મુંબઈ: મુંબઈના પવઈ સ્થિત આઈઆઈટી બોમ્બેમાં એક વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યા બાદ તેની અસર સમગ્ર કેમ્પસમાં જોવા મળી હતી. ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે આઈઆઈટી કેમ્પસમાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બી.ટેકના વિદ્યાર્થીનું નામ સાહિલ વાકોડે હોવાનું જણાવાઈ રહ્યું છે. વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કથિત રીતે નકલ કરતા પકડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ શિક્ષકોએ તેની સામે કાર્યવાહી થઈ શકે છે તેમ જણાવ્યું હતું. આ પછી વિદ્યાર્થી હોસ્ટેલમાં ગયો હતો અને સાંજના સમયે તેણે કથિત રીતે આપઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થીના આપઘાતના મામલે કેટલાક વિદ્યાર્થીઓ મોડી બપોર સુધી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, તેમને કેમ્પસની બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી અને બહારના લોકોને પણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. વિદ્યાર્થીના મોતની માહિતી સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકત્ર થયા હતા.
વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આપઘાત પાછળનું વાસ્તવિક કારણ શું છે અને પરીક્ષામાં કથિત નકલની ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.