મુંબઈ: આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા મામલે સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષા દરમિયાન સાહિલના હાથમાં મોબાઇલ ફોન જોવા મળી રહ્યો છે, જે શક્ય છે કે નકલ કરે છે. જોકે, સીસીટીવીમાં પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલા ઇન્વિજિલેટર તરીકે અન્ય એક પ્રોફેસર સાથે પરીક્ષા હોલમાં હાજર હોવાનું દેખાય છે. રાઉન્ડ દરમિયાન તેમણે સાહિલને મોબાઇલ સાથે જોયો હતો અને ત્યાર બાદ પાછા આવીને તેને ટોક્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં સાહિલે પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન દ્વારા ચેટજીપીટીનો ઉપયોગ કર્યો હોવાના દાવાને સમર્થન મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં પ્રોફેસર સૂર્યનારાયણ ડુલા સાહિલને પરીક્ષા હોલમાંથી બહાર લઈ જતા જોવા મળે છે. સાહિલને પરીક્ષા દરમિયાન કથિત નકલ કરતાં રોકનાર પ્રોફેસર સૂર્યનારાયણ ડુલાને આઈઆઈટી બોમ્બેએ તેમની વહીવટી જવાબદારીમાંથી દૂર કર્યા છે.
Undeniable proof in the Sahil Wankode suicide case.
— Nupur J Sharma (@UnSubtleDesi) September 23, 2026
Another CCTV footage emerges where he seems to have been caught with a phone, cheating in exams. He then hands over the phone to the invigilator. pic.twitter.com/Vf7if3vB4B
સાહિલ વાકોડે કેસ શું છે?
18 સપ્ટેમ્બર 2026ના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેનો મૃતદેહ પવઈ કેમ્પસની હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આત્મહત્યાના થોડા કલાકો પહેલાં સેમેસ્ટર પરીક્ષા દરમિયાન સાહિલ પર મોબાઇલ ફોનથી ચેટજીપીટીનો ઉપયોગ કરીને નકલ કરવાનો આરોપ લાગ્યો હતો. સાહિલના માતા-પિતાએ પ્રોફેસર સૂર્યનારાયણ ડુલા પર જાતિના આધારે હેરાનગતિ અને માનસિક દબાણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પ્રોફેસર ડુલા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ તથા આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધાયો છે. આઈઆઈટી બોમ્બેએ તેમને ડીન સહિતની પ્રશાસનિક જવાબદારી પરથી દૂર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ સાથે વિદ્યાર્થીઓ અને પરિવારજનોના નિવેદનો પણ નોંધી રહી છે.
પ્રોફેસર ડુલાએ આન્સરશીટ લીધી
સીસીટીવી ફૂટેજમાં ઇન્વિજિલેટર સાહિલની આન્સરશીટ લેતા અને તેને પોતાની સાથે પરીક્ષા હોલની બહાર આવવા કહેતા જોવા મળે છે. ફૂટેજમાં સાહિલ પોતાની જગ્યાએથી ઊભો થઈને સામાન એકત્રિત કરતો અને બહાર જવાની તૈયારી કરતો દેખાય છે. તે ઇન્વિજિલેટરને કંઈક આપતો પણ દેખાય છે, જોકે તે વસ્તુ ફ્રેમમાં સ્પષ્ટ દેખાતી નથી. પોલીસે બુધવારે સાહિલના નજીકના ગણાતા ત્રણ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે હજુ સુધી પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલાનું નિવેદન નોંધ્યું નથી.
પોલીસ ડિજિટલ પુરાવા એકત્ર કરી રહી છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોફેસરની પૂછપરછ કરતાં પહેલાં પોલીસ ઉપલબ્ધ ડિજિટલ પુરાવા એકત્રિત કરવા અને અન્ય સાક્ષીઓના નિવેદનો નોંધવા માગે છે. તપાસકર્તાઓ પરીક્ષા હોલમાંથી બહાર નીકળ્યા બાદ સાહિલની પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહ્યા છે. 18 સપ્ટેમ્બરે બપોરે આશરે 12:30 વાગ્યાથી શરૂ થયેલી ઘટનાઓની કડી તપાસમાં મહત્વપૂર્ણ બની છે.
પોલીસ સાહિલના મૃત્યુ પહેલાંના કેટલાક કલાકોમાં તેની પ્રવૃત્તિઓ અને કોની સાથે વાતચીત થઈ હતી તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા બાદ મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.