Sat Oct 10 2026

Logo

ચીન-પાકિસ્તાનની ‘બાઉન્ડરી કમિશન’ પર ભારતે ઊઠાવ્યો વાંધો, એરિયા ખાલી કરો અન્યથા એક્શન લેવાશે

2026-09-16 22:15:06
Author: Mumbai Samachar Team
ચીન-પાકિસ્તાનની ‘બાઉન્ડરી કમિશન’ પર ભારતે ઊઠાવ્યો વાંધો, એરિયા ખાલી કરો અન્યથા એક્શન લેવાશે

AI


ચીન અને પાકિસ્તાને ફરી એકવાર પોતાની અસલીયત દેખાડવાનું શરૂ કર્યું છે. ભારતે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને એક્શન લેવાનું પણ શરૂ કરી દીધું છે. ભારતે પણ એમને વળતો જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના લદ્દાખ પર ભારતે પોતાનું આકરૂ વલણ દેખાડી સ્પષ્ટ કર્યું છે કે, જે ભારતીય જમીન પર પાકિસ્તાન ખોટી રીતે કબજો કરી બેઠો છે એની પાસે ચીન સાથે કોઈ ડીલ કરવા અંગે કોઈનો કોઈ અધિકાર નથી.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને ટોણો મારતા કહ્યું કે, ભારતના કબજા હેઠળના વિસ્તારોને ઝડપથી ખાલી કરી દો.

બન્ને દેશ સામે આંખ લાલ કરી
દુનિયાની સામે ભારતે પોતાની સ્પષ્ટતા કરી છે કે, સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પ્રાંત ભારતનો અભિન્ન હિસ્સો છે અને હંમેશા માટે રહેશે. આ અઠવાડિયામાં ચીન અને પાકિસ્તાને મળીને ચીન પાકિસ્તાન જોઈન્ટ બાઉન્ડ્રી કમિશન ચાલુ કરવાનું એલાન કર્યું હતું. જેના પર ભારતે બન્ને દેશ સામે આંખ લાલ કરી છે. ભારતનાવિદેશ મંત્રાલયે મંગળવારે ચીન અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા જોઈન્ટ બાઉન્ડ્રી કમિશનને ફગાવી દીધું છે. જયસ્વાલા ઉમેર્યું હતું કે, આ સમગ્ર મુદ્દા પર ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે અને જુનુ છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે અસલમાં પણ કોઈ બોર્ડર કે સીમા છે જ નહીં. જે વિસ્તારને લઈ પાકિસ્તાન અને ચીન સીમા આયોગ બનાવે છે તે ભારતનો વિસ્તાર છે. જયસ્વાલે જણાવ્યું હતું કે,પાકિસ્તાન ભારતીય પ્રદેશ પર બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર રીતે કબજો કરે છે એનો દાવો પણ કરે છે. આના પરિણામે, તેને આ વિસ્તાર અંગે સીમાઓ નક્કી કરવાનો કે અન્ય કોઈ દેશ સાથે કોઈ કરાર કરવાનો કોઈ સત્તાવાર અધિકાર નથી. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંયુક્ત આયોગને કોઈ કાયદેસરની માન્યતા નથી અને ભારત તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારતું નથી.

બાંધછોડ નહીં થાય
પાકિસ્તાન અને ચીન બંનેને કડક સંદેશ આપતા અને દેશના વલણનો પુનરોચ્ચાર કરતા તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. આ સ્થિતિ ક્યારેય બદલાઈ નથી અને ક્યારેય બદલાશે નહીં. ભારત તેની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. પાકિસ્તાન દ્વારા તેના કબજા હેઠળના ભારતીય પ્રદેશોમાં પ્રવૃત્તિઓને કાયદેસર ઠેરવવાનો કોઈપણ પ્રયાસ નિષ્ફળ જશે.

ભારત ગેરકાયદેસર કબજાને યોગ્ય ઠેરવવા અથવા આ ક્ષેત્રની સ્થિતિ બદલવાના તમામ પ્રયાસોનો સખત વિરોધ કરે છે. સરહદ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચેનો કોઈપણ સહયોગ કે સંકલન ભારતની સાર્વભૌમત્વ પર અસર કરી શકતું નથી અને તે સંપૂર્ણપણે અમાન્ય છે. આ સમગ્ર વિવાદ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ના ઉત્તરીય વિસ્તારો અને લદ્દાખની સરહદે આવેલા પ્રદેશો સાથે જોડાયેલો છે. 

સીમા કરારની વિગત
વર્ષ 1963માં પાકિસ્તાન અને ચીન વચ્ચે એક કહેવાતો 'સીમા કરાર' થયો હતો. આ કરાર હેઠળ, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ભારતીય ભૂ-ભાગનો હજારો ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. ભારતે 1963ના આ કરારને ક્યારેય સ્વીકાર્યો નથી. ભારતનું સતત એવું વલણ રહ્યું છે કે, પાકિસ્તાન પાસે તે પ્રદેશ પર કોઈ કાયદેસરનો અધિકાર ન હોવાથી, તે ચીન સાથે સરહદ અંગેનો કરાર કરી શકતું ન હતું. આ કરાર શરૂઆતથી જ ગેરકાયદેસર અને અમાન્ય રહ્યો છે. હવે, આટલાં વર્ષો બાદ, તે જ ગેરકાયદેસર કરારના આધારે 'સંયુક્ત સરહદ પંચ' (Joint Boundary Commission) અમલમાં મૂકવાનું ચીન અને પાકિસ્તાનનું પગલું એક નવી ચાલ છે—જેને ભારતે નકારી કાઢ્યું છે.