આઈઆઈટી બોમ્બેમાં સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ શિક્ષણ પદ્ધતિ સામે સવાલો; 7 મહિનામાં આ જ કેમ્પસનો ત્રીજો કિસ્સો, પાંચ વર્ષમાં 15 આઈઆઈટીમાં 74 વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આઈઆઈટી બોમ્બેમાં સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કેમ્પસ સપોર્ટ સિસ્ટમનો મુદ્દો ગરમાયો છે. 2026નું વર્ષ હજુ પૂરું થયું નથી, પરંતુ 18 સપ્ટેમ્બર સુધી વિવિધ આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના 13 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર 2021થી 18 સપ્ટેમ્બર 2026 સુધીના આંકડાઓ મુજબ 15 આઈઆઈટી કેમ્પસમાં અત્યાર સુધીમાં કુલ 74 કેસ નોંધાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આઈઆઈટી બોમ્બેના બીજા વર્ષના બીટેક વિદ્યાર્થી સાહિલ વાકોડેની 18 સપ્ટેમ્બરની આત્મહત્યા બાદ બહાર આવેલા આંકડાઓથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના કથળતા જતાં માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો નિર્માણ કર્યા છે. એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી સાહિલે પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન અને ચેટજીપીટીના ઉપયોગ અંગેની ઘટનાના ગણતરીના કલાકો બાદ હોસ્ટેલમાં જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે હાલ આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે વિદ્યાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને કેમ્પસના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ તપાસ હેઠળ છે. આ વચ્ચે આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓને સમયસર માનસિક અને શૈક્ષણિક સહાય કેવી રીતે મળી શકે તે મુદ્દો ફરી એક વાર એરણે ચઢ્યો છે.
ગ્લોબલ આઈઆઈટી એલ્યુમની સપોર્ટ ગ્રૂપના સ્થાપક અને મુખ્ય માર્ગદર્શક, આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ કલકત્તા બંનેના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ધીરજ સિંહે માહિતીના અધિકાર (આરટીઆઈ) અને મીડિયા અહેવાલો દ્વારા પ્રણાલીગત સંકલન દ્વારા સંકલિત ડેટાસેટ અનુસાર દેશની 15 આઈઆઈટીમાં કુલ 74 વિદ્યાર્થીઓની આત્મહત્યા- અણધારી ઘટનાઓને કારણે અકાળ મૃત્યુ સપ્ટેમ્બર 2015 થી 18 સપ્ટેમ્બર, 2026 વચ્ચે નોંધવામાં આવ્યું હતું.
સાહિલ વાકોડે પહેલાં પણ 2026માં આઈઆઈટી બોમ્બેમાં બે વિદ્યાર્થીઓની આત્મહત્યા નોંધાઈ હતી. 4 ફેબ્રુઆરીએ બીટેક સિવિલ એન્જિનિયરિંગના નમન અગ્રવાલ અને 28 જુલાઈએ બીટેક મટિરિયલ એન્જિનિયરિંગના સોહિલ રાજકુમાર સાંગવાને આત્મહત્યા કરી હતી. આ પહેલાં 2 ઓગસ્ટ 2025ના રોહિત સિન્હા, 12 ફેબ્રુઆરી 2023ના દર્શન સોલંકી અને 17 જાન્યુઆરી 2022ના દર્શન માલવિયાએ પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ બધા કેસ પણ આઈઆઈટી બોમ્બેના રેકોર્ડમાં નોંધાયેલા છે.
ચાલુ વર્ષમાં 18 સપ્ટેમ્બર સુધીમાં દેશની બધી જ આઈઆઈટીમાં મળીને વિદ્યાર્થીઓની આત્મહત્યા અથવા અકુદરતી મૃત્યુના કુલ 13 કેસ નોંધાયા છે. વર્ષ 2025માં આવા 16 કેસ નોંધાયા હતા, જ્યારે 2024, 2023 અને 2022માં અનુક્રમે 14-14 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2021ના સમયગાળામાં 3 કેસ નોંધાયા હતા. આ આંકડાઓને સાથે જોવામાં આવે તો સપ્ટેમ્બર 2021થી 18 સપ્ટેમ્બર 2026 સુધીનો કુલ આંકડો 74 પર પહોંચે છે. આ આંકડા દેશની પ્રતિષ્ઠિત ટેક્નિકલ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, શૈક્ષણિક દબાણ અને કેમ્પસમાં ઉપલબ્ધ સપોર્ટ સિસ્ટમ અંગે ફરી ગંભીર ચર્ચા ઊભી કરે છે.
