ખૂશ્બુ મુલાણી ઠક્કર
દિવાળીનો તહેવાર નજીક આવતાં જ ઘર-ઘરમાં સફાઈનો માહોલ જામી જાય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને ચોખ્ખું, ચમકતું અને નવું કરવામાં વ્યસ્ત થઈ જાય છે. દીવાલો ધોવાય છે, પડદા ધોવાય છે, રસોડાનાં વાસણો ચમકાવાય છે અને ઘરની દરેક વસ્તુને જેમ હતી તેમ વ્યવસ્થિત મૂકવામાં આવે છે. આ બધી તૈયારીઓમાં ખાસ કરીને સ્ત્રીઓનું યોગદાન સૌથી વધુ હોય છે. તેઓ પરિવારના દરેક સભ્યની સુખ-સગવડનું ધ્યાન રાખે છે, ઘરની દરેક જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ જ્યારે વાત પોતાના સ્વાસ્થ્ય અને સેલ્ફ કૅરની આવે છે ત્યારે તેઓ અચાનક જ બેદરકાર બની જાય છે.
ઘરની સફાઈ, રસોઈ, મહેમાનોનું આગમન અને તહેવારની તૈયારીઓમાં સ્ત્રીઓ એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાના ચહેરાની સંભાળ લેવાનું તેમને યાદ જ નથી રહેતું. રાત્રે મોડા સુધી જાગવું, અનિયમિત ખોરાક, તણાવ અને ઊંઘની કમીને કારણે ત્વચા નીરસ પડી જાય છે. ચહેરા પર થાક, કાળાં વર્તુળો અને નીરસપણું સ્પષ્ટ દેખાય છે. દિવાળીના દિવસે જ્યારે બધાં નવાં કપડાં પહેરીને, મહેમાનો સાથે મળીને ખુશી વ્યક્ત કરે છે ત્યારે પોતાનો ચહેરો જો નીરસ હોય તો મનમાં કંઈક અધૂરું લાગે છે.
વાસ્તવમાં ઘરને સાફ કરવું જેટલું મહત્ત્વનું છે એટલું જ પોતાના ચહેરાને પણ ચમકાવવું જરૂરી છે. સુંદર ઘર સાથે સુંદર ચહેરો હોય તો જ તહેવારની ખુશી સંપૂર્ણ થાય છે. સ્ત્રીઓએ સમજવું જોઈએ કે પોતાની સંભાળ લેવી એ કોઈ સ્વાર્થ નથી, પરંતુ જરૂરિયાત છે.
સ્ત્રીઓ ખાસ કરીને પોતાના પર ખર્ચા કરતી નથી, પરંતુ તેઓ જાણતી પણ નથી કે તેમની સુંદરતા નિખારવાનો રાજ તેમના જ કિચનમાં છુપાયેલો છે. તો ચાલો થોડા ઘરગથ્થુ ઉપાયો જોઈએ.
ચહેરા પર કુદરતી નિખાર અને ગ્લો લાવવા માટે બેસન, હળદર, દહીં અને મધ જેવા રસોડાના કુદરતી ઘટકો ખૂબ જ અસરકારક હોમમેડ નુસખા સાબિત થાય છે. આ ઉપાયો કેમિકલ રહિત હોવાથી ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતા નથી. તમે ચહેરાના નિખાર માટે નીચે મુજબના ઘરેલું પૅક અજમાવી શકો છો:
બેસન, હળદર અને દહીંનો ફેસ પૅક
આ પૅક ત્વચાનો રંગ સાફ કરવા અને ટેનિંગ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
સામગ્રી: 2 ચમચી બેસન, ચપટી હળદર અને જરૂર મુજબ દહીં (જો ત્વચા ડ્રાય હોય તો દૂધ પણ વાપરી શકાય).
રીત: બધી વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા તથા ગળા પર લગાવો. 15થી 20 મિનિટ સુકાવા દીધા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
મધ અને એલોવેરા જેલ
આ મિશ્રણ ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ખીલના ડાઘ દૂર કરી કુદરતી ચમક આપે છે.
રીત: 1 ચમચી તાજું એલોવેરા જેલ અને 1 ચમચી મધ મિક્સ કરો. તેને ચહેરા પર 10 થી 15 મિનિટ માટે લગાવી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો.
ટામેટાનો રસ
ટામેટામાં નેચરલ બ્લીચિંગ ગુણો હોય છે જે ત્વચાના કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.
રીત: ટામેટાના રસને ચહેરા પર હળવા હાથે લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
પેચ ટેસ્ટ: કોઈ પણ ઘરેલું ઉપાય આખા ચહેરા પર લગાવતાં પહેલાં હાથ અથવા કાનની પાછળ ત્વચા પર થોડો લગાવીને (પેચ ટેસ્ટ) ચેક કરી લેવું જેથી બળતરા ન થાય.
લીંબુનો સીધો ઉપયોગ ટાળો: ઇન્સ્ટાગ્રામ કે સોશ્યલ મીડિયા પર જોઈને લીંબુનો સીધો અને વધુ પડતો ઉપયોગ ચહેરા પર ન કરવો, કારણ કે તે તમારી ત્વચામાં બળતરા પેદા કરી શકે છે.
સ્કિનકૅર: રોજ પૂરતું પાણી પીવો, સારી ઊંઘ લો અને તડકામાં બહાર નીકળતી વખતે જીક્ષતભયિયક્ષ લગાડવું ખાસ જરૂરી છે.