Fri Oct 16 2026

Logo

IIT બોમ્બેમાં વિદ્યાર્થીના આપઘાત બાદ સંસ્થાની મોટી કાર્યવાહી, પ્રોફેસર ડુલ્લા ડીન પદ પરથી સસ્પેન્ડ

2026-09-21 14:24:19
Author: Vimal Prajapati
IIT બોમ્બેમાં વિદ્યાર્થીના આપઘાત બાદ સંસ્થાની મોટી કાર્યવાહી, પ્રોફેસર ડુલ્લા ડીન પદ પરથી સસ્પેન્ડ

મુંબઈઃ મુંબઈની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT-Bombay) માં બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓના સળંગ 3 દિવસના ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી સંસ્થાએ કડક કાર્યવાહી કરતા પ્રોફેસર સૂર્યનારાયણ દૂલ્લાને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરી દીધા છે. સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારેએ 20 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા સોંપવામાં આવેલી 18 માંગણીઓવાળા ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

શું છે આ સમગ્ર મામલો ?

આ વિવાદ 18 સપ્ટેમ્બરના રોજ 20 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતના કારણે શરૂ થયો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર, મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન સાહિલ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને તેણે કથિત રીતે એઆઈ પ્લેટફોર્મ પર પ્રશ્નપત્ર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પ્રોફેસર દૂલ્લા ક્લાસમાં નિરીક્ષક તરીકે હાજર હતા. જોકે, સંસ્થાનું કહેવું છે કે તે સમયે સાહિલ સામે કોઈ ઔપચારિક શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હતી અને તેને કાઉન્સેલિંગ પણ આપવામાં આવ્યું હતું.

જાતિગત ભેદભાવના ગંભીર આક્ષેપો

આ સમગ્ર કેસમાં સાહિલના પરિવારની ફરિયાદના આધારે નોંધાયેલા પોલીસ કેસમાં પ્રોફેસર દૂલ્લાનું નામ પણ સામેલ છે. પોલીસે તપાસમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા અંગેની કલમોની સાથે SC/ST કાયદાની કલમો પણ લગાવી છે. બીજી તરફ, IIT બોમ્બે પ્રશાસને કેમ્પસમાં જાતિગત ભેદભાવના આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનના કારણે માહોલ વધારે ઉગ્ર બન્યો છે. 

આ દરમિયાન, IIT-બોમ્બેએ તપાસ પૂર્ણ થયા પહેલા જ સાહિલના મોત અંગે નિવેદન આપવા બદલ માફી માંગી લીધી હતી. જોકે, IIT-બોમ્બે ફેકલ્ટી ફોરમ પ્રોફેસર દૂલ્લાના સમર્થનમાં આવ્યું છે. ફોરમનું કહેવું છે કે, પ્રોફેસર ડુલ્લા સંબંધિત અભ્યાસક્રમના પ્રશિક્ષક હતા અને 18 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 થી બપોરે 01:00 વાગ્યા દરમિયાન યોજાયેલી મિડ-સેમેસ્ટર પરીક્ષામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કથિત રીતે વિદ્યાર્થીને પરવાનગી વિના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જોયો હતો.