સપ્ટેમ્બર 2021થી 18 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌથી વધુ 13 કેસ આઈઆઈટી ખડગપુરમાં નોંધાયા છે. ત્યારબાદ આઈઆઈટી કાનપુર અને આઈઆઈટી દિલ્હીમાં 9-9 કેસ નોંધાયા છે, જ્યારે આઈઆઈટી મદ્રાસમાં 7 કેસ નોંધાયા છે. આઈઆઈટી ગુવાહાટી અને આઈઆઈટી બોમ્બેમાં 6-6 કેસ નોંધાયા છે. આઈઆઈટી-બીએચયુ વારાણસીમાં 5, જ્યારે આઈઆઈટી રૂરકી અને આઈઆઈટી હૈદરાબાદમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આઈઆઈટી પટના અને આઈઆઈટી (આઈએસએમ) ધનબાદમાં 3-3, આઈઆઈટી ભુવનેશ્વરમાં 2 તથા આઈઆઈટી ગોવા, આઈઆઈટી રોપર અને આઈઆઈટી ઇન્દોરમાં 1-1 કેસ નોંધાયા છે. આ તમામ સંસ્થાઓને મળીને કુલ 74 આત્મહત્યા/અકુદરતી મૃત્યુના કેસ નોંધાયા છે.
18 સપ્ટેમ્બર સુધી વિવિધ આઈઆઈટીમાં 13 કેસ
2026 — 13
2025 — 16
2024 — 14
2023 — 14
2022 — 14
2021 (સપ્ટે.-ડિસે.) — 3
5 વર્ષનો કુલ આંકડો: 74
પાંચ વર્ષમાં કઈ આઈઆઈટીમાં કેટલા કેસ?
આઈઆઈટી ખડગપુર — 13
આઈઆઈટી કાનપુર — 9
આઈઆઈટી દિલ્હી — 9
આઈઆઈટી મદ્રાસ — 7
આઈઆઈટી ગુવાહાટી — 6
આઈઆઈટી બોમ્બે — 6
આઈઆઈટી-બીએચયુ વારાણસી — 5
આઈઆઈટી રૂરકી — 4
આઈઆઈટી હૈદરાબાદ — 4
આઈઆઈટી પટના — 3
આઈઆઈટી (આઈએસએમ) ધનબાદ — 3
આઈઆઈટી ભુવનેશ્વર — 2
આઈઆઈટી ગોવા — 1
આઈઆઈટી રોપર — 1
આઈઆઈટી ઇન્દોર — 1
કુલ: 74 આત્મહત્યાના કેસ
આઈઆઈટી બોમ્બેમાં આત્મહત્યાના નોંધાયેલા કેસ
2026 — સાહિલ વાકોડે
બીટેક, એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ — 18 સપ્ટેમ્બર 2026
2026 — સોહિલ રાજકુમાર સાંગવાન
બીટેક, મટિરિયલ એન્જિનિયરિંગ — 28 જુલાઈ 2026
2026 — નમન અગ્રવાલ
બીટેક, સિવિલ એન્જિનિયરિંગ — 4 ફેબ્રુઆરી 2026
2025 — રોહિત સિન્હા
બીટેક, મટિરિયલ એન્જિનિયરિંગ — 2 ઓગસ્ટ 2025
2023 — દર્શન સોલંકી
બીટેક, કેમિકલ એન્જિનિયરિંગ — 12 ફેબ્રુઆરી 2023
2022 — દર્શન માલવિયા
એમટેક, ડિઝાઇન — 17 જાન્યુઆરી 2022
આઈઆઈટીએ શું કહ્યું?
આ સમગ્ર ઘટના અંગે આઈઆઈટી બોમ્બેએ આ મુદ્દે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, "ઘટનાના દિવસે પરીક્ષા દરમિયાન સાહિલ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. સંસ્થાના નિવેદન પ્રમાણે, તેણે પરીક્ષાના પ્રશ્નપત્રને ચેટજીપીટી પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ પણ કરાયું હતું અને તેને જણાવવામાં પણ આવ્યું હતું કે આ ઘટનાની તેના શૈક્ષણિક ભવિષ્ય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર નહીં થાય.