Tue Nov 17 2026

Logo

ભારત છોડવાની નોટિસ મળતાં ઇમરાન ખાને લીધું કોર્ટનું શરણુંઃ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી

2026-10-17 20:43:11
Author: Mumbai Samachar Team
ભારત છોડવાની નોટિસ મળતાં ઇમરાન ખાને લીધું કોર્ટનું શરણુંઃ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી

મુંબઈ: અમેરિકી નાગરિકતા ધરાવતા અભિનેતા ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળતાં તેમણે બોમ્બે હાઈ કોર્ટનું શરણું લીધું છે. મુંબઈની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) દ્વારા તેમને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસ બાદ વિદેશી નાગરિક ઈમરાન ખાને આ નોટિસને મનસ્વી અને ગેરવાજબી ગણાવી હાઈ કોર્ટમાં પડકારી છે.  

આ સમગ્ર ઘટના 10 ઑક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી છે. આ પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પણ આ ઘટનાક્રમ દરમિયાન હાજર હતા અને પોલીસે તેમને થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ ઘટનાક્રમ બાદ એફઆરઆરઓ દ્વારા ઇમરાન ખાનને નોટિસ પાઠવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નોટિસમાં તેમને અમેરિકી નાગરિક ગણાવી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 હેઠળના કથિત ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ કાર્યવાહી સામે ઇમરાન ખાને કાનૂની માર્ગ અપનાવ્યો છે.

ઈમરાન ખાન અમેરિકી નાગરિક હોવાની સાથે ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારક પણ છે. તેમના વકીલોએ આપેલી માહિતી અનુસાર, અભિનેતાએ નોટિસને મનસ્વી અને ગેરવાજબી ગણાવી છે. તેમના પક્ષે નોટિસની કાયદેસરતા સામે સવાલ ઉઠાવ્યા છે અને તેને રદ કરવાની માગ સાથે હાઈ કોર્ટમાં અરજી કરી છે.

બીજી તરફ, ઈમરાન ખાનના પક્ષે એવો દાવો કર્યો છે કે તેઓ વિરોધ પ્રદર્શનમાં સક્રિય રીતે સામેલ નહોતા. તેમના જણાવ્યા અનુસાર તેઓ નાનાચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મીડિયાએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમના પક્ષે ઘટનાની હકીકત સ્પષ્ટ કરવા સીસીટીવી ફૂટેજ મેળવવાની વાત પણ કરી છે. આ દાવાઓ અંગે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

હવે બોમ્બે હાઈ કોર્ટમાં ઈમરાન ખાનની અરજી પર થનારી કાર્યવાહી મહત્ત્વપૂર્ણ રહેશે. અભિનેતાએ ભારત છોડવાની નોટિસને પડકારતાં રાહત માગી છે. એક તરફ એફઆરઆરઓ દ્વારા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ઈમરાન ખાને નોટિસની કાયદેસરતા સામે સવાલ ઉઠાવ્યા છે. હાઈ કોર્ટમાં આ મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે.