસે વધારાનો માલ હોય અને બીજી કંપનીને તેની જરૂર હોય તો બંને એકબીજાને મદદ કરી શકે.
બાર્ટરનું સૌથી મોટું લક્ષણ એ છે કે તે કેશ પરની નિર્ભરતા ઘટાડે છે. જ્યારે બજારમાં લિક્વિડિટી ઓછી હોય ત્યારે પણ વ્યવસાય ટકી શકે છે. ખાસ કરીને નાના વેપાર, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે આ એક વિકલ્પ બની શકે છે. જો કંપની રજિસ્ટર્ડ હોય અને તેની પ્રતિષ્ઠા સારી હોય તો તે અન્ય વિશ્વસનીય કંપનીઓ સાથે જોડાઈને આપ લે કરી શકે છે.
વિરલ ઠક્કર વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે બાર્ટર કોઈ નવી વસ્તુ નથી. આપણા પૂર્વજો પણ આ રીતે વેપાર કરતા હતા. ફક્ત સમય સાથે તેને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની જરૂર છે. જો આ વિચારને વ્યાપક સ્તરે અપનાવવામાં આવે તો તે માત્ર એક કંપનીને નહીં, પરંતુ આખા દેશના વ્યવસાયિક વાતાવરણને નવી દિશા આપી શકે છે. કેશની મર્યાદા હોય ત્યારે પણ વિકાસ શક્ય છે આ વિચાર જ તેમની દૃષ્ટિનું કેન્દ્ર છે.
આજે જ્યારે ભારત ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જૂની પરંપરાઓને નવા સ્વરૂપે જોવાની જરૂર છે. બાર્ટર એવું જ એક ક્ષેત્ર છે જ્યાં પરંપરા અને આધુનિકતા એકસાથે કામ કરી શકે છે. વિરલ ઠક્કર જેવા ઉદ્યોગસાહસિકોની મહેનતથી આ વિચાર ધીમે ધીમે વધુ લોકો સુધી પહોંચી રહ્યો છે. જો વધુ વ્યવસાયિક એકમો આ અભિગમને અપનાવે તો ભવિષ્યમાં ભારતમાં બાર્ટર એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત થઈ શકે છે.