કેદારનાથઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે.દેશના પશ્ચિમ પ્રાંતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. ગુરૂવારે ડિસેમ્બર મહિનામાં થાય એવી હિમવર્ષા જોવા મળી હતી. પહાડી વિસ્તારમાં અચાનક આવેલા બદલાવની અસર મેદાની વિસ્તારમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર રાજધાની દિલ્હીમાં શુક્રવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આગાહી અનુસાર રવિવાર સવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાના અણસાર છે.
મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ
પશ્ચિમના રાજ્યોમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. ગુજરાતમાં પણ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયું રહેશે. માત્ર ઝાપટા પડશે પણ કોઈ ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણ એંકદરે ઠંડુ રહેશે અને આગામી દિવસોમાં આંશિક તડકો નીકળશે. ખાસ કરીને પશ્ચિમના દરિયાના કિનારાના શહેર અને રાજ્યોમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
23 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સક્રિય
હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર 23 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સક્રિય રહેશે. પણ ભારેથી અતિભારે વરસાદના કોઈ એંધાણ નથી. એ પછી થોડા સમય માટે ઉઘાડ થશે અને તડકો નીકળશે. દેશના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ અને રેલ સેવાને અસર થઈ છે. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ આવતી ટ્રેન અને અમદાવાદ આવતી ફ્લાઈટના સમયમાં આંશિક ફેરફાર વરસાદના કારણે થયો છે.
ઉત્તર ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો યુપી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ સુધીના રાજ્યોમાં હવામાન સામાન્ય રહેશે. શનિવારથી આંશિક પલટો વર્તાશે પણ ધોધમાર વરસાદની કોઈ આગાહી નથી. બિહારમાં આવનારા બે દિવસોમાં આંશિક ફેરફાર હવામાનમાં થઈ શકે છે. નેપાળ બાજુના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સામાન્ય તડકો નીકળતા બફરો વધી શકે છે. આવું વાતાવરણ ત્રણથી ચાર દિવસ સુધી રહી શકે છે.

કાશ્મીરમાં પણ હિમવર્ષા-શિયાળો શરૂ
કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે, રોહતાંગ પાસ સુધી રસ્તા પર બરફની ચાદર પથરાઈ ગઈ હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. ખાસ કરીને હાઈવે નજીકના વિસ્તારોમાં હિમવર્ષા થતા રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં અને ગુલમર્ગ પાસે હિમવર્ષા થતા સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાયો હતો.
હિમવર્ષાએ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં પણ સફેદ ચાદર પાથરી દીધી હતી. બીજી તરફ ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથના પહાડી વિસ્તારમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. આ વિસ્તારમા પણ હિમવર્ષા શરૂ થતા શિયાળાનો અહેસાસ થયો હતો. કેદારનાથના ઊંચા શિખર પર બરફ પડતા અનેક એરિયા હિમાચ્છાદિત થયા છે. હેમકુંડ સાહેબમાં હિમવર્ષા થતા ભાવિકોએ સીઝનની પહેલી હિમવર્ષા માણી હતી. બદ્રીનાથ અને કેદરનાથમાં હિમવર્ષાના કારણે તાપમાન નીચે ઊતર્યું હતું. ખરાબ હવામાનના કારણે કેદારનાથ હેલિકોપ્ટર સેવાને પણ અસર થઈ છે.