Tue Nov 17 2026

Logo

OCI કાર્ડ હોવા છતાં ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ! શું વિદેશી નાગરિકને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર નથી?

2026-10-16 12:10:00
Author: Mumbai Samachar Team
OCI કાર્ડ હોવા છતાં ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ! શું વિદેશી નાગરિકને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર નથી?

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી છે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા ઈમરાન ખાનને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાએ ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકોના અધિકારો અને ભારતમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના કાનૂની અધિકાર અંગે ચર્ચા જગાવી છે.

શું છે સમગ્ર મામલો? 

અહેવાલ અનુસાર, ઈમરાન ખાને 10 ઓક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન પોલીસે ઇમરાન ખાન સહિત અન્ય કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઇમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે અમેરિકન નાગરિક હોવા છતાં તે ભારતમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં કેવી રીતે ભાગ લઈ શકે છે. આ ફરિયાદ બાદ મામલો સંબંધિત ઈમિગ્રેશન અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.

ઈમરાન ખાન અમેરિકન નાગરિક, પરંતુ OCI કાર્ડધારક

ઈમરાન ખાન ભારતીય નાગરિક નથી, પરંતુ તેની પાસે ઓસીઆઈ કાર્ડ છે. આ કાર્ડ ભારતીય મૂળના વિદેશી નાગરિકોને ભારતમાં રહેવા અને કેટલીક અન્ય સુવિધાઓનો લાભ મેળવવાની મંજૂરી આપે છે. ઓસીઆઈ કાર્ડધારકોને આજીવન મલ્ટિપલ એન્ટ્રી વિઝા સહિતની સુવિધાઓ મળે છે, પરંતુ આ દરજ્જો તેને ભારતીય નાગરિકતા આપતો નથી. તે ભારતમાં મતદાન કરી શકતા નથી અને ચૂંટણી પણ લડી શકતા નથી. ભારતીય નાગરિકોને બંધારણની કલમ 19 હેઠળ મળતા વાણી સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના અધિકારો ઓસીઆઈ કાર્ડધારકોને સમાન રીતે લાગુ પડતા નથી.

શું OCI કાર્ડધારક વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લઈ શકે?

આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું ઓસીઆઈ કાર્ડધારકને રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની મનાઈ છે? કાનૂની નિષ્ણાતોના અહેવાલો અનુસાર, ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025માં વિદેશી નાગરિકોને રાજકીય રેલી કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પર સ્પષ્ટ રીતે પ્રતિબંધ મૂકતી જોગવાઈ નથી. જોકે, આ કાયદાની કલમ 7 હેઠળ સરકારને વિદેશી નાગરિકોના ભારતમાં રહેવા, તેમની પ્રવૃત્તિઓ અને વર્તન પર નિયંત્રણ મૂકવાની વ્યાપક સત્તા આપવામાં આવી છે. કાયદાની કલમ 29 હેઠળ ચોક્કસ કાનૂની ઉલ્લંઘનો અથવા સુરક્ષા સંબંધિત આધાર પર વિદેશી નાગરિકને ભારતમાંથી દૂર કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

ઈમરાન ખાન કોર્ટના દરવાજા ખખડાવશે

ભારત છોડવાની નોટિસ સામે ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે. તેના વકીલના જણાવ્યા અનુસાર, ઓસીઆઈ કાર્ડધારકોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકતી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેથી નોટિસની કાયદેસરતાને કોર્ટમાં પડકારવામાં આવશે. અહેવાલો અનુસાર, ઈમરાન ખાનની કાનૂની ટીમ નોટિસ રદ કરાવવા અથવા તેના અમલ પર વચગાળાની રોક મેળવવાનો પ્રયાસ કરી શકે છે. ઈમિગ્રેશન કાયદા હેઠળ વિદેશી નાગરિકને ભારત છોડવાનો આદેશ આપી શકાય છે. ઈમરાન ખાનના કેસમાં હવે કોર્ટ નોટિસની કાયદેસરતા અને સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. હાલ તેના માટે 28 ઓક્ટોબરની સમયમર્યાદા મહત્ત્વપૂર્ણ છે.

વધુ જુઓ...